________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
૩૬૮
હડમતીયા જવાની હા આવી, બે-ચાર સંબંધીઓ સાથે લઈ જવા જણાવ્યું તેથી ઘણી ખુશી સાથે રાતની મીક્ષ ગાડીમાં જવા તૈયાર થયો. તૈયાર થતી વખતે મનમાં દૃઢ પ્રતિજ્ઞાથી નિશ્ચય કર્યો કે મારા વગર કહ્યુ સાહેબજી મારા મનનો ખુલાસો કરે તો જ અનાજ ખપે. ફક્ત એક પાણી પીવાની છૂટ રાખી હતી.
મણિલાલ તારા માટે બઘાને રજા આપું છું
પછી હડમતીયા સવારમાં હું પહોંચ્યો. ત્યાં બહાર કૂવાની પાસે સાહેબજી સાથે પચ્ચીસેક મુમુક્ષુઓ બેઠા હતા. ત્યાં જઈ પગે લાગી સૌની પછવાડે બેસી ગયો. થોડીવાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું. પછી તરત ત્યાંથી ઊઠી જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. ત્યાં ઘણા માણસો વારંવાર આવ-જાવ કરતા હતા. પછી છેવટે શ્રી સૌભાગ્યભાઈ આવ્યા. તેમને સાહેબજીએ કહ્યું કે હમણાં બીજે બેસો. એટલે શ્રી સૌભાગ્યભાઈ ઊઠી તરત રવાના થયા. એમ બીજા એક બે ભાઈઓને પણ રજા આપી. પછી મેં વિચાર કર્યો કે આપણે વગર કીધે ઊઠી ચાલ્યા જવું જોઈએ તેથી હું પણ ઊઠી ચાલવા મંડ્યો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું કે ‘મણિલાલ, તું કેમ જાય છે? તારા માટે તો આ બઘાને રજા આપું છું. એટલે હું બેઠો. ત્યાં વળી બે-ચાર જણા બીજા આવ્યા. એટલે સાહેબજી પોતે ઊઠ્યા અને કહ્યું કે બહાર ચાલો. પછી મકાનની ખડકી પાસે પહોંચ્યા. ત્યાં ભાઈશ્રી કેશવલાલ નથુભાઈએ દૂધનો પ્યાલો લઈ સાહેબજીને પીવા માટે આમંત્રણ કર્યું. લગભગ બે મિનિટ ત્યાં ઊભા રહ્યા.
મણિલાલે દૃઢ પ્રતિજ્ઞા કરી છે
પૂજ્યશ્રીએ કહ્યું—દૂધ પીવાનો વખત રહ્યો નથી, કેમકે જમવાનો ટાઈમ થવા આવ્યો છે અને આ મણિલાલે બોટાદથી ચાલતી વખતે દૃઢ પ્રતિજ્ઞા કરી છે કે મારા મનનો ખુલાસો મારા વગર બોલ્યે કરી આપે તે પછી મારે અનાજ ખપે. તો તે માણસ જમવા બેસે નહીં ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય? માટે તેનો ખુલાસો વેળાસર કરવો ઠીક છે.
ત્યાંથી પછી બહાર ચાલતા થયા. થોડે છેટે ગયા. પછવાડે હું તથા બીજા ત્રણ-ચાર મુમુક્ષુઓ સાથે ચાલતા હતા. દરમ્યાન સાહેબજીએ પાછું વાળી જોયું.
પૂજ્યશ્રી—બધાનું સાથે કામ નથી. સૌ ઊભા રહ્યા એટલે હું પણ ઊભો રહ્યો.
પૂજ્યશ્રી—મણિલાલ, તું ચાલ. પછી અમો ચાલતા-ચાલતા આશરે એક માઈલ દૂર ગયા. તે વખતે હું કાંઈપણ બોલ્યા વગર ચાલતો હતો.
તારા ઘરની મેડી ઉપર એકલો બેસી રોયો?
પૂજ્યશ્રી—મણિલાલ, તારે હડમતાલે આવવું હતું અને તે વિષે તેં તારા વડીલ પાસે ૨જા મેળવવા ભાવનગર કાગળ લખેલા, પ્રથમ જવાબમાં ના આવવાથી તું શા માટે દિલગીર થયો, અને તારા ઘરની મેડી ઉપર એકલો બેસી રોયો? તને અમે ૧૯૪૮ની સાલના પત્રથી જણાવ્યું હતું કે એટલામાં અમારું નજીકમાં આવવાનું થશે તે વખતે સમાગમ થશે તે વાત ચોક્કસ હતી, તેથી તારે દિલગીર થવાનું કાંઈ કારણ નહોતું. તારે અહીં આવવાનું નિમિત્ત હતું.
લખનાર—સાહેબજી, આપ નજીકમાં પધાર્યા છતાં મને દર્શનનો લાભ ન થાય તો મારા જેવો નિર્ભાગી કોણ? એવા વિચારથી મને આંસુ આવી ગયા હતા.