________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૫૦ ઝીણામાં ઝીણું વિચારબળા પછી સાહેબજીએ બીજી વાત કરી કે ઝીણામાં ઝીણી વસ્તુ શું ગણાય? તે કહો.
અમોએ જણાવ્યું કે ઝીણામાં ઝીણી તો કીડીઓ ગણાય. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તે નહીં, પણ વિચારબળ કહેવાય.
ત્યારપછી સાહેબજીએ અમોને કહ્યું કે હવે તો કહો. જેથી અમોએ કહેવું શરૂ કર્યું. અમોએ કેટલાક ઉખાણાઓ કીઘાં હતાં, તેના સાહેબજી તુરત જ ખુલાસા કરતા હતા.
મહુડીના સ્મારકની જગ્યા સૌ કરતાં મીઠી એક દિવસને વિષે સાહેબજી બહાર ફરવા માટે પધાર્યા હતા. ત્યારે બીજી વાર અમો સઘળા છોકરાંઓ સાહેબજીની પૂંઠે પૂંઠે ફરવા ગયા હતા. કેટલેક દૂર ગયા બાદ મહુડાના વડ નીચે સાહેબજી બિરાજમાન થયા. અમો પણ સાહેબજીની સન્મુખ બેઠા તે વખતે સાહેબજીએ જણાવ્યું કે છોકરાઓ, સાંભળો. ગોળ કરતાં પણ મીઠી, ખાંડ કરતાં પણ મીઠી, સાકર કરતાં પણ મીઠી એવી તમોએ કોઈ વસ્તુ દીઠી? ત્યારે અમોએ કીધું કે ના જી, મહારાજ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જુઓ ત્યારે અમો દેખાડીએ. એમ કહી સાહેબજી પોતે જે સ્થાન પર બિરાજમાન હતા તે સ્થાને સાહેબજીએ જમીન પર પોતાની આંગળી વડે ચારે તરફ ફરતો ગોળ આકાર કરી અમોને જણાવ્યું કે આ જગ્યાઓ સઘળાં પદાર્થો કરતાં પણ મીઠી છે.
(સદ્ગુરુ ચરણ જહાઁ ઘરે, જંગમ તીરથ તેહ;
તે રજ મમ મસ્તક ચઢ, બાળક માગે એહ.) અમો સાહેબજીને વારંવાર પૂછતા હતા કે મહારાજ, અમોને પરમેશ્વર બતાવો છો? ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે હા, પરમેશ્વર બતાવીએ, બેસો. એમ કહી સાહેબજીએ કાંઈક વાર્તા કરી હતી, પરંતુ તે હાલમાં સ્મૃતિમાં રહેલ નથી.
ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી અમારા ગામમાં કેટલાંક લોકો માંહોમાંહે બોલતા હતા કે એક વાણિયાભાઈ આપણા ઝવેરભાઈ શેઠના ઘરે આવ્યા છે. તેમની સાથે બીજા ઘણા લોકો આવ્યા છે. તે વાણિયા બઘાને ચમત્કાર દેખાડે છે. માટે કલ્યાણજીભાઈ તથા શંકરભાઈ વગેરે બઘા તે વાણિયાભાઈની પછવાડે પછવાડે જાય છે. એમ માંહોમાંહે લોકો વાતો કરતા હતા.
અમે અમારા આત્માની શોઘ કરીએ છીએ. એક દિવસને વિષે સાહેબજી ફરવા માટે પઘાર્યા હતા ત્યારે સાહેબજીની સાથે બીજા ઘણા ભાઈઓ જતા હતા. સાહેબજી નીચી દ્રષ્ટિએ અને ઘીમાસથી ચાલતા હતા. રસ્તામાં ચાલતાં કેટલેક દૂર ગયા બાદ એક બાઈ ઘાસનો ભારો માથે લઈને સામે આવતી હતી. તે વખતે તે બાઈ બોલતી બોલતી આવતી હતી કે આ વાણિયાઓ રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે, કોણ જાણે તેમનું શું ખોવાઈ ગયું હશે, કે શોધ્યા કરે છે. આ પ્રમાણે તે બાઈનું બોલવું સાંભળી સાહેબજીએ તે બાઈને જણાવ્યું કે બહેન, અમો અમારી શોઘ કરીએ છીએ.