________________
૨૩૭
શ્રીમદ્ અને શ્રી જ્ઞાનવિમળસૂરિ પરમકૃપાળુદેવ પાસે જઈને આજ્ઞા મેળવી આવીએ. પરમકૃપાળુદેવ કેશવલાલ કોઠારીના મુકામે સૂતા હતા ત્યાં ગયા અને આજ્ઞા માગી, ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ તમારા માટે કહેલ નથી; તમો સુખેથી સંવત્સરી સુધી રહો. પછી અમો સંવત્સરી સુધી રહ્યા અને તેના બીજા દિવસે ત્યાંથી જવાના હતા તેથી દર્શન કરવા માટે ગયા. તે વખતે અમોને પરમકૃપાળુદેવે જણાવ્યું કે ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં અને શ્રી મહાવીર દેવમાં કાંઈપણ ફેર નથી, ફક્ત આ પહેરણનો ફેર છે એમ કહી પહેરણ ઊંચું કરી દેખાડ્યું. તે વખતે અંઘારું હતું છતાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે જાઓ, હવે પાંચ જ મિનિટની વાર છે. મગનલાલ વકીલને અમારા માટે ટીકિટ લઈ ગાડીએ બેસાડવાની પહેલાં આજ્ઞા કરી હતી. જેથી અમો સ્ટેશને ગયા ત્યારે ટીકિટ લીઘેલી હતી. તે લઈ ગાડીમાં પગ મૂક્યો કે ગાડી ઉપડી. પરમકૃપાળુદેવ પ્રત્યે વિશેષ દૃઢ પ્રતીતિ થઈ. પછી ફરીથી સમાગમનો લાભ મળ્યો નથી. એજ, ઉપર પ્રમાણે સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે.
શ્રી જ્ઞાનવિમળસૂરિ
જે આત્મામાં છે તે જ મહામુનિ છે' સંવત્ ૧૯૪૯માં ખંભાત સ્થિરતા દરમ્યાન અત્રેના જૈનોમાં અગ્રગણ્ય શેઠશ્રી પોપટચંદ અમરચંદભાઈની વિનંતીથી પરમકૃપાળુ શ્રી જૈનશાળાએ પઘાર્યા હતા. ત્યાં શ્રી જ્ઞાનવિમળસૂરિ પોતાના શિષ્યગણ સહિત બિરાજતા હતા. તેઓશ્રી સાથે શ્રીમજીનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તે વખતે આચાર્યશ્રીના કોઈ શિષ્ય શ્રીમદ્જીને પૂછ્યું કે “આપ કયા ગચ્છમાં છો?” ત્યારે શ્રીમદ્જીએ જણાવ્યું કે, “અમે આત્મામાં છીએ.” આ ઉત્તરથી શ્રી જ્ઞાનવિમળસૂરિ ઘણા પ્રભાવિત થયા હતા અને જણાવ્યું કે “જે આત્મામાં છે તે જ મહામુનિ છે.”
શ્રી મુનદાસ પ્રભુદાસ
સુણાવ
શ્રી સદ્ગુરુ શરણાય નમઃ મોક્ષને યોગ્ય પુરુષાર્થ કરે તો આજે પણ મોક્ષ થાય સંવત્ ૧૯૫૪માં આણંદમાં પરમકૃપાળુદેવની સેવામાં દર્શનનો લાભ અમને બીજે દિવસે બપોરના બાર ઉપર અઢી ત્રણની અંદર મળ્યાથી પરમ આનંદ થયો હતો. પરમકૃપાળુદેવની મહા વૈરાગ્યદશા જોઈ ચકિત થઈ ગયો હતો. તે વખતમાં સંદેશરવાળા જીજીભાઈએ પ્રશ્ન કર્યો કે હાલ મોક્ષ છે કે નથી? તેનું કૃપાળુદેવે યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું. હાલ મોક્ષ છે. ગમે ત્યારે કર્મથી અબંધ થાય તે પણ મોક્ષ કહેવાય. તથા કર્મથી સર્વથા મૂકાવું, તે મોક્ષ નિર્વાણ કહેવાય. પણ આજના પંચમ આરામાં પુરુષોનો બોઘ સાંભળવો મહા દુર્લભ છે, આજના કળિયુગની મહિમાથી તથા અલ્પ આયુષ્યથી અને પુરુષાર્થ શક્તિ નહીં હોવાને લીધે હાલ સર્વથા મોક્ષ નથી.