________________
સમાધિમરણ
પવન વાય છે, સૂર્ય તપે છે, જળથી જીવાય છે, એવું દેખીને કે સાંભળીને આપણે કંઈ આશ્ચર્ય પામતા નથી, તો પછી મનુષ્ય જન્મ કે મરે તે દેખીને કે સાંભળીને આટલું આશ્ચર્ય શા માટે પામવું જોઈએ ? આ પ્રમાણે મરી ગયેલા છોકરાના બાપે સંદેશો લાવનારને કહ્યું. તે સમયે તેમના મુખ ઉપર કોઈ પણ જાતનો દુઃખનો ભાવ જણાયો નહિ. આથી તેનું સત્સંગમંડળ બહુ પ્રસન્ન થયું અને તે દિવસથી તેને પોતાના સત્સંગમંડળનો ગુરુ બનાવી, તેઓ તેને સાચો ભક્ત સમજવા લાગ્યા. (શ્રી સુબોધ કથાસાગરમાંથી)
૧૦૦
રોજ મરણ સંભારી ફુરસદ મેળવી તૈયારી કરી રાખવી
એક મુલ્લાનું દૃષ્ટાંત– “એક મુલ્લાં હતો તે એક માણસને રોજ કુરાન સંભળાવવા જતો; પણ નવરાશ ન હોવાથી તે તેને રોજ પાછો કાઢતો. પછી તે માણસ મરી ગયો ત્યારે કબરમાં દાટતી વખતે મુલ્લાં કુરાન સંભળાવવા લાગ્યો. બધા કહે, આમ કેમ કરો છો? મુલ્લાંએ જવાબ આપ્યો : “આજ સુધી તેને ફુરસદ નહોતી તેથી હવે સંભળાવું છું.” ત્યારે બધા કહે કે તે તો મરી ગયો છે, ત્યારે મુલ્લાં કહે, “તે તો મરી ગયો છે; પણ તમે તો સાંભળો છો ને ?’’
પ્રભુશ્રી—(બધાને) મરણ આવે ત્યારે શું કરવું?
૧. મુમુક્ષુ—પહેલેથી તૈયારી રાખવી. થોડે થોડે સહનશીલતાનો અભ્યાસ કરવો.
૨. મુમુક્ષુ–લડવૈયો હથિયાર વાપરતાં શીખ્યો હોય તો લડાઈ વખતે કામ આવે.
પ્રભુશ્રી—આ વાત બહુ ગહન છે. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે; માટે સમયે સમયે જાગૃતિ રાખવી. એક સમયનો પણ પ્રમાદ ન કરવો. રોજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તો કંઈ નહિ બને.
જેવો ભાવ, શુભ કર્યો તો તે પ્રમાણે થશે અને શુદ્ધ કર્યો તો તે પ્રમાણે થશે. તાત્પર્ય એ કે બધાથી લઘુ થઈ જવું; વિનય કરવો. ટૂંકો રસ્તો વિનય. વિનયમાં બધું સમાય છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. સહનશીલતા અને ક્ષમા એ મોટામાં મોટો ઉપાય છે. ગમે તે થાય પણ ભાવ ક્ષમાનો રાખવો.’’ (ઉ.પૃ.૪૮૪)
મરણ યાદ રાખવાથી મમતા ઓછી થાય
“કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે ? મન પાછું ઓસરે, ઉદાસ રહે. તેમ મરણને યાદ રાખ્યા કરવાથી યોગ્યતા આવે છે. મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે. જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કોઈ ને કોઈ પૂર્વકર્મના સંયોગે થયો છે ને ? તે જો સાચી દૃષ્ટિ થઈ હોય તો એક કુટુંબ જેવું લાગે. કુટુંબમાં જેમ એક વધારે કમાય એક ઓછું કમાય, પણ બધા કુટુંબીઓ ગણાય; તેવું ૨હે.’’ (ઉ.પૃ.૨૮૭)