________________
૨૦૫
શ્રીમદ્ અને કીલાભાઈ ગુલાબચંદ
જીવને માહાત્મ્ય લાગે છે. એવા આશયમાં કૃપાળુદેવ પ્રકાશતા હતા. આથી મને લાગ્યું કે આ બહુ નિઃસ્પૃહ પુરુષ જણાય છે.
૫૨મકૃપાળુદેવના દર્શન અને વચનામૃતથી કલ્યાણ
મેં હૂંઢિયાકુળના આગ્રહના કેટલાંક પ્રશ્નો પૂછવા માટે નક્કી કરેલા. પણ તહેવારના (ગોકુલ અષ્ટમીના) દિવસે આઠ નવ વાગે મારા પૂછ્યા વગર સ્વાભાવિક ઉપદેશમાં જ તેના ખુલાસા કરી દીધા. તેથી મને આશ્ચર્ય લાગ્યું કે આ બહુ જ્ઞાની મહાત્મા જણાય છે કે જેમણે મારા મનની વાત જાણી. હું તેમની મુખમુદ્રા વખતોવખત જોયા કરતો હતો.
એક વખત કૃપાળુદેવે મને પૂછ્યું કે “તમો શું સમજીને અહીં આવ્યા છો?’’ મેં જવાબ દીધો કે મારા કલ્યાણ અર્થે આવ્યો છું. ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે “અમારાથી તમારું કલ્યાણ થશે એની શી ખાતરી? આથી મેં કહ્યું આપના દર્શન અને વચનામૃતોથી ખાતરી થઈ છે કે આપથી જ મારું કલ્યાણ થશે. આ એક ભવ અમને સોંપી દો
કૃપાળુદેવ બોલ્યા—તમને અમારા ઉપર વિશ્વાસ આવશે? અમો કહીએ તેમ કરશો? મેં જવાબમાં કીધું કે હાજી.
કૃપાળુદેવ—અમો તમને સંન્યાસીનો વેશ પહેરાવીશું તો તમો પહેરશો? લખનાર—હાજી, સાહેબ. કૃપાળુદેવ કહે—તમને તે ગમશે? લખનાર—મારા કલ્યાણ માટે આપ જે બતાવો તે યોગ્ય જ હશે. કૃપાળુદેવ બોલ્યા કે “અનંત કાળ થયા જીવે નકામા જન્મો ખોયા છે. માટે આ ભવ તમો અમને સોંપી દો.’’ લખનાર—મેં કહ્યું આ દેહ આપને સોંપ્યો છે.
એક શબ્દ બોલતાં જ બધા ચૂપ થઈ ગયા
બીજે દિવસે કૃપાળુદેવ મુંબઈ પધાર્યા હતા. સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા; પણ બિલકુલ સામું જોયું ન હતું; તીવ્ર વૈરાગ્યવાન મુખમુદ્રા રહેતી હતી. ત્યાં એક ડબ્બામાં મોટા અધિકારીઓ તથા તેના કુટુંબની સ્ત્રીઓ સેકંડ ક્લાસમાં બેઠેલા હતા. મેં બારણું ઉઘાડવા માંડ્યું તો તેઓ ન બેસવા દેવા તકરાર કરવા લાગ્યા. એટલામાં કૃપાળુદેવ ત્યાં આવ્યા અને તેમની સામું જોઈ બોલ્યા કે ‘કારણ?’ એટલો એક શબ્દ બોલતાં જ તેઓ ચૂપ થઈ ગયા અને કૃપાળુદેવ તે ડબ્બામાં પધાર્યા. મને લાગ્યું કે અહો ! આમના યોગબળનો પ્રતાપ કેવો છે? ત્યારબાદ કૃપાળુદેવ મુંબઈ પઘાર્યા અને અમો સર્વ મુમુક્ષુઓ સ્ટેશન ઉપરથી પાછા ફર્યા. આ કોઈ દેવપુરુષ છે
મને કૃપાળુદેવના વિરહથી આંખમાં આંસુ આવવા લાગ્યા. સર્વ દિશાઓ શુન્ય જેવી લાગવા માંડી. જ્યાં જોઉં ત્યાં, જે ઓરડીમાં કૃપાળુદેવ બિરાજ્યા હતા તે ઓરડી અને કૃપાળુદેવ એમ બે જ દેખાતું હતું. ઝાડ, જાનવર આદિ કોઈ પદાર્થ દેખું તો પ્રથમ કૃપાળુદેવ, ત્યારપછી તે વસ્તુ દેખાતી. એમ મને લગભગ પાંચ દિવસ સુધી રહ્યું હતું. ત્યારપછી તેમાં કમી થવા લાગી. એમ કરતાં કરતાં પંદર દિવસે તે દેખાવું બંધ થઈ ગયું હતું. આ પ્રકારના આશ્ચર્યને લઈને મારા અંતઃકરણમાં કોઈ ઓર જ છાપ પડી ગઈ અને મને લાગ્યું કે આ કોઈ દેવપુરુષ છે.