________________
શ્રીમદ્ અને જેઠાલાલ
આ પુરુષના મનમાં જરા પણ મોટાઈ નથી
વસોના અમીન છોટાભાઈ, ચતુરભાઈના બંગલે હું તથા ઘણા માણસો પૂજ્યશ્રીના સમાગમમાં ગયા હતા. તે વખતે મહારાજ સાહેબ લલ્લુજીસ્વામી આદિ મુનિશ્વરો તે બંગલામાં બેઠા હતા. તે વખતે કૃપાળુશ્રીએ પહેરણ કફની જેવું પહેરેલું હતું. તથા ટોપી ફકીરના જેવી લુગડાની બે ચાર પૈસાની કિંમતની આશરે પહેરી હતી. તે જોઈ મારા મનમાં તો ઘણો જ વિચાર થતો હતો કે આ પુરુષ તો કોઈ અલૌકિક જ છે, કે જેના મનમાં જરાપણ મોટાઈ છે નહીં. તેથી મને તો સાહેબજી ઉપર દિવસે દિવસે પ્રતીતિ વધતી ગઈ ને મનમાં લાગવા માંડ્યું કે આ પુરુષના વચન સાંભળવાથી લાભ
થશે.
૨૭૩
સાહેબજી લલ્લુજી મહારાજને પગે લાગવાનું કહેતા
લલ્લુજી મહારાજને કોઈ પહેલા પગે લાગતા નો'તા. તેથી સાહેબજી બધાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. પણ આ મહાત્માને જોઈ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતાં હતા. પણ આવો બધો દેખાવ જોઈને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બિલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી.
કરવા માંડો તો જ સફળ થશે, કહેવા માત્રથી સફળતા નથી
તે ટાઈમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ધર્મસંબંઘીની ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં સાહેબજીનો બોધ સર્વોત્કૃષ્ટ થયો હતો. અને તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી કહેતા કે : “કરવા માંડો તો જ સફળ થશે. પણ કહેવારૂપે બોલવાથી કંઈ સફળ થશે નહીં.’’ અમને કંઈપણ ખાનપાનની ઇચ્છા નથી
આ પછી ઘણા પ્રશ્નોત્તર થયા હતા. તે દરેક પ્રશ્નોનું સમાધાન સારી રીતે કૃપાળુશ્રીએ કર્યું હતું. તેથી પાટીદારો કૃપાળુશ્રીના ઉપર ઘણા પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા કે આપને કંઈપણ ખાનપાનની ઇચ્છા હોય તો અમે આપને માટે સગવડ કરાવીએ અને ફળાહારની અપેક્ષા હોય તો તે લાવી આપીએ. પણ સાહેબજીએ ના પાડી અને કહ્યું કે : “તેવું અમારે જોઈએ નહીં.’
એ પુરુષ કોઈ અદ્ભુત દશાવંત છે
આ ઉપરથી મને ખાત્રી થઈ કે તેમને કંઈપણ માન આવકા૨ની જરૂર નથી; અને નિર્માની છે. તે જ પ્રસંગે હું જરાવાર બહાર ગયો ત્યારે પાટીદારો મને પૂછવા લાગ્યા કે ‘આ પુરુષ ગૃહાશ્રમી છે ને લોકો કેમ નમસ્કાર કરે છે?’ ત્યારે મેં કહ્યું કે ગૃહાશ્રમી છે પણ એમની વાત તમે કંઈ જાણો છો? એ પુરુષ કોઈ અદ્ભુત દશાવંત છે. એમણે સોળ વર્ષની વયમાં મોક્ષમાળા બનાવી છે. ત્યારે તેમની કેટલી બુદ્ધિ હશે. અને તેમાં મોક્ષે જવાનો રસ્તો બતાવ્યો છે તે સાધારણ માણસથી બને જ નહીં.
અમારે પ્રશંસા કરાવી પૂજાવું નથી
આ ઉપરથી લોકોને બરાબર ખાત્રી થઈ કે વાત સાચી છે. આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે પૂજ્યશ્રીએ કોઈ મુમુક્ષુ પાસે કહેવડાવ્યું કે : “લોકોને આવી પ્રશંસાની વાતો તમે કહો છો તે અમારી આજ્ઞા નથી. અમારે પ્રશંસા કરાવવી નથી અને પૂજાવું નથી.’