________________
૨૪૭
શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત
કાવિઠા ઉતારો કરાવનાર–શુભસ્થળ શ્રી કાવિઠા મધ્યે ભગત શ્રી શંકરભાઈ અજુભાઈ પટેલ. તેઓ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્ર દેવના સમાગમમાં આવેલા. તે પ્રસંગે જે કાંઈ વાતચીત ખુલાસા યા જે કાંઈ શ્રવણ કરેલું તે સંબંઘી ટૂંક વૃત્તાંત તેઓએ પોતાની સ્મૃતિ મુજબ સંવત્ ૧૯૭૩ના બીજા ભાદરવા વદ ૧૦ને મંગળવારના દિને શ્રી કાવિઠા મુકામે શેઠ શ્રી ઝવેરભાઈના ડેલામાં ઉતારો કરાવેલ છે.
પરમકૃપાળુદેવના પ્રથમ સમાગમ વખતે મારી ઉંમર પંદરેક વર્ષની હતી
પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા મુકામે પઘાર્યા હતા ત્યારે મને સાહેબજીના સમાગમનો લાભ મળી શક્યો હતો. સાહેબજીની સાથે બહારગામના ઘણા ભાઈઓ પઘારેલ હતા, અને શેઠ શ્રી ઝવેરભાઈના મકાનમાં ઉતારો હતો. તે વખતમાં મારી નાની ઉંમર હતી. આશરે પંદર વર્ષની હતી. હું કેટલાંક છોકરાઓ સાથે હમેશાં બાળચેષ્ટા રમતો હતો. તે રસ્તા પર થઈને સાહેબજી હમેશાં બહાર ફરવા માટે પઘારતા હતા. સાહેબજીની સાથે કેટલાક ભાઈઓ જતા હતા. સાહેબજી જ્યારે ફરવા માટે પઘારે ત્યારે અમો બંઘા છોકરાઓ સાહેબજીની પૂંઠે પૂંઠે સાહેબજી જે સ્થળે જાય ત્યાં જતા હતા.
સાહેબજી સન્મુખ છોકરાઓ શાંતપણે બેઠા. એક દિવસ તે વિષે સાહેબજી બહાર ફરવા માટે પઘારતા હતા, સાથે પાંચ-સાત ભાઈઓ હતા અને અમો છોકરાઓ રસ્તા પર રમતા હતા. સાહેબજીને જતાં દેખી અમો સર્વ છોકરાઓ સાહેબજીની પૂંઠે પૂંઠે ગયા. કેટલેક દૂર ગયા બાદ સાહેબજી વીજળીમાતાના વડ નીચે બિરાજમાન થયા. ત્યાંથી સર્વે ભાઈઓ તથા અમો સર્વે છોકરાઓને ચાલ્યા જવાનું સાહેબજીએ ફરમાવ્યું. સાહેબજીની આજ્ઞા થતાં જ સર્વે ભાઈઓ ચાલ્યા ગયા અને અમો સઘળા છોકરાઓ ત્યાં જ ઊભા રહ્યા. પછી સાહેબજીએ જણાવ્યું કે છોકરાઓ, બેસો બેસો. પછી અમો સર્વે છોકરાઓ શાંતપણે અદબ પલાંઠી વાળીને બેઠા.
હવે અમે કહીએ તે સાંભળો ત્યારપછી સાહેબજીએ અમો સર્વ છોકરાઓને જણાવ્યું કે છોકરાઓ, તમોને વાર્તાઓ કહેતાં આવડે છે? ત્યારે અમોએ કીધું કે હાજી, આવડે છે, પણ નાની નાની વાતો શીખ્યા છીએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે અનુક્રમે દરેક જણ જેને જે વાત આવડતી હોય તે કહો.
ત્યારે પ્રથમ મેં વાર્તા કહેવી શરૂ કરી. તે એવી વાર્તાઓ હતી કે જે પ્રમાણે ઉખાણાઓ કહેવાય છે તે પ્રમાણે કેટલાંક ઉખાણાઓ બોલતો હતો અને તે દરેક ઉખાણાનો જવાબ સાહેબજી તુરત જ જણાવી દેતા હતા. એ પ્રમાણે દરેક છોકરાઓ અનુક્રમે બોલ્યા હતા ત્યાર પછી સાહેબજીએ અમોને જણાવ્યું કે હવે અમો કહીએ તે સાંભળો. પછી સાહેબજીએ કહેવાનું શરૂ કર્યું હતું. તે નીચે પ્રમાણે જણાવું છું –
સાહેબજીએ જે પ્રમાણે વાર્તાઓ કહેલી તે હાલમાં જે સ્મૃતિમાં રહેલ તે અત્રે નીચે જણાવું છું. તે વાર્તા માંહે ગંભીર આશયો હેતુઓ સમાયેલા છે તે હાલમાં સ્મૃતિમાં આવતાં કોઈ અંશે મને સમજાય છે.