________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
પુણ્યવાન કે સત્પુરુષના શરણે જવાથી શાંતિ પામ્યા એવા વિચારો થયા હતા.
કોઈપણ ક્રિયાનું ઉત્થાપકપણું અમારામાં હોય નહીં
પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ થયા પછી જ્યારે હું ગોધાવી ગયો ત્યાં સાધુઓ પરમકૃપાળુદેવની નિંદા કરતા હતા. તે સર્વે વાતો મેં પરમકૃપાળુદેવ પાસે આવી વિદિત કરી. પણ તે વાતો વિરુદ્ધ કાંઈ ન કહેતા જણાવ્યું કે કોઈપણ ક્રિયાનું ઉત્થાપકપણું અમારામાં હોય નહીં. સર્વે ક્રિયાઓ કરવાની જ છે. પરંતુ જેમાં દુરાગ્રહ બંધાય કે ખોટી વાસનાઓ બંઘાય; તે બંઘનનો ત્યાગ કરવાનો અમારો હેતુ છે. જ્યાં છૂટવાનું છે ત્યાં જ જીવ બંઘન પામે તો પછી બીજા કયા સ્થાને છૂટવાનો વખત આવશે? એવા હેતુએ કહેવાનું થાય છે. પરંતુ કોઈ ઝેરરૂપ દૃષ્ટિથી જોતાં અર્થનો અનર્થ કરી વિપરીતપણે સમજે, તેમાં અમો શું કરીએ?
ત્યારપછી ત્રીજી વખતે પરમકૃપાળુદેવનો સમાગમ લાભ શ્રી અમદાવાદમાં આગાખાનના બંગલે, છેલ્લા એક દિવસ મળી શક્યો હતો.
૩૮૮
કાદવ સાથે ભળેલું સોનું અગ્નિપરીક્ષા વડે શુદ્ધ થાય
બીજે દિવસે અમદાવાદ વિશા શ્રીમાળી જ્ઞાતિના લોકો ભાઈશ્રી પોપટલાલ મોહકમચંદને માટે તથા ભાઈશ્રી પુંજાભાઈ હીરાચંદને માટે જ્ઞાતિના વ્યવહારથી દૂર કરવા માટે એકઠા થવાના હતા અને થયા હતા, અને ભાઈશ્રી પોપટલાલભાઈને તથા ભાઈશ્રી પુંજાભાઈને તે લોકોએ કેટલીક વાતચીત કરી સતાવ્યા હતા. પરમકૃપાળુદેવ શ્રી મુંબઈ તરફ પધાર્યા ત્યારે ભાઈશ્રી પોપટલાલભાઈને જણાવ્યું કે જેમ તમોને અનુકૂળ લાગે તેમ વર્તશો. કાદવ સાથે સોનું ભળેલું છે તો અગ્નિમાં પડ્યા સિવાય ચોખ્ખું થશે નહીં, માટે તમોને જેમ અનુકૂળ આવે તેમ વર્તજો.
૫૨મકૃપાળુદેવ પાસે તો બંધનથી છૂટવાની જ વાત છે
રવિવારના દિવસે ભાઈ હીરાચંદ કકલભાઈ તથા તેમના ભાઈશ્રી બાલાભાઈ પાંજરાપોળના ઉપાશ્રયે સભા એકઠી મળે છે ત્યાં ગયા હતા. ત્યાંથી તે બન્ને ભાઈઓ રાત્રે દશ વાગતાના સુમારે અમો જ્યાં સુતા હતા ત્યાં અમારી પાસે આવ્યા. તે વખતે ભાઈ હીરાચંદ વાત કરતા હતા કે અત્રે આ ત્રણ સાધુઓએ આવીને ન્યાતમાં ઝઘડા-તોફાન ઘાલવાના ઉપાયો કર્યા છે. ત્યારે ભાઈ પોચાલાલે જણાવ્યું કે તમો આટલી વાત તો ઘ્યાનમાં રાખજો કે આ લોકો આવી રીતના ઝઘડાતોફાન મચાવે છે તેમાં આપણને તો મોટો લાભ મળી શકે છે કે પરમકૃપાળુદેવ પ્રત્યે વૃઢ નિશ્ચય થતો જાય છે. કારણ કે આ સાધુઓ આવા ઝઘડાક્લેશો કરાવી કષાયનું સેવન કરે છે અને કરાવે છે અને આપણા પરમકૃપાળુદેવ પાસે તો બંધનથી છૂટવા સિવાય કાંઈપણ જણાતું નથી, તે આપણા સર્વેને પ્રત્યક્ષ અનુભવ થયો છે, માટે તે લોકો આના કરતાં પણ ગમે તેવી આપત્તિઓમાં નાખવાના વિચારો ધારે તોપણ પરમકૃપાળુદેવ પ્રત્યેનો જે પ્રભુત્વભાવ અંતરમાં વસેલો છે તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરાવી શકે તેમ નથી; પરંતુ વધારે દૃઢત્વ કરાવે છે. માટે એક રીતે તો તે લોકોનો ઉપકાર માનવા જેવું છે—વગેરે વાતચીત કરી હતી.
ત્યારપછી પરમકૃપાળુદેવનો ફરી સમાગમ થયો નથી. ઉપર જણાવેલી સઘળી હકીકતો મેં મારી સ્મૃતિ પ્રમાણે લખેલ છે, જે લખવામાં કાંઈપણ ભૂલ થઈ હોય તેને માટે ક્ષમા ઇચ્છું છું.