________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૨૮ લગભગ એક મહિનો પ્રેમ ખુમારીની અસર પરમકૃપાળુદેવના દર્શન કરી ખંભાત આવ્યા પછી લગભગ એક મહિનો તે પ્રેમની
ખુમારી ચાલી અને જગતથી ઉદાસીનવૃત્તિ રહી હતી. તેવી વૃત્તિ હવે આજે જોવામાં આવતી નથી. તે વખતનો ઘક્કો કેટલાંક સમય સુધી રહ્યો હતો.
ઉતારો કરાવેલ સંવત્ ૧૯૬૯ના ચૈત્ર વદ ૯ને બુઘવારે.
શ્રી છોટાલાલ છગનલાલ
ખંભાત શ્રી ખંભાત નિવાસી ભાઈશ્રી છોટાલાલ છગનલાલ પરમકૃપાળુદેવના સમાગમમાં આવ્યા તે પ્રસંગે જે જે કાંઈ વાતચીત ખુલાસા થયેલ તે પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. હાલ તેઓની ઉંમર ૧૬ વર્ષની છે.
અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી સંવત્ ૧૯૪૬ આસો વદ ૧૪ અથવા ૦))ના દિને ભાઈશ્રી અંબાલાલ લાલચંદના મુકામે પરમકૃપાળુદેવના દર્શન થયા હતા અને કારતક સુદ ૧ના દિવસે શા પોપટલાલ અમરચંદને ત્યાં ઘણા આગ્રહપૂર્વક વિનંતી થવાથી ચાહ પાણી વાપરવા માટે પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું તથા ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી ત્રિભોવનભાઈ વગેરે ભાઈઓ સાથે ગયા હતા. તે વખતમાં શા પોપટલાલ અમરચંદના મકાનની પાસે જૈનશાળા છે. તે જૈનશાળામાં મુનિશ્રી નીતિવિજયજી તથા તેમના શિષ્ય હરખવિજયજી તથા દીપવિજયજી હતા.
તે વખતે પરમકૃપાળુદેવને મુનિશ્રી નીતિવિજયજીએ જણાવ્યું કે આપ શું ઘર્મ પાળો છો? તે ઉપરથી પરમકૃપાળુદેવે જવાબમાં જણાવ્યું કે અમો જૈનઘર્મ પાળીએ છીએ. તે ઉપરથી તેમના શિષ્ય દીપવિજયજીએ જણાવ્યું કે તપાનો કે હુંઢીયાનો પાળો છો? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી. ત્યારે દીપવિજયજીએ પ્રશ્ન કર્યો તો તમો કયો ઘર્મ પાળો છો? ત્યારે મુનિશ્રી નીતિવિજયજીએ તેમના શિષ્ય દીપવિજયજીને જણાવ્યું કે હવે તો શું પૂછો છો? એ તો બન્ને પક્ષથી જુદો જવાબ આપે છે ત્યારે હવે પૂછવા જેવું નથી. તે પરથી તે વાત બંઘ રાખી. ત્યારબાદ ભાઈશ્રી પોપટલાલ અમરચંદના મકાનમાં ચાપાણી વાપરવા માટે પઘાર્યા. ત્યાં ચાપાણી વાપરી ભાઈશ્રી અંબાલાલભાઈના મુકામે પધાર્યા હતા.
આ પુરુષ પરમાર્થમાર્ગને પામેલા છે. ત્યારબાદ સંવત્ ૧૯૪૯માં હું મુંબઈ ગયેલ. મુંબઈમાં શા. ભાયચંદ કુશલચંદ ખંભાતવાળાની પેઢીમાં ઉતર્યો હતો. ત્યાંથી હું પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે તેમની પેઢીએ ગયો. ત્યારે પરમકૃપાળુદેવ ઘણો જ બોઘ કરતા હતા. ત્યાં ઘણા ભાઈઓ પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા અને ઘણી ઘણી શાસ્ત્ર સંબંધી વાતો તે પુરુષોની સાથે નિસ્પૃહરૂપે કરતા હતા. તે વાતો સાંભળવાથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે દ્રઢ નિશ્ચય થયો કે આ પુરુષ કોઈ પરમાર્થમાર્ગને પામેલા છે એવી ખાતરી થઈ.