SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ શ્રી લઘુરાજસ્વામીકૃત પ્રશસ્તિ (‘શ્રી સદ્ગુરુપ્રસાદ'માંથી) ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदं । मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ॥ જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરીત સંસારી કે સમીપ-મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજમાત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એવા પ્રત્યક્ષ સત્પુરુષની કૃપા-પ્રસાદી જગતનું કલ્યાણ કરો. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ કોઈ મહપુણ્યના ઉદયથી વિ.સં. ૧૯૪૬ થી થયો. ત્યારથી તે અતિશયશાળી શ્રી ગુરુદેવની જે નિરંતર કૃપા આ રંક શિષ્ય ઉપર વર્ત્યા કરે છે તેની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. પરમ માહાત્મ્યવંત આ પ્રત્યક્ષ સત્પુરુષનો આ પામરને યોગ થયો ન હોત તો મિથ્યામાર્ગની પ્રરૂપણા અને આગ્રહથી અનંત સંસાર વધારી પૂર્વની અમૂલ્ય કમાણીરૂપ મનુષ્યભવ નિષ્ફળ વહ્યો જાત; તે ઉપરાંત દુર્લભબોધિપણું પામી માઠી ગતિમાં કેટલોય કાળ પરિભ્રમણ કરવું પડત. અનંત દોષનું ભાજન આ જીવ સત્પુરુષના શરણ વિના શી રીતે ઊંચો આવત? અપરમાર્થને વિષે પરમાર્થના દૃઢ આગ્રહરૂપ અનેક સૂક્ષ્મ ભુલભુલામણીના પ્રસંગો દેખાડી આ દાસના દોષો દૂર કરવામાં એ આસ પુરુષનો પરમ સત્સંગ તથા ઉત્તમ બોઘ પ્રબળ ઉપકારક બનેલા છે; તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. હું તો મને તે પુરુષનો દાસાનુદાસ અલ્પ સાધક સમજું છું. માત્ર મારી યોગ્યતાની ખામીને લીધે એ પરમ પુરુષના પ્રેરક તત્ત્વનો પૂરેપૂરો લાભ ન લઈ શકાયો તેનો ખેદ છે. તો પણ સંજીવની ઔષધ સમાન મૃતને સજીવન કરે તેવાં તેમનાં પ્રબળ પુરુષાર્થ જાગ્રત કરનાર વચનોનું માહાત્મ્ય વિશેષ વિશેષ ભાસવાની સાથે ઠેઠ મોક્ષે લઈ જાય તેવી સમ્યક્ સમજ-દર્શન તે પુરુષ અને તેના બોઘની પ્રતીતિથી પ્રાપ્ત થાય છે; એ આ દુષમ-કળિકાળમાં આશ્ચર્યકારી અવલંબન છે. પોણોસો વર્ષ જેટલું આ આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલા દેખાયાં. પ્રેમ પ્રતીતિ વર્ધમાન થયે તે સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. સંવત્ ૧૯૮૭ ચૈત્ર પૂર્ણિમા ગુરુવાર તા. ૨-૪-૧૯૩૧ “શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાથીન.” પરમ માહાત્મ્યવંત સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનોમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે. તેમના પત્રો તથા કાવ્યો સરળ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. લિ. શ્રી સદ્ગુરુરાજના ચરણકમળનો ઉપાસક લઘુતમ શિષ્ય લઘુ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy