________________
૧૧
શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ
શ્રીમન્ની નિસ્પૃહતા કચ્છ દેશના તે વખતના દીવાનસાહેબ મણિભાઈ જશભાઈ જ્યારે જ્યારે ગુજરાતમાંથી કચ્છમાં જતા અને કચ્છમાંથી ગુજરાતમાં આવતા ત્યારે ત્યારે વવાણિયા મુકામે કચ્છના ઉતારામાં શ્રીમદ્ બોલાવતા અને પ્રસંગોપાત વાતચીત કરતા તેમજ ચર્ચા પણ કરતા અને શ્રીમદ્ભી બુદ્ધિથી ઘણા ખુશી થતા હતા. અને માંગણી કરતા હતા કે તમો કચ્છમાં આવો તો હું તમને વર્ષાસન કચ્છ દરબાર તરફથી બંધાવી આપીશ, પણ શ્રીમન્ની ઇચ્છા નહીં હોવાથી તે બંધ રહેલ.
બાળવયમાં ઘર્મસંબંઘી માર્મિક વ્યાખ્યાન એક વખતે મણિભાઈ જશભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. કચ્છ દેશ તરફ પઘારવા માટે ઘણા આગ્રહપૂર્વક સાહેબજીને વિનંતી કરી. જેથી સાહેબજી કચ્છ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં સાહેબજીએ ઘણા લોકો મધ્યે ઘર્મસંબંધી વ્યાખ્યા કરી ભાષણ આપ્યું હતું. જેથી કચ્છના લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં આવા કાર્યો કરે છે તો આગળ પર મહાપ્રતાપી તેમજ યશવાન નીવડશે.
બાળવયમાં રામાયણ અને મહાભારતની સમજાવટ રામાયણ અને મહાભારત વાંચવાનો તેઓશ્રીને બાળવયથી જ શોખ હતો. તે કારણને લીધે તેઓશ્રી વજાભગતની મઢીમાં જતા અને તે ભગત પાસેથી રામાયણ અને મહાભારતની ચોપડી લઈને વાંચતા અને ભગતને તેનો અર્થ સમજાવતા હતા. ઉંમર આશરે ૧૧-૧૨ વર્ષની હતી.
તમારો દીકરો દૈવી પુરુષ એક વખતે મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયા હતા. સાહેબજી પણ ત્યાં હતા. તે સમયે તેમની ઉંમર નાની હતી. ત્યાંના કેટલાક લોકોએ ઘણા જ આગ્રહપૂર્વક વિનંતી કરી કે અમોને અવઘાન કરી બતાવો, જેથી સાહેબજીએ અષ્ટાવઘાન કરી બતાવ્યા હતા. આ ચમત્કૃતિ જોઈને મારા પિતાશ્રી તો તાજુબ બની ગયા હતા. રાત્રે જ્યારે શ્રી વવાણિયા બંદરે આવ્યા કે તુરત જ પરમકૃપાળુદેવના પિતાશ્રી પાસે ગયા. મકાન બંઘ હતું, જેથી સાંકળ ખખડાવી બારણું ઉઘડાવ્યું અને તેમને કહ્યું કે તમારો દિકરો તો કોઈ એક દેવપુરુષ જાગ્યો, મોરબીમાં ગજબ કરી નાખ્યો વગેરે અનેક વાતચીત કરી હતી.
અવઘાનની જોયેલ અદ્ભુત ચમત્કૃતિ સાહેબજી જ્યારે લઘુવયના હતા ત્યારે એક વખતે મોરબીથી અવઘાન કરીને શ્રી વવાણિયા બંદરે પધાર્યા ત્યારે મેં સાહેબજીને કીધું કે તમો બીજે ઠેકાણે ચમત્કૃતિ બતાવો છો અને મને તો કાંઈપણ બતાવતા નથી, માટે આજે તો જોવા ઇચ્છા છે. ત્યારે સાહેબજી સહજ હસમુખે બોલ્યા કે તેમાં શું આશ્ચર્ય છે? તમે તમારા મનમાં ગમે તેટલા આંકડા ઘારો અને તેના તમામ આંકડાઓ ગમે તે પ્રકારે ત્રુટક ત્રુટક બોલી જાઓ. જેથી હું એક વખત સત્તાવીસમો અને એકવખત સત્તરમો, બીજી વખત પિસ્તાલીસમો તો ત્રીજી વખત આઠમો એવી રીતે દરેક આંકડાઓ બોલી ગયો. સાહેબજી તુરત જ તમામ આંકડાઓ અનુક્રમે ગોઠવણીથી બોલી ગયા જેથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું અને સાહેબજીમાં અદ્ભુત ચમત્કૃતિ છે એમ થયું, પણ સાહેબજી જ્ઞાનીપુરુષ છે તેવી ઓળખાણ મને ત્યારે થઈ નહોતી.