________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
૨૭૨
લાગતું નથી. પણ મારા મનમાં એમ રહેતું હતું કે આ કવિરાજ સંસારી તો ખરા ને! તેમનું બોલવું ખરું છે, પણ તે પ્રમાણે ચાલતા કેમ નથી? એવું મને ઉપલા વ્યવહારથી લાગતું હતું. કારણ કે રાત્રે વાંચતા હતા. સંસારી જેવા લુગડાં પહેર્યા હતા. પોતાને માટે બનાવેલી રસોઈ જમતા. તે રસોઈ અંબાલાલભાઈ બનાવતા હતા. ખાટલામાં પણ સૂતા હતા. તે દરમ્યાન પોપટભાઈ, કીલાભાઈ, છોટાભાઈ, નગીનભાઈ વિગેરે ઘણા માણસો ખંભાતથી, સાણંદથી, અમદાવાદ વિગેરેથી હમેશાં આવવા લાગ્યા. ને હમેશાં બોઘ રાત્રે બે વાગે, ત્રણ વાગે, ૪ વાગ્યા સુધી ચાલતો હતો. વખતનો નિયમ રહેતો નહોતો. ને બિલકુલ ઊંઘતા નો'તા. સાહેબજી માગધી ભાષાના રાગમાં કાવ્ય બોલતા હતા. તે સિવાય બીજું કાંઈ જણાતું નહોતું. કોઈ વ્યવહા૨ી વાત કરે તો તેની ચોખ્ખી ના પાડતા હતા. ભીંતે ટેકો દઈ બેસવાથી જ્ઞાનીની આશાતના
લખનાર ઃ રાત્રે હું તથા મારા પિતાજી બંને આ સાહેબજીના સમાગમમાં ગયા હતા. તે વખતે મને કહ્યું કે : “તમે જે ટેકી દઈને બેસો છો તેથી જ્ઞાનીની આશાતના થાય છે; માટે તેમ ન બેસવું જોઈએ.'’ ત્યારથી મેં ટેકી દઈને બેસવાની ટેવ મૂકી દીધી હતી. અને પ્રશ્ન કરવા પણ બંધ કર્યા હતા. કારણ કે મને ખાત્રી થઈ કે આમાં આપણી કંઈ બુદ્ધિ ચાલે તેમ નથી. અને કવિરાજ મને કહેતા હતા પણ ખરા કે અમે જ્ઞાની આવા સામાન્ય પ્રશ્નથી અટકી જઈશું તો દિન પ્રત્યે જે પુરુષો હજાર હજાર શ્લોક બનાવતા હતા તે કેવી રીતે બનાવતા હશે?
ડહાપણ મૂકી જે કહે તે સાંભળ્યા કર
તે સાંભળી નીચું જોયું અને મનમાં થયું કે જીવ છાનોમાનો બેસી રહે, નહીં તો વખત નકામો જશે. અને કલ્યાણ કરવાનું રહી જશે. અંબાલાલભાઈ કરતાં તો બુદ્ધિ તારામાં વધારે નથી. માટે તેમનું થશે તે આપણું થશે એમ સમજી તું નમસ્કાર કર્યા કર. અને જે કહે તે સાંભળ્યા કર તો તેથી કલ્યાણ થશે. હોકા બીડીના પચ્ચખાણ શ્રી લલ્લુજી પાસે કરાવ્યા
પછી બીજે દિવસે રાત્રે આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું કે : “તમે હોકો બીડી પીઓ છો, તે શા માટે મૂકી દેતા નથી.’’
ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાના કારણને લીધે હું હોકો, બીડી પીઉં છું.
પૂજ્યશ્રી : ‘‘તમાકુનો પ્રચાર તો ૨૦૦-૪૦૦ વર્ષથી વિશેષ થયો છે. તે પહેલાંના લોકો, તમાકુ, બીડી, હોકા સિવાય બંધકોશ વડે મરી જતા હશે!’
મેં કહ્યુ—ના, સાહેબ.
ત્યારે સાહેબજીએ મને કહ્યું કે : ‘‘તમે વ્યસનને આધીન થઈ ગયા છો. પણ વ્યસન તમને આધીન છે. માટે તે બધા બહાના છે અને તે મૂકી દેશો તો મૂકી દેવાશે.’’
લખનાર ઃ આપની આશા હોય તો હું બીડી પીવાની રાખું અને હોકો બંધ કરી દઉં.
પૂજ્યશ્રી : “રૂપિયા ન રાખવા અને પરચૂરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે.” આવા વચન સાંભળીને મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તેના પ્રત્યાખ્યાન મહારાજશ્રી લલ્લુજીસ્વામી પાસે કરાવ્યા.