________________
૩૨૫
શ્રીમદ્ અને જેસંગભાઈ
મારી પેઠે ઘણાઓને થયેલું છે. સ્વ.જૂઠાભાઈને પણ ત્યારે ઓળખ્યા, તેમના સુશીલ પત્નીને પણ ત્યારે ઓળખ્યા, શ્રીમદ્ના સમાગમવાસી-ભાઈઓ-બહેનોને પણ થોડેઝાઝે અંશે ત્યારે ઓળખ્યા. વચનામૃતોમાં સૂચવેલ સશ્રુત, ઉપદેશ સંબંધી ગ્રંથો મણિરત્નમાળા, શાંતસુધારસ, યોગવાસિષ્ઠ અને અન્ય વેદાંતના ગ્રંથ, વીતરાગ દર્શનના ગ્રંથ યથામતિ, યથાશક્તિ પ્રેમભાવથી મધ્યસ્થવૃત્તિએ વાંચ્યા, પડલ ઊઘડ્યા, કેટલીક ભ્રાંતિ દૂર થઈ. સન્માર્ગ ભણી આકર્ષણ થયું;
વીતરાગ જિન પવિત્ર પ્રતિમા પણ આત્માર્થે ઉત્કૃષ્ટ સાધન
શ્રીમના સમાગમવાસીઓનો સમાગમ લાભ લેવો શરૂ કર્યો. તેઓના કેટલાંક સરળતા, ભક્તિ, કષાયમંદતા આદિ ગુણોથી મને પ્રેમ વધ્યો. ગુણાનુરાગી, ગુણપ્રેમી, ગુણખોજક હું થતો ચાલ્યો. કોઈ કોઈ સંન્યાસીઓના સમાગમમાં આવ્યો, શ્વેતાંબર પ્રતિમા આરાધક સાધુઓના પરિચયમાં આવ્યો. બધેથી ગુણ ખેંચતો ચાલ્યો. વીતરાગની, જિનની પવિત્ર પ્રતિમા પણ એક ઉત્કૃષ્ટ સાધન આત્માર્થે છે એવી ભાવપૂર્વક પ્રતીતિ થઈ.
જિન પ્રતિમા એક પ્રબલ સાધન છે તેને ઉત્થાપી એ મોટો દોષ થયો છે
અમારા સંપ્રદાયના અનુભવી વયોવૃદ્ધ સાધુ સ્વ.ઉમેદચંદ્રજી કહેતા કે શ્રીમદ્ ખચીત એક પામી ગયેલા અવતારી પુરુષ હતાં. તેમનાં વચનોમાંથી સમજાય તો વસ્તુ પમાય તેમ છે. શ્રી જિનપ્રતિમા પણ એક પ્રબળ સાધન છે; તે ઉત્થાપી છે એ મોટો દોષ થયો છે. શ્રી નાગજી સ્વામી પણ શ્રીમદ્ની એ પ્રકારે પ્રશંસા કરે છે અને ઉપલી બાબતને સંમતિ આપે છે. આમ અનેક ગુણવૃષ્ટિવાનને લાગેલ છે અને તે તેમ કહે છે. નિમિત્ત મળે પણ પોતે પાત્ર ન હોય તો બધું અફળ જાય
શ્રીમના વચનયોગથી એક એ વિશિષ્ટ બોધ મળ્યો અને મળે છે કે અનાદિકાળ જોતાં પૂર્વે અનંતકાળ વહી ગયો, તેમાં અનેક તીર્થંકરાદિ પરમ સત્પુરુષોનો યોગ થયો. આત્માર્થ સાધી શકાય એવા પ્રબળ નિમિત્તોનો યોગ આવી ગયો, પણ આ જીવ કદી પણ તૈયાર ન હતો અને હજી પણ નથી. નિમિત્તો તો મળી ચૂક્યા, પણ ઉપાદાનનું ઠેકાણું નહોતું અને હજી પણ નથી, અને હજી પણ નિમિત્તો મળશે પણ ઉપાદાનનું ઠેકાણું નહીં હોય, પોતાની તૈયારી નહીં હોય, પોતે પાત્ર તૈયાર કરી રાખેલ નહીં હોય તો તે નિમિત્ત પણ અફળ જશે. વરસાદ તો તેની મોસમમાં વહેલો કે મોડો વરસે છે, પણ તે ઝીલવા ચોખ્ખું પાત્ર તૈયાર રાખી ન મૂક્યું હોય તો અવશ્ય તે અફળ જાય. તેમાં કાંઈ વરસાદનો દોષ નહીં, પાત્રની તૈયારીના અભાવરૂપ દોષ, ક્ષેત્ર ખેડી રાખ્યું હોય, શુદ્ધ કરી તૈયાર રાખ્યું હોય તો યથાસમય વરસાદ વ૨સી બીજા ધાન યોગ્ય થઈ શકે, પણ ક્ષેત્ર શુદ્ઘિ ન હોય તો વરસાદ શું કરે ? અફળ વરસી જાય. આમ જીવ તૈયાર ન હતો અને હજી પણ નથી. યોગ્ય થવા, પાત્ર થવા જીવને ખરી જિજ્ઞાસા આવવી જોઈએ, મુમુક્ષુતા જાગવી જોઈએ, ઐહિક સુખની લાલસા દૂર થવી જોઈએ, ઓછી થતી જવી જોઈએ. પરમ વિનયભાવ આવવો જોઈએ, તત્ત્વનો નિર્ણય થવો જોઈએ, તે થવા વિશાળ બુદ્ઘિ, મધ્યસ્થભાવ, સરળવૃત્તિ, નિર્દેભપણું અને મન તથા ઇંદ્રિયો પર કાબૂ ઇત્યાદિ આવવા જોઈએ. એ બધાં પાત્ર થવાનાં, તત્ત્વ પામવાનાં, તૈયારીના લક્ષણ છે. જીવે જો આ તૈયારી કરી રાખી હશે તો અવશ્ય એને ‘પમાડે’ એવાં પ્રબળ નિમિત્તનો યોગ થઈ રહેશે અને એવાં પ્રબળ નિમિત્તો અફળ નહીં જાય.