________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૬૪
તે પત્રો પરથી ઉતારો થયેથી મોકલેલા અસલ પત્રો વગેરે પાછા મોકલી આપવા કૃપા કરશો. લિ. સેવક ખીમચંદ લખમીચંદના જય જિનેન્દ્ર સ્વીકારશોજી તા. ૧૦ ઓગષ્ટ, સન્ ૧૯૦૭.
શ્રી હિમ્મતભાઈ ધ્રુવ
લીંબડી
હિમ્મતભાઈ ધ્રુવ એ તા.૫-૧૧-૮૬ના રોજ બપોરે એક વાગે અગાસ આશ્રમમાં લખાવેલ પ્રસંગ ઃ— સાહેબજી આવે ત્યારે બધી દીકરીઓ ઘેર બોલાવે
એકવાર શ્રી સોભાગ્યભાઈના ઘરે સાયલે સાહેબજી પરમકૃપાળુદેવ પધારેલા. સોભાગ્યભાઈ સાહેબજી આવે એટલે તેમની બધી દિકરીઓને દર્શન કરવા બોલાવે. સૌથી મોટી દિકરીનું નામ દિવાળીબાઈ. એમને પોતાના સાસુ સસરાને પિયર જવા વાત કરી ત્યારે સાસુ સસરાએ તેને પિયર જવા આજ્ઞા આપી પણ સાંજે પાછા આવી જવું એમ કહ્યું. તેના પાછળ કારણ એ હતું કે દિવાળીબેનના ઘરે એક ભેંસ સવાર સાંજ ૧૦-૧૦ શેર દૂધ આપતી. તે આ બેન સિવાય કોઈનેય દૂધ દોહવા દેતી નહોતી. તેથી કહ્યું હતું કે તમે સવારના ભેંસ દોહીને જાઓ અને સાંજે આવીને ભેંસને દોહી લેજો. તેમણે આમ કરવા હા પાડી.
સાહેબજીએ જવાની હા પાડી છે માટે ભલે જાય
સાસરેથી એક ગાડામાં રવાના થયા .૧૧ વાગે લગભગ સાયલા પહોંચ્યા. સાહેબજીના દર્શન કર્યા, બોધ સાંભળ્યો. એટલામાં શું થયું કે બેનના પેટમાં દુઃખવા માંડ્યું. તેમના પેટમાં ગર્ભ હતો. સાતમો મહિનો પૂરો થવા આવેલ હતો. બધા ચિંતામાં પડી ગયા કે આ તો બાળકનો જન્મ થવાનો છે. અને હવે એમને સાસરે પણ કેવી રીતે મોકલાય ? આ હકીકત સાહેબજીના જાણવામાં આવી. સાહેબજીએ કહ્યું ભલે જાય. આ વાત સાહેબજીના મોંઢે સાંભળી સોભાગ્યભાઈને તો પરમકૃપાળુદેવ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી તેથી બધા જ તેમને મોકલવાની ના પાડતા હતા પણ શ્રી સોભાગ્યભાઈએ આવીને કહ્યું કે સાહેબજીએ જવાની હા પાડી છે તેથી એને મોકલવામાં કાંઈ જ વાંધો નથી. બધાના ઉપરવટ જઈ તેમને ગાડામાં રવાના કર્યા. સાથે સોભાગ્યભાઈના બીજા દીકરી પણ ગયા.
ગાડી એક કલાક લેટ હતી
ગાડાવાળાએ ના પાડી કે દિવસના ત્રણ વાગી ગયા છે અને આગળની ગાડી મળશે નહીં. પણ સાહેબની હા છે એટલે કોઈ ફિકર નહીં. બન્યુ પણ એવું કે એ લોકો ગાડામાં બેસી સ્ટેશને પહોંચ્યા, ત્યાં જોયું કે હજી હમણાં ટિકિટ અપાય છે. પૂછતાં ખબર પડી કે ગાડી એક કલાક લેટ છે. પછી તે ગાડીમાં બેસી ઊતરી ભાવનગરની ગાડીમાં બેસવાનું હોય છે. ત્યાં પણ ગાડી પહોંચી તો સામે ભાવનગરની ગાડી ઊભી છે. તે જોઈ આશ્ચર્ય થયું કે હજી ભાવનગરની ગાડી ગઈ નથી? પૂછતાં ખબર પડી કે આ ગાડી લેટ હતી તેથી તેના પેસેન્જરો રખડી ન જાય માટે આ ગાડીને પણ ઊભી રાખી છે. દીવાળીબેન ૮ વાગે રાત્રે પોતાના ગામ પહોંચ્યા. તેમના સાસરે તેમની ખાસ રાહ જોવાતી હતી. કારણ કે ભેંસ દોહવાની હતી. તે બીજાને અડકવા દે નહીં. અને દસ શેર દૂધ કાઢે નહીં તો ભેંસ મરી જાય.