________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૮૬ પછી ભાઈશ્રી વનમાળીદાસ અત્રે ગોઘાવી આવ્યા. તેમની સાથે અમો તથા ભાઈશ્રી પોપટલાલ પીતાંબરદાસ વગેરે હમેશાં ભેગા થતા અને આઠ દૃષ્ટિની સક્ઝાય તથા શ્રી
આનંદઘનજીકૃત ચોવીશી વગેરે અર્થ સહિત વાંચતા અને પરમકૃપાળુદેવ સંબંઘી વાતચીત કરતા હતા. તેથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે કાંઈક પ્રીતિ ઉત્પન્ન થઈ હતી.
હું જ્યાં સમજ્યો હતો ત્યાં બરાબર સમજ્યો હતો આ વખતમાં શ્રી પૂજ્ય ચંદ્રશેખર સૂરિ અત્રે પઘાર્યા હતા. તે વ્યાખ્યાનમાં આત્મા વિષે વાત કરતા હતા. ભાઈશ્રી વનમાળીદાસે શ્રી પૂજ્યને પૂછ્યું કે અનંતાનુબંઘી ક્રોઘ, માન, માયા અને લોભનું સ્વરૂપ સમજાવો.
ત્યારે શ્રી પૂજ્ય બરાબર રીતે કહી સંભળાવ્યું. જેથી ભાઈશ્રી વનમાળીદાસ બોલ્યા કે હું જ્યાં સમજ્યો હતો ત્યાં યથાર્થ સમજ્યો હતો અને આજ રોજ આપે યથાર્થ કહી સંભળાવ્યું. ત્યારે શ્રી પૂજ્ય પૂછ્યું કે ક્યાં સમજ્યા હતા? ત્યારે ભાઈશ્રી વનમાળીદાસે કહ્યું કે વવાણિયા બંદરના રહેવાસી મહાત્મા શ્રી રાજચંદ્રજી પાસે સમજ્યો હતો.
શ્રીમદ્ રાજચંદ્ર એક જ દિવ્ય રત્ન છે ત્યારે શ્રી પૂજ્ય જણાવ્યું કે વર્તમાન શ્વેતાંબર-દિગંબર અને તપા-ઢુંઢીયા વગેરે ગચ્છોમાં મળી વસ લાખ માણસ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ છે. તે સર્વેમાં ઉત્તમોત્તમ શ્રીમદ્ રાજચંદ્રદેવ એક જ દિવ્ય રત્ન છે, તેઓશ્રી એક જ મહાનપુરુષ છે; વગેરે પરમકૃપાળુદેવની સ્તવના કરતા હતા. તે વખતે ભાઈશ્રી વનમાળીદાસે શ્રીપૂજ્યને જણાવ્યું કે આપે આ એક જ મહાન પુરુષ છે એમ શા આધારે કહ્યું? ત્યારે શ્રીપૂજ્ય જણાવ્યું કે તેઓશ્રીના પત્રો વાંચવા પરથી એમ કહી શકું છું કે વર્તમાનમાં આવો પુરુષ (પરમકૃપાળુદેવ) આ એક જ છે.
પરમકૃપાળુદેવના દર્શન લાભની ઇચ્છા તે સાંભળી મને પરમકૃપાળુદેવ પ્રત્યે ઘણો જ પ્રેમ-ઉલ્લાસ ઉત્પન્ન થયો અને તીવ્ર ઇચ્છા થઈ કે આ મહાત્માપુરુષના દર્શનનો લાભ મને ક્યારે મળશે.
શ્રી પૂજ્ય જણાવ્યું હતું કે અમારે પાલીતાણે જવું છે, પરંતુ પ્રથમ આ મહાત્મા પુરુષ પાસે જવું છે. ત્યારબાદ પાલીતાણે જઈશું. સંઘના લોકો વાતો કરતા હતા કે શ્રીપૂજ્યને ચાલીશ હજાર શ્લોક મુખપાઠે છે. હિંદુસ્તાનમાં મુખ્યપણે ત્રણ પંડિતો ગણાય છે; તેમાંના આ એક શ્રીપૂજ્ય છે.
મહાપુરુષોને મળવામાં કોઈની અટકાયત ચાલશે નહીં ભાઈશ્રી વનમાળીદાસે મારા ઉપર અમદાવાદથી એક પત્ર લખ્યો કે પરમકૃપાળુદેવશ્રી અત્રે પઘારવાના છે માટે તમો તુરત આવશો જેથી દર્શનનો લાભ મળી શકશે. તેવા સમાચારથી તેમ જ પ્રથમથી તે ઇચ્છા ઉત્પન્ન થઈ હતી જેથી અમદાવાદ જવા માટે તૈયાર થયો. તે વખતે બૈરાંઓ મને નહીં જવા દેવા માટે રોકવા મંડ્યા ત્યારે મેં જણાવ્યું કે આ કામમાં શા માટે રોકાણ કરે છે? આ કામમાં અમો તમારા બંઘાયેલા નથી, અને અમો જવામાં અટકવાના નથી એમ કહી તે દિવસે અમદાવાદ ગયો. પરમકૃપાળુદેવશ્રી બીજે દિવસે અમદાવાદ પઘાર્યા હતા.