________________
૩૩૮
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
તારે સદ્વર્તનથી ચાલવું મેં પ્રભુને વિનંતી કરી કે સાહેબ! મારે શું કરવું? ત્યારે જવાબ મળ્યો કે તારે સદ્વર્તનથી ચાલવું.
ચારિત્ર ન પાળી શકાયું તો શુદ્ધ શ્રાવકાચારે રહેવું ઘટતું હતું શ્રી શાંતિસાગરની વાત ચર્ચાતા કૃપાનાથ બોલ્યા હતા કે ચારિત્રન પાળી શકાયું તો શુદ્ધ શ્રાવકાચારે રહેવું ઘટતું હતું. પણ આ તો કાંઈયે ઠેકાણું નહીં.
સમ્યકત્વ પામવું દુર્લભ છે. તે આવ્યું હોય તો ચારિત્ર પામવું અતિ દુર્લભ છે.
બાદ કૃપાનાથ ઈડર પધાર્યા હતા. ઈડરથી ૧-૧ માસ પછી મુંબઈ જતાં નરોડે ઊતર્યા હતા. આ વખતે હું નરોડે ગયો હતો. જ્યાં મુનિઓ હતા ત્યાં કૃપાનાથ પધાર્યા હતા.
કોઈની નિંદા કરવી નહીં. અમદાવાદના એક મિ.સાકરચંદ (કવિ) આ વખતે દર્શનાર્થે જ આવેલા હતા. તેઓ તપગચ્છના અમુક સાધુના વર્તન સંબંધી કૃપાનાથ પાસે જાહેર કરતા હતા. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે નિંદાબુદ્ધિમાં પડવું નહીં. પછી કૃપાનાથ મુંબઈ પઘાર્યા. બાદ થોડા વખતમાં કૃપાળુદેવને શ્રી મુંબઈમેં શ્રી અમદાવાદથી એક પત્ર લખ્યો હતો. તેમાં મેં વિનંતી કરી હતી કે મારે અહીં કમાણી થતી નથી તેથી મુંબઈ આવવા ઇચ્છા છે. પણ આપ આજ્ઞા કરો તો હું આવું. ત્યારે તેનો જવાબ પૂ.પોપટલાલભાઈ પ્રત્યે આવ્યો કે ઠાકરશી મુંબઈ આવવા ઇચ્છે તો યથાસુખ પ્રવૃત્તિ કરવી.
સંવત્ ૧૯૫૬ના વૈશાખ માસમાં કૃપાનાથ શ્રી ઘરમપુરથી શ્રી અમદાવાદ પઘાર્યા હતા. ત્યાં એક દહાડો રાત્રે પૂ.શ્રી પોપટલાલભાઈને બોલાવી ઉદયિક અને પારિણામિક ભાવનાનો બોઘ આપ્યો હતો. તેમાંનું મને કાંઈ યાદ નથી.
છોકરાઓનું બનવું હશે તેમ બનશે, પોતાનું સંભાળો ત્યાં પૂ.શ્રી સૌભાગ્યભાઈના પત્ની કૃપાનાથના દર્શન કરવા આવ્યા હતાં. તેમના પ્રત્યે કૃપાનાથ તરફથી “આવો બા” એમ આવકાર દેવામાં આવ્યો હતો; અને જણાવ્યું હતું કે છોકરાઓનું જેમ બનવાનું હશે તેમ બનશે એમ જાણીને ઘર કામકાજમાંથી જેમ બને તેમ નિવર્તવાની ભલામણ આપવામાં આવી હતી.
અમદાવાદથી કૃપાનાથ વિરમગામ થઈ વવાણિયા તરફ પઘાર્યા હતા અને પાછા શ્રાવણ વદમાં વઢવાણ કેમ્પમાં પઘાર્યા હતા. ત્યાં હું શ્રાવણ વદી અમાવસની લગભગ દર્શન કરવા ગયો હતો. મારી સાથે મારાં માતુશ્રી પણ આવેલાં હતાં.
બાદ સંવત્ ૧૯૫૭ના કાર્તિક માસમાં મુંબઈ જતાં બે દિવસ અમદાવાદ આગાખાનને બંગલે સમાગમ થયો હતો. ત્યાર પછી મુંબઈ માટુંગામાં અને છેલ્લે શિવ મુકામે દીનદયાળ પ્રભુના દર્શનનો મને લાભ મળ્યો હતો.
શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી, સંપૂર્ણ. સંવત્ ૧૯૬૩ના અષાઢ સુદ ૯, શુક્ર, શ્રી લીંમડી.