________________
૩૬૨
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રી ખીમચંદભાઈ લખમીચંદ
લીંબડી | શ્રી લીંબડીવાળા ભાઈશ્રી ખીમચંદભાઈ લખમીચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ, તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે –
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી તેમના પ્રત્યે અત્યંત પ્રેમ વધ્યો પ્રથમ સંવત્ ૧૫૦ની સાલમાં પરમકૃપાળુદેવની શ્રદ્ધા થવામાં પૂજ્યશ્રી સૌભાગ્યભાઈનો મારા ઉપર પરમ ઉપકાર છે. તે પરથી મને પરમકૃપાળુદેવના દર્શનની અભિલાષા થઈ હતી. જેમ જેમ તેઓશ્રીના સમાગમમાં આવવાના કારણો મળ્યા તેમ તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે આસ્થા અને પ્રેમભક્તિ વર્ધમાન થયા. અને છેવટમાં “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવા પરથી તો પરમકૃપાળુદેવ પ્રત્યે મને અત્યંત પ્રેમ વર્ધમાન થયો હતો. અને હજુ વૃદ્ધિ પામતો જાય છે.
મુંબઈમાં ઘી કાંટાના માળામાં હું પરમકૃપાળુદેવના દર્શન અર્થે ગયો હતો. ત્યાં દર્શન થતાં હર્ષના અશ્રુ વહ્યા હતા. ત્યાં પરમકૃપાળુદેવ એકલા હતા અને કંઈક લખતા હતા. થોડીવાર પછી મને કીધું કે તમોએ આત્માનુશાસન ચાર વખત વાંચ્યું છે. મેં કહ્યું, હા સાહેબ, ત્રણ કે ચાર વખત વાંચેલ છે. એ કર્તાના નામને યોગ્ય જ ગ્રંથ છે.
જે કાળે જે બનવાનું હશે તે બનશે - એક વખત પરમકૃપાળુદેવ પ્રત્યે મેં વ્યાવહારિક સંબંધી પ્રશ્ન પૂછ્યો હતો. તે સંબઘમાં જવાબ આપવામાં પરમકૃપાળુદેવ ખેદયુક્ત થયા હતા. કારણ કે સાંસારિક સંબંઘમાં જવાબ આપવામાં પરમ કૃપાળુદેવને અણગમો જ રહ્યા કરતો હતો, તો પણ મારા પ્રશ્નના જવાબમાં એટલું જણાવ્યું હતું કે ભવિતવ્યતાએ જે કાળે જે બનવાનું હશે તે બનશે. એટલું જ માત્ર જણાવ્યું હતું.
વિષયથી વિમુખ થઈ અંતરવૃષ્ટિ થાય તો આત્મદર્શન દૂર નથી બીજી વખત પાયઘુનીના મુકામે દર્શન થયા હતા. ત્યાં મેં પૂછ્યું કે આત્મદર્શન થઈ શકે ખરું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે પુદ્ગલિક એવા સાંસારિક વિષયસુખથી વિમુખ થઈ એકાગ્રતાપૂર્વક ક્ષણવાર આત્મસ્વરૂપ તરફ અંતરદ્રષ્ટિ થાય તો આત્મદર્શન કાંઈ દૂર નથી.
સ્વપ્નમાં દર્શન થાય તો નિકટ મોક્ષગામી એક વખત મેં પરમકૃપાળુદેવને સવિનય પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં એમ આવે છે કે જો સ્વપ્નમાં પણ જ્ઞાની પુરુષનાં દર્શન થાય તો તે જીવ નિકટ મોક્ષગામી છે, તે વાત યથાર્થ છે કે કેમ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તે યથાર્થ છે. નિકટ મોક્ષગામી જીવોને સ્વપ્નમાં જ્ઞાની પુરુષોના દર્શનનો લાભ થાય છે.
અધ્યાત્મસાર ગ્રંથ વાંચવાલાયક ગિરગામમાં તેઓશ્રીની પાસે દિન દશબાર રાત્રે સૂઈ રહેવાનું બનેલું. તે સમયે ઘણું જણાવેલ. તેઓશ્રીની પાસેના કબાટમાં પુસ્તકો હતા તે બતાવ્યા હતા અને શ્રી યશોવિજયજી મહારાજનું રચેલું શ્રી અધ્યાત્મસાર, તે ગ્રંથ વાંચવાલાયક ઘણો સારો છે એમ પોતે આજ્ઞા કરી હતી.