________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૬૦ શ્રી આનંદઘનજીનું સ્તવન ઘણી વખત બોલતા હતા
સંવત્ ૧૯૫૭ના ચૈત્ર માસમાં રાજકોટ મુકામે સેવામાં રહ્યો હતો. તે વખત ચૈત્ર વદ ૧ થી ૪ સુધી શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન મહાત્મા આનંદઘનજી કૃતદેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી મુને દેખણ દે.” આ સ્તવન પોતે શ્રીમુખે મઘુર સ્વરથી ઘણી વખત બોલ્યા કરતા હતા.
પરમકૃપાળુદેવે સ્વમુખે અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ જણાવ્યું શ્રી પરમકૃપાળુદેવે સ્વમુખે અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ, શ્રી ટોકરશીભાઈ નેણશીભાઈ પાસે પ્રકારેલું તે નીચે પ્રમાણે છે :
નીચેની પાંચ ગાથાઓ વડે પરમકૃપાળુદેવ ભગવાનના સમવસરણમાં વિદ્યમાન એવા અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન એટલે સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એમ આઠ પ્રાતિહાર્યનું દ્રવ્યથી અને ભાવથી સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવે છે. પ્રાતિહાર્ય એટલે રાજસેવક. તેની જેમ આઠે પ્રાતિહાર્ય ભગવાન સાથે રહે છે. જે દેવકૃત છે.
(દોહરા) અશોક શોક ન રંચ જ્યાં, સ્વપર પ્રતિ શુભ વૃક્ષ;
તીર્થકરને છાજતું, ભાવ ભલે પ્રત્યક્ષ. ૧ (અર્થ – પહેલું પ્રાતિહાર્ય અશોકવૃક્ષ. અશોક એટલે જ્યાં રંચ માત્ર પણ શોકને સ્થાન નથી એવું સ્વપરને કલ્યાણકારક શુભ વૃક્ષ. તે સમવસરણમાં બિરાજમાન ભગવંત તીર્થકર ઉપર શોભા પામે છે. તે અશોકવૃક્ષ ભગવંતના શરીરના માપથી બારગણું ઊંચુ દેવતાઓ રચે છે. તે રચના દ્રવ્યથી છે. પણ ભાવથી જોતાં અશોક એટલે સમવસરણમાં ભગવાનના સમાગમથી જીવોમાં રંચ માત્ર પણ શોક રહેતો નથી, અર્થાત્ તે અશોક બની જાય છે. તેમજ ભગવાનના સમાગમથી અશોકવૃક્ષ પણ લાભ પામે છે. તે સ્વપરને શુભનું કારણ થાય છે. ભગવાન ઉપર છાયા કરવાથી પોતાને લાભ થાય છે અને બીજા જીવો પર છાયા કરવાથી તેમને પણ તે વૃક્ષ સુખનું કારણ થાય છે.
ભગવાન તીર્થંકરની ઉપર તે વૃક્ષ છાજે છે અર્થાત્ શોભા પામે છે.
ભલો ભાવ લાવવાનું ભગવાન ભલે પ્રત્યક્ષ નિમિત્ત હોવા છતાં, તે વૃક્ષ ભગવાનની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે. ૧)
પુષ્પ વૃષ્ટિ - વર દેવ ગણ, વારી વારી જાય;
તન મનથી તલ્લીનતા, પરમ ભક્તિ દરશાય. ૨ (અર્થ:- વર એટલે શ્રેષ્ઠ એવા દેવોનો સમૂહ ભગવાન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. ભગવાનનો ઉપકાર વાળવાનો અવસર જાણી અંતરથી આનંદ પામીને દેવો ભગવાન ઉપર વારી વારી જાય છે અર્થાત્ પરમ ભક્તિથી ભગવાન ઉપર ફૂલોની વૃષ્ટિ કરે છે. તે દ્રવ્યથી ભક્તિ છે.
તથા ભાવથી ભગવાનના ગુણોમાં તનમનથી તલ્લીનતા કરે છે. તે દેવોની પરમ ભાવભક્તિનું પ્રદર્શન છે. આ બીજાં પ્રાતિહાર્ય છે. ારા)