________________
૩૮૧
શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર બને તેટલો કાળ આત્મભાવમાં રહે ત્યારે ઉદ્ધાર થાય “અંદર પૂછવું.” આ સમજાવવા તેઓશ્રી કસ્તુરીયા મૃગનું દ્રશંત આપતા. બને તેટલો કાળ સંવરભાવમાં રહેવું, એટલે કે આત્મભાવમાં. માઈલ દેખાડનાર પત્થર માઈલ સ્ટોન કહેવાય છે. તે સ્થિર રહે છે. તેમ મૂળ સ્વભાવ સત્વગુણમાં રહે ત્યારે આત્માનો ઉદ્ધાર થાય છે. “લઘુતા સાચવવી, માન શત્રુ છે.” બહુ પુણ્ય કેરાનું પદ મોઢે કરવા કહ્યું. મને માટે કુંથુનાથ ભગવાનનું સ્તવન અને શમ માટે શાંતિનાથજીનું સ્તવન મોંઢે કરવા જણાવ્યું.
દેહ માત્ર સંયમ માટે છે. દેહ સંયમ માટે છે. “માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” આ લીટી અપૂર્વ અવસરમાંથી કહેલ. “વાગોળવું ભણેલું વિચારવું.”
દેહાતીત–આ શબ્દો મારે માટે મંત્રરૂપ છે. ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત આપતા. ગુણઠાણા ક્રમારોહણનું પુસ્તક વાંચવાથી, ગુણઠાણા સંબંધી પ્રશ્નો કરતો. શ્રીમજી દાખલા આપી સમજાવતા. તેમાં ભારંડ પક્ષીનો દાખલો અપ્રમત્ત દશા માટે આપેલ.
વાચેલું કે મુખપાઠ કરેલું ખૂબ વિચારવું બહુ પુણ્ય કેરા પુંજથી” એ પદમાંથી આ ગાથા વિચારવા કહેલ કે–
“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”૪ શ્રીમદ્જીએ કહ્યું કે કસ્તુરીયા મૃગની માફક ઠેકડાં નહીં મારતો. છેવટે મેં સાઘન માંગ્યું. ત્યારે ઉપરનો જવાબ આપેલ અને વઘારા માટે અંદર પૂછજો એમ જણાવેલું.
વિનયથી જ્ઞાન, જ્ઞાનથી શ્રદ્ધા અને તેથી વર્તનમાં આવે છે. દશ લક્ષણ ઘર્મમાં મૃદુતા, ભદ્રિતા, સરલતા માટે વિનય જોઈએ. વિનયથી જ્ઞાન એટલે જાણવાપણું, તેથી દર્શન એટલે શ્રદ્ધા અને તેથી ચરણ એટલે અમલમાં મૂકવાપણું આવે. એ ત્રણેય આવે તો અવ્યાબાદ મોક્ષ થાય.
આગમમાં કાંઈ ઓછું નથી, બધુંય છે શ્રીમદ્જીએ મને પૂછ્યું વિષ્ટામાં રત્ન પડ્યું હોય તો શું કરવું? મેં કહ્યું લઈ લેવું. તેનો દાખલો આપીને તેઓશ્રીએ કહ્યું કે વાડામાં રહેવું પડે તેનો વાંઘો નહીં, પણ જ્યાંથી સારું મળે ત્યાંથી ગ્રહણ કરી લેવું. શ્રીમદ્જીએ મને વેદાંત વગેરે પુસ્તકો વિચારવાનું કહેલ, પણ છેવટે જણાવેલું કે આગમમાં કંઈ ઓછું નથી.
ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ એ યોગ્યતા છે તેઓશ્રીએ કહેલ–યોગ્યતા વિના આપેલું અજીર્ણરૂપ થાય છે. આ પુસ્તકો આપ્યા છે તે યોગ્યતાએ ફળીભૂત થશે. “અઘિકારી થશો તો અધિકાર પ્રાપ્ત થશે' જૈન સિદ્ધાંત વિચારણીય છે, વાંચવા માત્ર નથી, વિચાર કરજો.