________________
૨૨૫
શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈજીભાઈ
ટીપમાં ભરો. ત્યારે મેં જણાવ્યું કે શ્રી વઢવાણ કેમ્પમાં શ્રી પરમકૃત પ્રભાવક મંડળની ટીપમાં રૂ.૧૦૧/- ભરેલા છે, માટે આ વખતે આટલી મોટી રકમ નહીં પોષાય. ત્યારે આ સાહેબજીએ જણાવ્યું કે અમારું જે કાંઈ કહેવું થાય તેમાં બીજો વિચાર નહીં કરતાં યોગ્ય જ માની લેવું. ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે તથાસ્તુ. એમ બોલી સાહેબજીના જણાવ્યા પ્રમાણે ટીપમાં ભર્યા હતા. ત્યારબાદ ખંભાતના બીજા સર્વે ભાઈઓ તરફથી ભરાયા હતા.
પાણીની પરબની જેમ અનેક સ્થાન ઊભા કરવાની ભાવના ત્યારબાદ શ્રી અમદાવાદવાળા ભાઈશ્રી પોપટલાલભાઈએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે પણ આ ટીપમાં ભરવાની ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “હાલ તો પ્રથમ પહેલું સ્તંભતીર્થમાં સ્થાપના કરવા વિચાર ઘારેલ છે, માટે આ વખતે તો ખંભાતવાળા ભાઈઓ તરફથી ભરાવવા દો. બાદ પાણીની પરબોની માફક કેટલાંક સ્થાનો પર સ્થાપન કરવા વિચાર છે. જ્યારે અમદાવાદમાં સ્થાપન કરવાનું થાય ત્યારે તમારી ઇચ્છાનુસાર ભરજો.”
મૂળરકમ કાયમ રહે તેવી વ્યવસ્થા કરવી ત્યારબાદ સાહેબજીએ જણાવ્યું હતું કે “સુબોઘક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંઘાવવું તે વિષે ભલામણ કરી હતી કે તે મકાન એવા સ્થાન પર જોઈએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તેવા સ્થાન પર તથા દિશા-પાણીની સગવડતા હોય. પુસ્તકોજીની ગોઠવણી માટે કબાટો રાખવા તથા મૂળરકમ કાયમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું વગેરે ભલામણ કરી હતી.
જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ઘન એ કચરો છે સાહેબજીએ જ્યારે ટીપમાં ભરવા માટે આજ્ઞા કરી હતી અને હું તેટલી રકમ ભરવામાં પ્રથમ સહજ અચકાયો હતો તે વખતે સાહેબજીએ જણાવ્યું હતું કે “અમો જે કાંઈ જણાવીએ તે યોગ્ય જ માની તેમ જ કરવું. કોઈની પાસે પાશેર કચરો વઘુ હશે અને કોઈની પાસે પાશેર કચરો ઓછો હશે પરંતુ તમારે તે તરફ દ્રષ્ટિ કરવાની જરૂર નથી. અમારા લક્ષમાં છે કે આ બઘાઓની પાસે તમારા કરતાં અધિક પૈસા છે. તે સઘળું અમારા જાણવામાં છે, છતાં અમોએ તમોને જણાવ્યું છે તો તેમાં બીજો વિકલ્પ કરવાની જરૂર નથી.” એમ જણાવ્યું હતું.
મુનિશ્રીના દર્શન કરીને જજો' જ્યારે અમો અમદાવાદથી ખંભાત આવવાના હતા ત્યારે સાહેબજીએ અમોને ભલામણ કરી કે “મુનિશ્રીના દર્શન કરીને જજો.” ત્યારે અમોને વિચાર થયો કે અત્યારે રાત્રિનો વખત છે માટે શી રીતે જઈ શકાશે? સાહેબજીનાં દર્શન કરી ત્યાંથી ભાઈશ્રી પોપટલાલભાઈ ગયા અને તેમને અમોએ જણાવ્યું કે મુનિશ્રીના દર્શનાર્થે જવું છે, માટે અમોને એક ગાડી કરી આપો. ત્યારે અમોને એક ગાડી કરી આપી. પછી અમો ગાડીમાં બેસી ગોમતીપુર દરવાજા બહાર જ્યાં મુનિશ્રી હતા ત્યાં ગયા. રાત્રિના વખતે જવું થવાથી આગમન થયા વિષેના મુનિશ્રીએ અમોને સમાચાર પૂછ્યા ત્યારે અમોએ સઘળું વૃત્તાંત કહી જણાવ્યું હતું. ત્યારબાદ અમો મુનિશ્રીના દર્શન કરી ગાડીમાં બેસી સ્ટેશન પર ગયા. ત્યાં સુઈ રહ્યા અને સવારની ટ્રેનમાં ખંભાત તરફ આવ્યા.