________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૦૨
મને સ્મૃતિમાં રહેલ નથી જેથી લખી શકતો નથી.
વગર ચાખે શાકમાં મીઠું નથી તે જણાવ્યું
પરમકૃપાળુદેવ માટે રસોઈ કરવામાં એક મારવાડી છોકરો હતો. તેની ઉંમર આશરે પંદર વર્ષની હતી. તેનું નામ મૂલચંદ હતું. તે છોકરો ચાલાક હોશિયાર હતો. એક વખતે શાકમાં તદ્દન મીઠું નાખવાનું ભૂલી ગયો હતો. જ્યારે પરમકૃપાળુદેવ જમવા માટે બેઠા અને થાળમાં તમામ રસોઈ પીરસાઈ ગયા બાદ કોઈ પણ ચીજ ચાખવામાં નહીં આવેલા તે પહેલાં જ મૂલચંદ રસોયાને પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે કેમ મૂલચંદ? શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયો છું. ઉપયોગ રાખવો જોઈએ એમ જણાવ્યું હતું.
ભાઈશ્રી અંબાલાલભાઈની સાચી સેવા. એક વખતે ભાઈશ્રી અંબાલાલભાઈ સાહેબજી માટે દૂઘનો પ્યાલો લઈ આવ્યા હતા. તે વખતે પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. ત્યાગ-વૈરાગ્ય સંબંઘી ઘણો જ બોઘ ચાલતો હતો, જેથી ભાઈશ્રી અંબાલાલભાઈ એક બાજુએ હાથમાં દૂઘનો પ્યાલો રાખી શાંતપણે ઊભા રહ્યા. લગભગ સવા કલાક સુધી સ્થિરપણે ઊભા રહ્યાં હતા. જ્યારે પરમકૃપાળુદેવ ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ સન્મુખે જઈ દૂઘનો પ્યાલો ઘર્યો એટલે પરમકૃપાળુદેવે વાપરી લીધું હતું. ત્યારપછી મને પરમકૃપાળુદેવે જણાવ્યું કે આ મોજાં પહેરાવશો? ત્યારે મેં કીધું કે હાજી. એમ કહી મોજાં પહેરાવ્યા હતા. પરમકૃપાળુ દેવે મારા જન્મની સાલ, માસ, પક્ષ, તિથિ, વાર તથા સમય કહી આપ્યો
ત્યારપછી મને પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ હીરાલાલ, તમારી કેટલા વર્ષની ઉંમર થઈ છે? ત્યારે મેં જણાવ્યું કે આશરે સત્તર વર્ષ થયા હશે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારો જન્મ અમુક સાલે અમુક માસમાં અમુક પક્ષે અમુક તિથિએ અમુક વારે અને અમુક ટાઈમે થયેલ છે. આ વિષે મને ચોક્કસ માલુમ નહીં હોવાથી હું જ્યારે ઘરે ગયો ત્યારે મેં મારા પિતાશ્રીને પૂછ્યું હતું કે મારો જન્મ કઈ સાલે થયો હતો? ત્યારે તેઓશ્રીએ પરમકૃપાળુદેવના કહેવા પ્રમાણે જ સઘળી હકીકત જણાવી હતી. આથી મારા મનને ઘણું જ આશ્ચર્ય લાગ્યું હતું.
પરમકૃપાળુદેવે જણાવ્યું કે આથી અમોને કાંઈ થવાનું નથી જ્યારે પરમકૃપાળુદેવ અમદાવાદથી બીજા સ્થળે પઘારવાના હતા ત્યારે હું તથા બહેન શ્રી ગંગાબહેન તથા ભાઈ સોમાભાઈ તથા ભાઈ વાડીભાઈ વગેરે ઘણા ભાઈઓ સ્ટેશન પર ગયા હતા. પરમકૃપાળુદેવ રેલગાડીના ડબ્બામાં બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ તેમાં બેઠા હતા. ત્યાં પરમકૃપાળુદેવ માટે બહેન શ્રી ગંગાબહેનને ત્યાંથી એક વાડકામાં શીખંડ લાવ્યા હતા. તે શીખંડ વાપરવા માટે સાબરમતીનું સ્ટેશન વીત્યા બાદ વિનંતી કરી હતી જેથી વાપર્યું હતું. ત્યારબાદ જણાવ્યું કે શીખંડ ખાટો હતો. આ વાત સાંભળવાથી અમો સર્વેને ખેદ થવા લાગ્યો કે ખાટો શીખંડ હોવાથી અને તે વાપરવામાં આવ્યું જેથી ઝાડાઓ વઘારે થશે. આ કારણથી અમોને ખેદ થવા લાગ્યો ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે આથી અમોને કાંઈ પણ થવાનું નથી. ત્યારપછી પાછળથી સમાચાર મળ્યા હતા કે કાંઈ પણ હરકત થઈ નહોતી. આ સમાચાર જાણવામાં આવ્યાથી ઘણો જ સંતોષ થયો હતો.