________________
શ્રીમદ્ અને સુખલાલભાઈ જયમલ
નીચે જઈ વાંચો અને નિર્ભય રહો
એકવાર પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે વાંચણી કેવી છે? એમ કહી શ્રી આનંદઘનજી ચોવીશીનું પુસ્તક વાંચવા આપ્યું. તેમાંથી બે પદ વાંચતા શરમાવાથી વાંચી શકાયું નહીં. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે નીચે જઈને વાંચો અને નિર્ભય રહો. તેથી હું નીચે ગઈ અને વાંચવાનું શરૂ કર્યું.
તે વખતે આઠ દિવસ સુધી દર્શનનો લાભ મળ્યો હતો.
૨૯૩
ઝેર ખાઈને મરવું પણ શિયળ ભાંગવું નહીં
શ્રી વલસાડથી સંવત્ ૧૯૫૭ના માહ માસમાં પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ રાત્રે પધારેલા. સવારમાં દર્શનનો લાભ મળ્યો હતો. તે વખતે મને પૂછ્યું કે કેમ મંગુબેન? ત્યારે હું કાંઈ બોલી શકી નહીં. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે શિયળવ્રત લેજો અને તે બરાબર પાળવું. ઝેર ખાઈને મરવું પણ તે શિયળવ્રત ભાંગવું નહીં એમ જણાવ્યું હતું.
ઉતારો કર્યો સંવત્ ૧૯૬૯ના વૈશાખ સુદ ૧૦ને શુક્રવારે.
શ્રી સુખલાલભાઈ જયમલ
સાણંદ
ભાઈ સુખલાલ જયમલ સાણંદવાળાએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પરિચયની હકીકત :— કૃપાળુદેવનો પ્રથમ પરિચય મને સં.૧૯૫૪ના ભાદ્રપદમાં વસોમાં થયો હતો. ત્યાં હું પોપટલાલભાઈ સાથે ગયેલ. ત્યાંના બે પ્રસંગો યાદ છે તે જણાવું છું
:
જ્ઞાનબળે જાણી લીધું કે સુખલાલ આવે છે
(૧) શ્રીમદ્ જ્યાં ઊતર્યા હતા તે સ્થાનના મેડામાં જવાની બે નીસરણીયો હતી. એક અંદર અને એક બીજી બહાર પથ્થરની હતી. હું એકવખત પથ્થરની નીસરણીએથી મેડા ઉપર જતો હતો. ત્યારે ઉપરનું બારણું બંધ હતું. અંદર શ્રીમદ્, અંબાલાલભાઈ લાલચંદ, પોપટભાઈ ગુલાબચંદ તથા રૂક્ષ્મણીબેન વિગેરે હતા. હું ઉપર જવાનો છું એની કોઈને ખબર ન હતી. બારણું બંધ હતું. હું નીસરણીએથી ઉપર ચડું તે પહેલાં શ્રીમદે અંબાલાલભાઈને કહ્યું : ‘બારણું ઉઘાડો, સુખલાલને આવવું છે.’’ હું ચડતો હતો ત્યાં બારણું ઊઘડ્યું.
વગર પૂછ્યું બધા પ્રશ્નોના ખુલાસા
(૨) અમારા સાણંદના નગરશેઠ શાહ સાંકલચંદભાઈ હતા. એમણે થોડાક પ્રશ્નો ખુલાસા માટે શ્રીમદ્ પાસે રજૂ કરવા મને મોકલ્યો. એ પ્રશ્નોનો કાગળ મારા ખીસામાં હતો. અને હું શ્રીમદ્ પાસે ગયો. તરત જ શ્રીમદે સાંકલચંદ વિગેરેના સમાચાર પૂછ્યા. તેની વૃત્તિની વાત કરી.
મને લાગ્યું કે સાણંદ સાથે વ્યાપાર વ્યવહાર હોવાથી તેમને ખબર હશે પણ પછી શ્રીમદે વાણી દ્વારા વગર પૂછેલા બઘા પ્રશ્નોના ખુલાસા કર્યા ત્યારે મને અજાયબી થઈ અને શ્રીમદે સાંકલચંદ શેઠ અંગે કહ્યું કે : “આ ભવમાં રીઢાપણું (જિદ્દીપણું) નહીં મટે એમ તેમને કહેજો.’’