________________
૩૪૯
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ વિષે એ પુરુષે મને તેવો ચમત્કાર પ્રત્યક્ષ દેખાડ્યો અને મને કહ્યું કે તે દેહને હમણાં કાંઈ થવાનું નથી. ગભરાટ કરીને આ શું કર્યું? તેવો ઠપકો આપ્યો હતો.
જ્ઞાનખાતામાં રૂપિયા આપવામાં પરમલાભ છે તેવો બોઘ કર્યો બીજું પરમકૃત પ્રભાવક મંડળની ટીપ કરી. તેમાં માતુશ્રીના રૂપિયા મંડાવ્યા હતા. ત્યાર પછી માણેકચંદના મંડાવ્યા. તે વિષે બહુ સારું વિવેચન કર્યું. જ્ઞાનખાતામાં આપવામાં પરમલાભ છે, તેવી રીતનો ઘણો બોઘ કર્યો હતો.
જેણે આત્મા આપ્યો તેના બદલામાં હું શું વાળી શકું! એક દિવસ કૃપાનાથે મને પૂછ્યું કે તું સેવામાં રહીશ. ત્યારે મેં કહ્યું કે મારે તો તમારો ઉપકાર છે. અને આ દેહ પણ તમારો છે. જેણે આત્મા આપ્યો તેનો બદલો હું શું વાળી શકું! હું તો ખુશીથી રહીશ. ત્યારે કૃપાનાથે કહ્યું કે બીજા કોણ કોણ રહેશે. ત્યારે મેં કહ્યું કે મનસુખભાઈ, નથુભાઈ, મગનલાલ તથા વેલશીભાઈ. ત્યારે મને કહ્યું કે તું સર્વેને પૂછીને કહે.
ત્યારે મેં સર્વેને પૂછ્યું અને બઘાએ રહેવાની હા પાડી. સહુ થોડા દિવસ થયા પછી એકબીજાના કામ અંગે જતા આવતા. તેમાં જ્યારે નથુભાઈને જવાની મરજી થઈ, ત્યારે કૃપાનાથની મરજી નહોતી. એ ગયાને ત્યાં પીડામાં દહાડા કાઢ્યા. પછી કૃપાનાથે કહ્યું કે અહીં રહ્યા હોત તો; ત્યાં જઈને તાવ-પીડા ભોગવી એમ વાત થઈ હતી.
ચા અને બીડી પીવાની બંઘ કરાવી રસોડામાં બેન ઉગરીબા વગેરે હતા. મને કહ્યું કે તું ચા પીએ છે? મેં કીધું કે હું નથી પીતો. એમ અંબાલાલ વગેરેને તથા બેન ઉગરીબાને પણ પૂછ્યું તેમણે હા પાડી. બેન નાથીબાએ ના પાડી. પણ સર્વેને ચા પીવાની બંધી કરાવી કે કોઈ દિવસ ન પીવો. પછી ઘણા જણે જાવજીવની ને કોઈએ થોડા વરસની બંઘી કરી અને તેની સાથે જ બીડી પીતા હતા તેની પણ બંઘ કરાવી હતી.
- રસોઈ બ્રાહમણ બનાવે પણ પીરસનાર ચંડાલ હોય તો
એક દિવસ રસોઈયો નહોતો. અને ઉગરીબાથી પણ એકલા રાંઘવું મુશ્કેલ હતું. તે વેળા બાપજીએ કહ્યું કે બેન નાથીબા પાસે રંઘાવો, તે ભવસાર નથી પણ ભાવસાર છે. પછી તે બે બેનો સદાય રસોડાનું કામકાજ કરતા. તેમાં એક રેવાશંકરભાઈનો માણસ ભવસાર હતો. તે ચૂલે અડીને કાંઈ લેતા કરતાં તેમના જાણવામાં આવ્યું. પછી બેનોને કહ્યું કે કોઈ દિવસ તેવાને અડકવા દેશો નહીં, કાંઈ સમજ રાખો. ઉગરીબા કહે કે હવે તેને નહીં અડવા દઈએ.
મારા ગુરુ પણ વીતરાગદશા પામી સિદ્ધિ વરવાના છે એક દિવસ ઝવેરી માણેકલાલભાઈ મને દહેરે તેડી ગયા. ત્યાં પૂજા કરી હતી. પછી બીજે દિવસે કૃપાનાથે કહ્યું કે તું પૂજા કરવા જા. ત્યાં પૂજા કરીને શાંતિનાથના કાનમાં જઈને કહેજે કે તમો વીતરાગદશા લઈને સિદ્ધિને પામ્યા છો, તેમ મારા ગુરુ પણ વહેલા વહેલા તમારી પેઠે વીતરાગદશા લઈ સિદ્ધિ વરવાના છે એમ તેમના કાનમાં કહેજે. તે પ્રમાણે મેં શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહ્યું. પછી વાડકીમાં ચંદન લાવ્યો અને તેમાં અંગૂઠો બોળી કૃપાનાથને મસ્તકે ચંદન લગાડ્યું હતું.