________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
ડૉક્ટર કાપડીયા સાહેબ વગર પૂચે દરેક પ્રશ્નના ખુલાસા કર્યાં
ડૉક્ટર કાપડીયા સાહેબ પૂ.વણારસીબાપાને મળેલા તે વાત કરતા હતા કે અમે લીંબડી વઢવાણ કેમ્પ રાણપુર વિગેરે ચાર ગામના મહાજન મળીને સાયલા ગયેલા. ત્યાં પૂજ્ય સોભાગ્યભાઈએ અમને આવકાર આપ્યો. અમો શાસ્ત્રમાંથી ૨૧ પ્રશ્નો કાઢીને શ્રીમદ્ભુને પૂછવા ગયેલા. તે વખતે અમોને અભિમાન હતું કે આટલી નાની ઉંમરના શ્રીમદ્ભુ તે શું જાણતા હશે? કે સોભાગ્ય શાહ તેના વખાણ કરે છે! અમે તો કેટલાક શાસ્ત્ર જાણીએ છીએ એટલે પ્રશ્નો લખીને લઈ ગયેલા. તે કાગળ અમે પાઘડીની અંદર ભરાવેલો હતો. પરમકૃપાળુદેવ પાસે અમો ગયા અને હાથ જોડી બેઠા. બે મિનિટ બધા મૌન બેસી રહ્યા, કોઈ કાંઈ પૂછી શક્યું નહીં.
પછી કૃપાળુદેવે કહ્યુ કાંઈ પૂછવું હોય તો પૂછો પણ અમો એકબીજાની સામું જોયા કરીએ પણ તેઓશ્રીના પ્રભાવથી કોઈ બોલી શક્યા નહીં. ત્યારબાદ થોડીવારે કૃપાળુદેવે અમારા પ્રશ્નોના જવાબ વગર પૂછ્યું દરેક પ્રશ્નના ખુલાસા કર્યા. બધા અચંબો પામ્યા, નવાઈ લાગી કે તેમણે આપણાં મનની વાત શી રીતે જાણી? મને તો તેમના અદ્ભુત પ્રભાવની અસર ખૂબ રહી. ત્યારથી મેં દાસત્વભાવે વંદન કરી તેમને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. સત્સંગ સંજીવનીમાંથી
૩૯૪
શ્રી મફાભાઈ કલ્લોલ
પરમકૃપાળુદેવના દર્શન થયા તે હજી ભુલાતા નથી
શ્રી મફાભાઈ કલ્લોલવાળા શ્રી વડવે આવતા અને સત્સંગ અર્થે રહેતા. કૃપાળુદેવના દર્શનની નાની ઉંમરમાં જે છાપ પડેલી તેની ઉલ્લાસથી તેઓ વાત કરતા અને પ્રસન્નતાથી જણાવતા કે શ્રી પરમકૃપાળુદેવ કલોલ પધારેલા. ત્યાં એક દિવસ સ્થિરતા કરેલ. બીજે દિવસે મુંબઈ પધારવાના હતા. સ્ટેશન પર મારા બા વિગેરે વળાવવા ગયા. હું નિશાળેથી ઘેર આવ્યો તો મારા બા સ્ટેશન પર ગયેલા એટલે હું સીઘો સ્ટેશને સાહેબજીના દર્શન કરવા ગયો. જેવો સ્ટેશને પગ મૂક્યો તેવી જ ગાડીની સિસોટી વાગી અને ગાડી ઊપડી.
હું દોડતો દોડતો ડબા તરફ જવા લાગ્યો. ત્યાં તો કૃપાળુદેવે જાણી લીધું અને બારીમાંથી મુખમુદ્રા બહાર કરી મારી સામું જોયું અને હાથ ઊંચો પોતે કર્યો. તે મેં બરાબર નજર મેળવી દર્શન કર્યાં. તે જ્યાં સુઘી દેખાયા ત્યાં સુધી ડબાની પાછળ દોડતો રહ્યો. તે વખતે જે અમી દૃષ્ટિ પડી છે તે હજી એવી ને એવી નજર આગળ તરે છે, મને જે દર્શન થયાં તે હજી ભૂલાતા નથી. મારી મોટી ઉંમર થયા પછી વચનામૃત પત્રાંક ૩૧૩ ‘‘જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ ને તેમ થઈએ છીએ.’’ એ મારા અંતરમાં સ્થિર થયું છે. તેનો હું રોજ પાઠ કરું છું. એ મને બહુ ગમે છે. –સત્સંગ સંજીવનીમાંથી