________________
શ્રીમદ્ અને છોટાલાલ માણેકચંદ
ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા અને વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય!
૧૯૯
શ્રીમાન્ મહાવીર સ્વામી શરીરે આવા હતા
સંવત્ ૧૯૫૦માં હું મુંબઈ ગયો ત્યારે રેવાશંકર જગજીવનની પેઢી ગોડીજીના દેરાસરની ચાલીમાં હતી. પરમકૃપાળુદેવની વીતરાગતા મને અદ્ભુત ભાસતી હતી. તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચર્નીરોડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપ હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા ત્યારે કૃપાળુદેવે કહ્યું, “શ્રીમાન્ મહાવીર સ્વામી પણ શરીરે (આંગળીના ઈશારાથી બતાવ્યું) આવા હતા અને આવી જમીનોમાં, પુઢવી શીલાઓ પર બેસતા હતા.’’ વળી ચર્નીરોડની બહાર કહ્યું કે “જેવી વૃત્તિ જીવો કરે છે તેવી વૃત્તિરૂપ તેઓ બને છે અને તેવી જ વૃત્તિઓ સ્ફુર્યા કરે છે.’’ આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી દીધી છે
સાહેબજીની અદ્ભુત વૈરાગ્ય દશા–વીતરાગતા આજે પણ સ્મૃતિમાં આવે છે, પણ વાણીમાં કહી શકતો નથી, તેમ લખવા સમર્થ નથી. એક વખત મુંબઈમાં દિગંબર મંદિર શ્રી શાંતિનાથના દેરાસરે સાહેબજી સાથે હું તથા ત્રિભોવનભાઈ ગયા હતા. દેરાસરના મેડા પર જઈને અમો બેઠા. પરમકૃપાળુદેવ શ્રી કુંદકુંદસ્વામીનો રચેલો ‘સમયસાર’ વાંચવા લાગ્યા. લગભગ સાંયકાળનો વખત થતાં કૃપાળુદેવ તે પુસ્તક બંઘાવી મૂકી ઊભા થયા. અમો બન્ને ઊઠ્યા અને બાજુના હૉલમાં શ્રી શાંતિનાથ ભગવાનનાં પ્રતિમાજી હતાં ત્યાં દર્શન કરવા ગયા. હું સમીપ જ ઊભો હતો. મને સાહેબજીએ વાંસાની બાજુએથી બન્ને કર ગ્રહી સંબોધીને કહ્યું : “જુઓ ! જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી દીધી છે.’’ તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યો હતો, અને દેહ આત્માનું ભિન્ન સ્વરૂપ તાદૃશ્ય થયું હતું. અહો! સાહેબજીનો કેટલો બધો અનંત ઉપકાર !
સંપૂર્ણ રાગદ્વેષ ગયા વિના પરમાત્માપણું પ્રગટે નહીં
મુંબઈથી ખંભાત જતાં મારે સુરત ઊતરવાનું હતું. તે વખતે સાહેબજી ઉપર શ્રી લલ્લુજી સ્વામીનો પત્ર આવ્યો હતો. તેમાં એવો ભાવાર્થ હતો કે દેવકરણજીને યોગવાસિષ્ઠ વાંચતા અહંબ્રહ્માસ્મિપણું એટલે કે પોતામાં પરમાત્મપણાની માન્યતા થયેલી છે. તેનો ઉત્તર લખી સાહેબજીએ મને કહ્યું કે તમે આ વાંચી જીઓ. તેમાં ભાવાર્થ એમ હતો કે સંપૂર્ણ રાગદ્વેષ જાય નહીં ત્યાં સુધી પરમાત્માપણાનો સંભવ નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથમાં એ પત્ર ૫૮૮મો છે.
તેઓશ્રીએ તે પત્ર મને આપ્યો અને કહ્યું કે આ પત્ર સુરતમાં મહારાજને આપજો. હું સુરત ઊતર્યો અને મુનિશ્રીને પત્ર આપ્યો. મુનિ મહારાજે તે પત્ર મારી રૂબરુમાં વાંચ્યો. શ્રી દેવકરણજીને જે ખોટી માન્યતા થયેલી તેનું સમાધાન થયું, જે તેમણે એવા ઉદ્ગારોથી દર્શાવ્યું હતું. ત્યારપછી હું ખંભાત આવ્યો હતો. સાહેબજીના વચનામૃતો જાણે સાંભળ્યા જ કરીએ
ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઈ જતાં સં.૧૯૫૧ના આસો માસમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે સૌભાગ્યભાઈ અને ડુંગરશીભાઈ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશ ધ્વનિ ચાલતી તેથી