________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૧૬
મહારાજનું બનાવેલું બોલવા તેઓશ્રીએ આજ્ઞા કરી અને વારંવાર તે આઠ વખત બોલાવરાવ્યું. તેના અર્થ ઘોરીભાઈ પાસે કરાવ્યા. પછી એ જ સ્તવનના વિશેષાર્થ પોતે અલૌકિક કર્યા. ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બોલતા ગામ તરફ સિધાવ્યા.
“રાગીશું રાગી સહુ રે, વૈરાગી ગ્યો રાગ; રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મનરાવાલા.”
-શ્રી આનંદઘનજી કૃત નેમિનાથ સ્તવન મહાપુરુષોના પદ હૃદયવઘક વાણીમાં બોલતા ગામમાં આવ્યા અને “મનહરપદ'માંથી “જેનો કાળ તે કિંકર થઈ રહ્યો” એ પદ આકર્ષક અવાજે મોટા સૂરથી બોલતા હતા અને પ્રેમાવેશ દ્વારા બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદનો સંચાર થાય અને હૃદય પ્રેમ-પ્રવાહે છલોછલ ઉભરાઈ જાય, એવા આનંદ સહિત એક મકાન સુધી ધૂન ચાલી. તેઓશ્રીની પાછળ પાછળ અમે સાધુઓ તથા મુમુક્ષુઓ ગામમાં આવ્યા.
ઘર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પોષણ થાય એક દિવસે મોહનલાલજી ઉત્તરાધ્યયનજીમાંથી ભૃગુ પુરોહિતવાળું અધ્યયન ૧૪મું ઉપાશ્રયમાં વાંચી સમજાવતા હતા. તેમાં એક એવો પાઠ છે કે બ્રાહ્મણને જમાડવાથી જીવ તમતમામાં જાય. આ પાઠનું વાંચન કરતાં સંશય થયો એટલે આ બાબતમાં આપણે પરમકૃપાળુદેવને પૂછવું એમ ઘારી મોહનલાલજી તથા ઘોરીભાઈ અને અમે પરમકૃપાળુદેવને મુકામે ગયા. ઉત્તરાધ્યયનજીનો પાઠ બતાવ્યો. ત્યારે પોતે કહ્યું કે તમતમા એટલે અંધકાર. તે મિથ્યાત્વ છે. તેમાં જાય એટલે ઘર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પોષણ થાય. તેના પરિણામે જીવ અનંતકાળ પર્યત રખડે, તેમજ અનંતકાળ નરકાદિ ગતિઓમાં દુઃખ ભોગવે. તદુપરાંત વિવેચન કર્યું કે “સૂયગડાંગ'માં બ્રાહ્મણને બિલાડા જેવા કહ્યા છે. કારણ કે તેની વૃત્તિ બીજાનું લઈ લેવાને તાકી રહેલી હોય છે. તેથી તે રૂપે વર્ણન કર્યું છે.
આવો શાસ્ત્રનો પરમાર્થરૂપ ખુલાસો સાંભળવાથી સદ્ગુરુ વિષે પ્રતીતિ વૃદ્ધિપણાને પામી. અવિનય, અહંકાર, અર્ધદગ્ધતા અને સમૃદ્ધિ હોય તો સમકિત થાય નહીં
એક વખતે પ્રાસંગિક બોધ આપતાં કહેલું કે સમકિતીને આઠ મદ માંહેલો એક પણ મદ હોય નહીં, તેમજ જીવને ચાર દોષમાંથી એક પણ દોષ હોય ત્યાં સુધી સમકિત થાય નહીં. તે ચાર દોષો (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધતા અને (૪) રસવૃદ્ધિ એ છે. તેના સમર્થનમાં “ઠાણાંગ સૂત્ર'નો પુરાવો આપ્યો હતો.
જે આહાર માંસને વઘારે, પુષ્ટ કરે તે માંસ ખાવા બરાબર એક દિવસ પરમકૃપાળુદેવે અમને બોલાવ્યા, અમે મુનિઓ ત્યાં ગયા. નમસ્કાર કરી બેઠા. એટલે અમને બેસી રહેવાની આજ્ઞા કરી અને પોતે ઊભા થઈ મકાનમાં બારી બારણાં બંધ કરી દઈ, માત્ર અમે ત્રણ સાધુ અને પોતે એમ ચાર રહ્યા. આ વખતે અમને મુનિઓને ઉદ્દેશીને ઇન્દ્રિય નિગ્રહ સંબંધી અમાપ બોઘ કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વઘારે છે, તેવો શરીરને પુષ્ટ કરનારો આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બોઘની ખુમારી દીર્ઘકાળ સુધી રહી હતી.