________________
૩૨૧
શ્રીમદ્ અને સોમચંદ એ સંભાળીને મૂકી દીધો હતો. બાકી કાંઈપણ લાગ્યું નથી. આપની કૃપાએ શાંતિ રાખી શકાઈ છે.
તમારા બાપા પરમથુત પ્રભાવક મંડળમાં કંઈ આપી શકે? મને વિચાર આવ્યો કે બઘા ભાઈઓ કપાળદેવ સાથે ફરવા જાય છે. એક વખત મને ફરવા લઈ જાય તો ઠીક. એવા વિચારે સાંજે પાંચ વાગ્યે ઘેરથી નીકળ્યો. આગાખાનના બંગલા નજીક આવતાં જોયું તે કૃપાળુદેવ એકલા ફરવા જતા હતા. હું નમસ્કાર કરી બાજુમાં ઊભો રહ્યો. પાંચેક પગલાં ભર્યા પછી તેઓશ્રીએ મારા સામું જોયું. જેથી હું તેઓશ્રીની પાસે દોડી ગયો. હાથમાં લાકડી હતી જે મને આપી, હું તેઓશ્રીની પાછળ પાછળ ચાલતો હતો. હાલ ગુજરાત કૉલેજ જવાનો રસ્તો છે તે નાકા ઉપર આવ્યા, ત્યાં પોતે પૂછયું- આમ ક્યાં જવાય છે? મેં કહ્યું સાહેબ, મને ખબર નથી. પોતે બોલ્યા કે–પોપટભાઈ અને તમે ક્યાં સુધી ફરવા આવો છો? મેં કહ્યું–અહીં સુધી. પોતે તે જગ્યાએ જ બેઠા. મેં શાલ પાથરી તે ઉપર બિરાજ્યા. પછી પોતે પૂછ્યું કે ઉગરીબહેનનું ઘર અને તમારું ઘર કેટલું છેટું? આ પુલ જેટલું હશે? મેં કહ્યું–પુલથી ચોથા ભાગનું છેટું હશે. ફરી કહ્યું–તમારા બાપા પરમશ્રુત પ્રભાવક મંડળમાં કંઈ આપી શકે? મેં કહ્યું–આમ છે ઉદાર અને દેરાસરના પંચમાં પૈસા વાપરે છે ખરા. પછી ત્યાંથી ઊઠી પોતે બંગલા તરફ પધાર્યા. તેઓશ્રી આગળ અને હું પાછળ ચાલતો હતો. દરરોજ બંગલામાં જે રસ્તે જતા હતા તે રસ્તે નહીં જતાં પાછળના રસ્તે જવા માંડ્યું. ત્યાં કેટલાક ભાઈઓ સૂતા હતા. તેઓ કૃપાળુદેવને જોતાં જ બેઠા થઈ ગયા અને મને ઠપકો આપવા લાગ્યા કે જરા આગળથી જણાવીએ તો ખરા! મેં કહ્યું કે ભાઈ, તેઓશ્રી આગળ અને હું પાછળ-પછી શી રીતે જણાવું? વળી પોતે આ રસ્તે આવશે તેવી પણ મને ખબર નહોતી.
ફરી ખાનું ઉઘાડ્યું તો કાગળ પેન્સિલ મળી આવ્યા એક દિવસ મેડા ઉપર કૃપાળુદેવના દર્શન કરી તેઓશ્રીની સન્મુખ ઊભો રહ્યો ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે આ મેજના ખાનામાં કાગળ અને પેન્સિલ છે તે લાવો. મેં તો ભેજના બઘા ખાનાં ઉઘાડી જોયું તો કાગળ કે પેન્સિલ કાંઈ નહોતા. પોતે જણાવ્યું કે લાવ્યા? મેં કહ્યું–સાહેબ, મને દેખાતા નથી. મેં તો બઘા ખાના બહાર કાઢીને જોયું તો પણ કાંઈ દેખાયું નહીં તેથી ખાના બંઘ કર્યા. ફરીથી કૃપાળુદેવે જણાવ્યું કે જો જો, અંદર જ હશે. ફરી ખાનું ઊઘાડ્યું કે તુરત તેમાંથી કાગળ પેન્સિલ મળી આવ્યા. તે સમયે બીજું કોઈ હતું નહી અમે બન્ને જણા જ હતા. પોતે જે ખાટલામાં બિરાજ્યા હતા ત્યાં જ સૂતા હતા.
એક પૈસાની નવ લાંબી દાતણની સોટીઓ એક દિવસ ડૉ. પ્રાણજીવનદાસ વગેરે મહેમાનો પૂ.ભાઈશ્રીને ત્યાં જમવાના હતા. તે સવારે વહેલો હું દાતણ વગેરે લઈને પૂ.ભાઈશ્રીને ત્યાં થઈને બંગલે ગયો. ત્યારે પરમકૃપાળુદેવ અને ડૉક્ટર બન્ને બંગલામાં હતા. મેં દર્શન કર્યા. પછી પોતે જણાવ્યું કે શું લાવ્યા? મેં કહ્યું –દાતણ વગેરે. શ્રીમદે પૂછ્યું આ દાતણ કેટલાના? મેં કહ્યું –એક પૈસાની નવ સોટીઓ લાંબી અને સારી છે.
પોતે કહ્યું કે જાઓ ઉપર ડૉક્ટરને બતાવજો અને કહેજો કે એક પૈસાની આ નવ દાતણની સોટીઓ છે. ઉપર જઈ ડૉક્ટરને કહ્યું અને ડૉક્ટર આશ્ચર્ય પામ્યા. હું નીચે આવ્યો, અને ડૉક્ટર સાહેબ પણ નીચે આવી ભાઈશ્રીને ત્યાં જમવા પઘાર્યા.