________________
૨૭૭
શ્રીમદ્ અને ભાઈલાલ અનુક્રમે ત્રણેને પૂછ્યું કેઃ “અમે આજ્ઞા કરીએ તે પ્રમાણે ચાલશો? ત્યારે નારણભાઈએ / હા પાડી, અને ભાઈલાલે હા પાડી અને મેં ના પાડી હતી. કારણ મારા મનમાં એમ હતું કે મારી ઉંમર નાની છે, સંસાર વૈભવ કંઈ પણ ભોગવ્યા નથી, અને કદાચિત હા પાડીએ અને વખતે કહે કે અમારા શિષ્ય થઈ દીક્ષા લો તો શું કરવું?
પૂજ્યશ્રીએ પૂછ્યું: તમે કેમ ના પાડી?
ત્યારે મેં ઉપરની બાબત પૂજ્યશ્રીને કહી બતાવી. ત્યારે પૂજ્યશ્રીએ મને કહ્યું કે અમે તેવી આજ્ઞા કરીએ નહીં. અમે તમારી વૃત્તિના પ્રમાણમાં જ બોજો આપીએ અને તે કલ્યાણને માટે જ. આ ઉપરથી મને ખાતરી થઈ કે આ પુરુષ તો મનની વાત સમજી જાય છે.
પરગામના લોકોની રોજ અવરજવર આ સિવાય હમેશાં ૫, ૨૫ માણસોની અવરજવર પરગામના લોકોની હતી. તે લોકોની સાથે હમેશાં રાતના બે વાગ્યા, ત્રણ વાગ્યા સુધી બોઘ ચાલતો. વખતે પાંચ પણ વાગી જતા. જેથી મને ખાત્રી થઈ ગઈ કે આ મહાત્માને ઊંઘની તો બિલકુલ જરૂર પડતી નથી.
સાહેબજીના બોઘથી પૈસા લઈ વ્યાખ્યાન કરવાનું બંઘ કર્યું એક વખત અમદાવાદનો શ્રાવક ગોપાલદાસ આવ્યો હતો. તેમના આચરણ પહેલેથી કહી દીઘા હતા. તે એવા પ્રકારે વર્તતો હતો કે જ્યારે સાઘુ ન હોય ત્યારે પૈસા લઈને વ્યાખ્યાન કરતો હતો. તેથી તેને સાહેબજીએ ઘણો જ વચનનો પ્રહાર કર્યો હતો. અને અપાસરાના મેડા ઉપર રાતના ચાર વાગ્યા સુધી બોઘ કર્યો હતો તે બોઘ સાંભળીને ગોપાલદાસને કેટલીક વાત સમજાયાથી પૈસા લેવાનું બંધ કર્યું હતું.
અથાણા વહોરવાનું બંઘ તથા એકાસણા કરવાની આજ્ઞા ફરમાવી આ સિવાય મુનિઓના ઠાણા વિગેરે અથાણા વહોરતા હતા, તે સંબંધી કૃપાળુશ્રીએ મહારાજશ્રીને અથાણું લેવાનું બંધ કરવા અંબાલાલભાઈ જોડે કહેવરાવ્યું હતું. તેમજ એકાસણું કરવાને ફરમાવ્યું હતું. તેથી મુનિઓ એક વખત જ આહાર લેતા હતા. આ સિવાય કૃપાળુશ્રી ઉત્તરસંડે પઘારવાના હતા. તે દિવસે મારા પિતાશ્રીએ પગલાં કરાવવા માટે કહ્યું કે તરત જ તેઓશ્રી પઘાર્યા હતા. અને સામે બારણે જગજીવનદાસ ઝવેરદાસને ઘેર પણ પગલાં કરાવવા કહ્યું હતું. ત્યાં પણ માન સિવાય પઘાર્યા હતા.
આ સિવાય ફરી મળવાનો પ્રસંગ અમદાવાદમાં થયો હતો. તે વખતે વસો ગામના લોકો પણ ગયા હતા. અને નારણભાઈ, મોતીભાઈ પણ કૃપાળુશ્રીના દર્શન સમાગમ માટે આવ્યા હતા.
શ્રી ભાઈલાલ જગજીવનદાસ
વસો શ્રી વસોવાળા ભાવસાર ભાઈશ્રી ભાઈલાલ જગજીવનદાસને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંઘી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે.
પરમકૃપાળુદેવ વસો મુકામે સંવત્ ૧૯૫૪ના ભાદરવા માસમાં પઘાર્યા હતા ત્યારે દર્શન થયા હતા. પ્રથમ તેમના પ્રત્યે કેવા ભાવો થયેલા તે નીચે જણાવું છું.