________________
૩૩૯
શ્રી છગનભાઈ નાનજીભાઈ
લીંબડી સાહેબજીનો મને પ્રથમનો સમાગમ શ્રી લીંબડી મધ્યે થયો હતો. સંવત્ ૧૯૪રની સાલમાં સાહેબજી શ્રી બોટાદથી લીંબડી પઘાર્યા હતા. તે વખતે તેમનો ઉતારો મનસુખભાઈની મેડીએ હતો.
શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તમ છે. તેમનો સમાગમ કરવા જેવો છે. લીંબડીમાં મહારાજ જેઠમલજી સ્વામી ઘણા સ્નેહી હતા. મનસુખભાઈ વગેરે તેમના ઘણા રાગી હતા. અમે તેમની સમીપે જતા. એકવાર મહારાજ જેઠમલજી સ્વામીએ કહ્યું કે રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) ઉત્તમ છે અને તેમની વિદ્વતા ઘણી છે. તે કવિ કહેવાય છે અને અવશાન કરે છે. તેમનો સંગસોબત કરવા લાયક છે. અપાસરામાં પ્રસંગે સાહેબજીની વાત નીકળતી. તે સાંભળીને અમે સંતોષ પામતા. એકવાર અપાસરામાં સાહેબજીએ છત્રીસ અવઘાન કર્યા હતા.
સાહેબજીને તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ છે એકવાર મૂળી સ્ટેશને શ્રી સૌભાગ્યભાઈએ કેશવલાલને કહ્યું કે તમો આત્મા આત્મા કહો છો પણ તે તો અરૂપી છે, પણ આ પુરુષ બેઠા છે તેમને તો અરૂપી એવો આત્માનો પ્રત્યક્ષ અનુભવ છે. તે પુરુષ પાસેથી આત્મઅનુભવનો માર્ગ આપણે જાણવો જોઈએ. તે વાત લીંબડી આવ્યા પછી કેશવલાલે મને કરી. ત્યાર પછી સાહેબજીની બીજી ચમત્કારિક વાત કરતા હતા, ત્યારે મેં કહ્યું કે એ સાહેબજી પાસે જે વાત થાય તે આવીને મને સર્વે કરવી, એ વિષે આપણે કરાર છે. તેવામાં સાહેબજી સાથે કેશવલાલભાઈને સારી રીતે આત્માના અનુભવ વિષે વાતચીત થઈ અને તેમના વિષે વિશેષ પ્રતીતિ થઈ.
જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો ઘર્મ છે પછી એકવાર મુંબઈથી કેશવલાલ આવ્યા ત્યારે મેં પૂછ્યું કે સાહેબજી વિષે વાત કરો. તો તે વાત લાલચમાં રાખીને તેમણે કહ્યું કે પછી કહીશું. એમ તેમણે દબાવી રાખ્યું. પછી અમો હંમેશની બેઠકમાં ઘર્મધ્યાનની જ વાતો કરતા. પછી તેવી વાતો કરતા કરતા કેશવલાલભાઈના મોઢાંમાથી વાત નીકળી ગઈ ત્યારે મેં કહ્યું કે આ વાત સાહેબજીની કહેલી જ હોવી જોઈએ, બીજાની નહીં. જે વાતની મારે જરૂર હતી તે જ વાત તેમણે કહી. તેથી તે વેળા મને સાહેબજીની પાકી પ્રતીતિ થઈ. કારણ કે ઉપયોગ એ આત્માનો ઘર્મ છે તે જાણવા વિષે મારો પ્રયાસ હતો. તે માટે સાધુપુરુષો પાસેથી મને સંતોષ વળે તેમ થતું નહોતું અને આ પુરુષની વાતથી એમ જાણવાના નિશ્ચય ઉપર આવી ગયો કે મન આદિથી આત્માનો ઉપયોગ જાદો છે. એ ઉપયોગ તે મનનો જાણનાર છે. તે જ આત્મા છે. પણ એ વિષે વાત તે જ્ઞાની વિના બીજે ક્યાંથી નીકળે? તેથી હવે તે પુરુષનો સમાગમ-પરિચય કરવો અને તે બતાવે તે ખરું. પછી સાહેબજી કેશવલાલ તથા મનસુખભાઈને કાગળ લખે તે સર્વે મને તેઓ વંચાવતા, તેમ તેમ મને તે પુરુષની દ્રઢતા વઘતી ગઈ. વળી તેઓ કહે કે તે પુરુષ તો કેવળી જેવા છે. સાહેબજીના પત્રો વાંચતા મને જણાયું કે લોક પ્રસંગ જેવી વાતમાં પણ તેમાં લોકોત્તર તરીકેનો જ પરમાર્થ હોય.
કેવળજ્ઞાન નથી, મન:પર્યવજ્ઞાન નથી, અવધિજ્ઞાન નથી પછી સંવત્ ૧૯૫૧ની સાલમાં અમે વવાણિયે ગયા હતા. ત્યારે મનસુખભાઈ, કેશવલાલ, મગનલાલ