________________
૨૪૨
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
કૃપાળુદેવના માર્મિક વચનથી હુક્કાનો ત્યાગ
સં.૧૯૫૪માં જ કાવિઠામાં એક વખત પરમકૃપાળુદેવ ઝવેરશેઠના મકાનની સીડી ઊતરીને નીચે આવતા હતા, ત્યારે ઝવેરશેઠ હુક્કો ભરતા હતા. પરમકૃપાળુદેવે પૂછ્યું, ‘આ તમને કડાકૂટ નથી લાગતી.' સહજ ટકોરરૂપ આજ્ઞાને ઝવેરશેઠે ઝડપી લીઘી અને તે ઘડીથી જ તમાકુનું વ્યસન હતું તેનો તુરત જ ત્યાગ કર્યો.
બે લાખના પરિગ્રહ પરિમાણની આજ્ઞા
એક વખત પરમકૃપાળુદેવે શેઠને જણાવ્યું કે “પૈસો ગમે ત્યારે આવશે; નામનો મોહ રાખવો નહીં.’’ આમ કરી બે લાખના પરિગ્રહ પરિમાણની આજ્ઞા કરી. જે શેઠશ્રીએ પાળેલી અને લક્ષ્મીનો વઘુ ઉપયોગ લોકોને મદદ કરવામાં, લોકોની સેવા કરવામાં કર્યો. તથા આજુબાજુના દૂર સુધીના ગામોમાં પણ તેઓની આબરૂ એક નિષ્ઠાવાન નગરશેઠ તરીકેની પ્રસરી હતી અને બધા તેમને દાજી તરીકે બોલાવતા હતા.
પરમકૃપાળુદેવની હાજરીમાં બનેલ બે પ્રતિમાજી
પરમકૃપાળુદેવનો અપૂર્વ બોઘ વખતોવખત સાંભળ્યા પછી તો તેઓને પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ હતી. અને તેથી જ સૌ પ્રથમ તેઓએ પરમકૃપાળુદેવના આરસના બે પ્રતિમાજી ૧૦૮ વર્ષ પહેલા ભરાવેલા હતા. જે પરમકૃપાળુદેવે પણ જોયા હતા. હાલ એક પ્રતિમાજી શેઠના ઘરમાં બિરાજમાન છે અને એક બીજા પ્રતિમાજી ઘંટીયા પહાડ, શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન, ઈડરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. શેઠશ્રીએ પોતાના ઘરની અંદર મેડીની ભીંતો ઉપર વચનામૃતના વચનો લખાવરાવ્યા હતા. જે આજે પણ વિદ્યમાન છે.
શ્રી કસ્તુરચંદ મણિલાલ શાહ
(તેમણે લખાવેલ કાવિઠાનો પરિચય)
સંવત્ ૧૯૫૨ના શ્રાવણ વદ-૧ના રોજ પ્રથમ વખત પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કાવિઠા ગામે પધારેલા અને દશ દિવસની સ્થિરતા કરી હતી.
શ્રીમદ્ભુએ કાવિઠા જવાની હા પાડી
શ્રીમદ્ભુને મુંબઈથી કોઈ એકાંત સ્થળે આત્મહિતના અર્થે પેટલાદની આજુબાજુના નાના ગામમાં એકાંતવાસમાં થોડો વખત સ્થિરતા કરવા માટેનો વિચાર હતો. તે સંબંધી ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈને પત્રથી લખી જણાવેલ કે પોતે અમુક સમયે પેટલાદ સ્ટેશને ઊતરવાના છે. પૂ.અંબાલાલભાઈ સમયસર ખંભાતથી પેટલાદ સ્ટેશને આવી ગયા હતા. શ્રીમદ્ભુએ પેટલાદ ઊતર્યા પછી પૂ.અંબાલાલભાઈને પૂછ્યું કે ક્યાં જઈ સ્થિરતા કરવાનો વિચાર રાખ્યો છે? એટલે તેમણે કાવિઠા, ધર્મજ તથા બોચાસણ ત્રણ ગામોના નામ શ્રીમદ્ભુને જણાવ્યા અને કહ્યું કે ધર્મજ તથા બોચાસણમાં ઘર્મશાળામાં રહેવાની સગવડતા કરેલી છે અને કાવિઠામાં એક સગૃહસ્થને ત્યાં સગવડ થયેલ છે; ત્યારે કાવિઠાની હા પાડી. એટલે પૂ.શ્રી અંબાલાલભાઈ કાવિઠા જવા માટે વાહનનો બંદોબસ્ત કરી આવ્યા.