________________
૩૨૭
શ્રીમદ્ અને જેસંગભાઈ
ઘણું સારું જાણવાનું છે, એમ બધું સમજાવી દિવાળીબાઈ સાધ્વી પાસે મોકલતા. પછી કૃપાળુદેવ તેમને મળ્યા અને સમજી ગયા.
મને નવતત્વનો અભ્યાસ કરવા જણાવ્યું સં.૧૯૪૫ કારતક સુદ ૧૩ના રોજ કૃપાળુદેવ અમદાવાદ અમારે ત્યાં પઘાર્યા. અને જૂઠાભાઈ સાથે મેડા ઉપર ઊતર્યા હતા. એક દિવસે કૃપાળુદેવે નીચે આવી મને કહ્યું : “કાં જેસંગભાઈ, શું કરો છો?” અમે માનપૂર્વક ગાદીએ બેસાડ્યા. મેં કેટલીક કુળઘર્મની વાતો કરી, તેઓ સાંભળી રહ્યા. અમને કૃપાળુદેવે જતી વખતે કહ્યું કે નવ તત્ત્વનો અભ્યાસ કરજો. અમારા કરમચંદ કાકાને રંગ લાગેલો પણ ખુલ્લા પડેલા નહીં.
જૂઠાભાઈ તો કૃપાળુદેવના સમાગમમાં વિશેષ રહેતા સં.૧૯૪પના ફાગણ માસમાં અમારા કાકા રંગજીભાઈ સાથે જૂઠાભાઈ મોરબી એક મહિનો રોકાયા. વ્યાપારનું કામ રંગજીભાઈ પતાવતા અને જૂઠાભાઈ કૃપાળુદેવના સમાગમમાં વિશેષ રહેતા.
આવી જ્ઞાનની વાતો તમે ક્યાંથી લાવ્યા? સં.૧૯૪૫ના વૈશાખમાં અમારા નાતીલા છગનલાલને ત્યાં લગ્નપ્રસંગે ખંભાતવાળા અંબાલાલ લાલચંદ વગેરે આવેલા. છગનલાલ પુસ્તકો છપાવવાનું અને વેચવાનું કામ કરતા, અને બીજો વેપાર પણ કરતા. તેમની પાસે જૂઠાભાઈએ એક કવિતા છપાવેલ. તે કવિતા અંબાલાલે ખંભાતમાં છપાવી તેથી જૂઠાભાઈને પૂછ્યા વગર છપાવવા માટે છગનલાલે ઠપકો આપ્યો. અંબાલાલભાઈએ તેમને કહ્યું કે જૂઠાભાઈ સાથે તમો અમને મેળાપ કરાવો. એ રીતે પરિચય થયો. જ્ઞાનની વાતો થઈ, તે પરથી અંબાલાલે પૂછ્યું, આવી વાતો જ્ઞાનની તમે ક્યાંથી લાવ્યા? ઘણી આજીજી કરી પૂછ્યું તેથી કૃપાળુદેવનું ઠેકાણું બતાવ્યું, બાદ અંબાલાલને કૃપાળુદેવ સાથે પરિચય શરૂ થયો.
શ્રી જૂઠાભાઈએ કૃપાળુદેવને અમદાવાદ બોલાવ્યા સં.૧૯૪૫માં જૂઠાભાઈ ઘણા બિમાર પડ્યા. ભગંદરનું ઓપરેશન કરાવ્યું. જેઠ મહિનામાં અમો મોરબી ગયેલા તે દરમ્યાન જૂઠાભાઈએ કૃપાળુદેવ ઉપર કાગળ લખેલો કે તમો અહીં પઘારો. કૃપાળુદેવે જણાવ્યું કે હું અવકાશે આવીશ. અષાઢ માસમાં કૃપાળુદેવ તથા રેવાશંકર જગજીવન અમદાવાદ આવ્યા. બે ત્રણ દિવસ જૂઠાભાઈ પાસે રહી રેવાશંકરભાઈ મુંબઈ પઘાર્યા. અને કૃપાળુદેવ મોરબી પઘાર્યા.
બીજાને હાથ જોડતાં મને કૃપાળુ દેવે શીખવાડ્યું એક વખત કૃપાળુદેવ મુંબઈમાં મુંબાદેવી પાસે મારકીટ નજીક મળ્યા. તેમણે બે હાથ જોડ્યા, મેં પણ જોડ્યા. હાથ જોડતાં મને તેમણે શીખવાડ્યું. પછી રેવાશંકર જગજીવનની પેઢી પર લઈ જઈ બેસાડીને પાણી પાયું.
પરમશ્રુત પ્રભાવના વડે બધું સારું થશે સં.૧૯૫૬ના ભાદરવા મહિનામાં વાંકાનેર કામ પ્રસંગે જતાં વઢવાણ કેમ્પમાં હું મારી દુકાને ઊતરેલ. ત્યાં મારા નોકરે મને કહ્યું કે, સાહેબજી, અહીં લીંબડીના ઉતારામાં છે. હું મળવા ગયો. ત્યાં ઘણા મુમુક્ષુઓ હતા. અંદર રજા વગર જવાતું નહીં, પણ અમો બે જ જણ હતા; તેમણે બહારથી માણેકલાલ