________________
શ્રીમદ્ અને શંકરભાઈ ભગત
સાહેબજી કહે : જુઓ, સાંભળો, પાડો પાણી પીધા વગર આવે અને બકરી પાણી પીને આવે.
મેં કહ્યું : સાહેબજી, એમ કેમ? પાડો તો બહુ જબરો હોય અને તે પાણી પીધા વિના કેમ આવે?
૨૪૯
સાહેબજી કહે : પાડામાં એવી કુટેવ હોય છે કે તે તળાવમાં જઈને પાણીનું ડોળાણ કરે છે. અને બકરી બિચારી તળાવના કાંઠા ઉપર ઊભી રહીને નીચી ડોકીએ પાણી પીને ચાલી આવે છે.
એ દૃષ્ટાંતે કેટલાંક જીવો એવા પ્રકારના હોય છે કે જે સત્પુરુષોની પાસે જઈ પોતાનું ડહાપણ ડોળે છે જેથી તે પોતે પામી શકતાં નથી; અને બીજાઓને અંતરાયભૂત થઈ પડે છે. તેવા જીવો પાડાની માફક ડોળાણ કરનાર સમજવા. અને કેટલાંક જીવો એવા પ્રકારના હોય છે કે જે સત્પુરુષોની પાસે જઈ સરળ ભાવે શ્રવણ કરે છે; જેથી પોતે પામી શકે છે, અને બીજાઓને પણ અંતરાયભૂત થતાં નથી, તેવા જીવો બકરીની માફક પાણી પીનાર સમજવા.
સત્પુરુષની એક યથાર્થ આજ્ઞા સર્વ કર્મને બાળી શકે
:
સાહેબજી કહે : એક દિવાસળીથી કેટલો દેવતા થઈ શકે? આ કાવિઠા ગામ જમાડી શકાય તેટલો કે મુંબઈ શહેર જમાડી શકાય તેટલો? તે કહો.
મેં કહ્યું ઃ જેટલો કરવો હોય તેટલો થઈ શકે. આખુ જગત જમી શકે તેટલો.
સાહેબજી : આ વાત ખ્યાલમાં રાખજો.
(એક અગ્નિનો તણખો આખા વિશ્વને બાળી શકે તેમ એક સત્ની ચિનગારી કેવળજ્ઞાન પમાડી શકે.) આ પ્રમાણે સાહેબજીએ ઘણી વાતો કહી હતી. અમો નાની ઉંમરના હોવાથી અને સમજી શકીએ તેમ નહીં હોવાથી સાહેબજીએ તે વાતોનો ૫રમાર્થ બતાવ્યો હતો, પરંતુ તે સમયે અમો સમજી શક્યા નહોતા.
ગુરુ કરે તેમ ન કરવું, ગુરુ કહે તેમ કરવું
એક દિવસને વિષે અમારી ટોળીએ એકત્ર મળી મંદિરમાં નરસિંહ મહેતાના ભજનો ગાયા હતા. તે વિષે બીજે દિવસે જ્યારે હું સાહેબજી પાસે ગયો ત્યારે સાહેબજીએ મને જણાવ્યું હતું કે તમો ગઈ કાલે રાત્રે મંદિરમાં નરસિંહ મહેતાના ભજનો ગાતા હતા તે અમારા જાણવામાં છે; પણ નરસિંહ મહેતા તો એમ જણાવી ગયા છે કે ‘‘મારું ગાયું ગાશે તે ઘણા ગોથા ખાશે, સમજીને જે ગાશે તે વૈકુંઠે જાશે,” માટે આ વાત ખ્યાલમાં રાખજો.
(સમજણ વગ૨ની ક્રિયા મોક્ષનો હેતુ થતી નથી. માટે પ્રથમ ગુરુથી જ્ઞાન મેળવી તેમની આજ્ઞાનુસાર ક્રિયા કરવાથી જ મુક્તિ છે.)
જગતને પોતાની મહાનતા બતાવી મન મલિન રાખે તે નરકે જાય
એક વખત સાહેબજીએ જણાવ્યું હતું કે તાડ તળે કૂવો હોય એનું અંતર કેટલું ગણાય અને તે પરથી કોઈ જીવ પડે તો જીવે ખરો?
( ચઢ ઉત્તુંગ જહાંસે પતન, શિખર નહીં વો કૂપ;
જિસ સુખ . અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ.) -આલોચનાદિ પદ સંગ્રહ