________________
૨૦૭
શ્રીમદ્ અને પોપટભાઈ ગુલાબચંદ
આટલા બઘા વર્ષો થયાં શું કર્યું? ત્યારપછી પરમકૃપાળુદેવ શ્રી અંબાલાલભાઈને ત્યાં પધાર્યા હતા. તે વખતે હું ? પણ હાજર હતો. ત્યાં પરમકૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈના પિતાશ્રી વકીલ લાલચંદભાઈને સમકિત સંબંધી કેટલીક વ્યાખ્યાઓ પૂછી હતી. લાલચંદભાઈએ તે વખતે કહ્યું કે તે સંબંધી હું કંઈ જાણતો નથી. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે આટલા બઘા વર્ષો થયાં શું કર્યું? પછી કૃપાળુદેવે સમક્તિ સંબંઘી કેટલોક બોઘ આપીને તેમના મનનું ઘણું જ સમાઘાન કર્યું હતું.
આવું જ્ઞાન તો કોઈ મુનિમાં નહીં હોય પરમકૃપાળુદેવ ગુપ્ત રહેવા પોતાને માટે વારંવાર કહેતા હતા. તેઓશ્રી નાસર પાસે લાલબાગના સામે તળાવ ઉપર સાંજના ફરવા જતા ત્યાં આગળ ઘણો જ બોઘ કર્યો હતો. તે વખતે મને બહુ પ્રેમથી નિશ્ચય થયો હતો કે આવું જ્ઞાન કોઈ મુનિમાં નહીં હોય. આ તો ખરેખર મહાત્મા છે. વળી મારા કરતાં મારા નાના ભાઈ નગીનદાસને તો બહુ જ નિશ્ચય થઈ ગયો હતો તે તેમની પાસેથી એક ઘડી પણ ખસતો નહોતો.
કોઈપણ જાતની લૌકિક વ્યવહારની વાત નહીં પરમકૃપાળુદેવ શ્રી નારેસર બિરાજમાન થયેલા. ત્યાં વારંવાર જોતાં કોઈપણ જાતની લૌકિક વ્યવહારની વાત જોવામાં આવતી નહોતી. એક સાઘારણ મુનિ હોય તે પણ વ્યવહારની વાત કરે અને આટલા બઘા સમાગમમાં વ્યવહારની કંઈપણ વાત નહીં જોવાથી તેમના જ્ઞાનીપણાની ઓળખાણનો મને નિશ્ચય આવતો હતો.
અનાસક્તભાવે ખાવા-પીવા-જમવાની રીત પરમકૃપાળુદેવ ત્રિભુવનભાઈને ત્યાં પણ જમ્યા હતા. તે વખતે હું ત્યાં હાજર હતો. તેમની ખાવાપીવા-જમવાની રીત જોતાં મને બહુ આશ્ચર્ય થતું કે આમને કેવા જ્ઞાની કહીએ? પરમકૃપાળુદેવ સાથે શ્રી સોભાગભાઈ, શ્રી ડુંગરશીભાઈ પણ પધાર્યા હતા. પ્રભાતે પરમકૃપાળુદેવ શ્રી મુંબઈ પઘાર્યા ત્યારે કંસારી સુઘી વલોટાવવા ગયા હતા. ત્યાં કેટલોક બોઘ કર્યો હતો. વકીલ લાલચંદભાઈ તે અરસામાં ગુજરી ગયા હતા.
કોઈ વખત નહીં સાંભળેલ એવો બોઘ પરમકૃપાળુદેવ શ્રી ઉદેલ પઘાર્યા ત્યારે હું ત્યાં ગયો હતો. ત્યાં લોકો સમાગમમાં આવ્યા હતા. તે વખતે શ્રી માણેકલાલ ઘેલાભાઈ, શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ વગેરે પણ ત્યાં હતા અને ખંભાતથી ઘણા લોકો આવ્યા હતા. પરમકૃપાળુદેવનો બપોરે ત્યાં બોઘ થતો. એ બોઘ એવો અપૂર્વ હતો કે કોઈ વખતે નહીં સાંભળેલા શબ્દો તેમની મુખમુદ્રાથી નીકળતા હતા. તે માંહેલો કેટલોક બોઘ વચનામૃતજીમાં આવી ગયો છે.
ઉપદેશમાં બીડી પીવાનો નિષેઘા પરમકૃપાળુદેવે બીડીનો નિષેઘ બોઘમાં બહુ કર્યો હતો. અને માણેકલાલભાઈએ બઘાને ફરજ પાડી બીડી પીવાની બંઘ કરાવી હતી. તે વખતે મેં પણ બીડીનો ત્યાગ કર્યો હતો.