________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૯૨
તેના અર્થ સમજાવો તો મને સમજણ પડે; ત્યારે કૃપાળુદેવ, ઠીક છે એમ કહી સ્વતઃ કૃપા કરી કોઈ અર્થ સમજાવતા અને પૂછતા કે જાઓ, આ શું કહ્યું? સુપચ્ચખાણ, દુપચ્ચખાણ
વિષે વ્યાખ્યા કહી હતી. ભર્તુહરિ-વૈરાગ્ય શતક પણ વાંચી સંભળાવ્યું હતું. એક દિવસ તેઓશ્રીની પાસે ભર્તુહરિ-શૃંગાર શતક પડેલું હતું, તે મેં પૂછ્યા વિના લીધું એટલે મસ્તક હલાવીને ના કહી અને બીજાં આપીશું એમ જણાવ્યું.
મુનિશ્રી દેવકરણજીની કૃપાળુદેવને મળવાની ઇચ્છા એક દિવસ ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા; તે કૃપાળુદેવના પરિચયમાં હતા. તેમને દેવકરણજી મુનિએ કહ્યું: “મેં શ્રીમને દીઠા નથી, તો તે અત્રે પથારે તો જોઉં તો ખરો કે તે કેવા પુરુષ છે.”
સુંદરલાલ કહે : “હું તેમને અહીં તેડી લાવીશ.” (કૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે દેવકરણજીનું ચોમાસું અન્યત્ર હતું તેથી સમાગમ થયેલો નહીં.)
મુનિશ્રી દેવકરણજી સાથે કૃપાળુ દેવનો વાર્તાલાપ એક દિવસ સુંદરલાલ સાથે પરમકૃપાળુદેવ ચિંચપોકલીના ઉપાશ્રયે નવ વાગ્યા પછી પધાર્યા. આ વખતે દેવકરણજી, હીરાજી, ચતુરલાલજી અને હું ચારે મુનિઓ હાજર હતા. તેઓશ્રીને દેખીને અમે પાટ ઉપરથી નીચે બેઠા.
પોતે બિરાજ્યા પછી સૂયગડાંગજીના પાનાં પૂઠામાં લાવીને આગળ મૂક્યા. તે સૂયગડાંગજીની લખેલી પ્રતમાં જુની અને ગુંદરના અક્ષરની લિપિ હોવાથી મૂળપાઠના અક્ષરો કેટલાંક ઊડી ગયા હતા, તેથી અર્થ બરાબર સમજી શકાતો નહોતો.
કૃપાળુદેવ બોલ્યા કે આ શું છે? દેવકરણજી મુનિ કહે સૂત્રો છે. કૃપાળુદેવ કહે કોનાં કરેલાં છે? દેવકરણજી મુનિ કહે–ભગવાનનાં કરેલાં છે. પરમકૃપાળુદેવ કહે–સૂત્રો તો ભગવાનના પછી ઘણા વર્ષે લખાયેલાં છે. દેવકરણજી મુનિ કહે—ગણધરોનાં કહેલાં છે, તે ભગવાનનાં જ વચનો છે. પરમકૃપાળુદેવ કહે–કેમ જાણ્યું કે ભગવાનનાં જ કહેલાં છે? તમે તેનો આશય શો વિચાર્યો છે? કે પાનાં જ ફેરવો છો?
ઊડી ગયેલા મૂળપાઠના અક્ષરો અને અર્થ કહી સંભળાવ્યો આ મર્મ નહીં સમજવાથી દેવકરણજી વગેરે ત્રણ જણની દ્રષ્ટિમાં એમ આવ્યું કે આ તો સૂત્રોને નથી માનતા. ત્યારે દેવકરણજીનો પગ દબાવી મેં સમસ્યાથી સમજાવ્યા, તેથી દેવકરણજી શાંત પડી સૂયગડાંગજીમાંથી પાનાં કાઢી ઊડી ગયેલો ભાગ બતાવી પૂછવા લાગ્યા કે અહીં કયા કયા અક્ષરો જોઈએ? અને તેનો શો અર્થ થાય છે? પરમકૃપાળુદેવે મૂળપાઠના અક્ષરો તથા તેનો યથાર્થ અર્થ કહી બતાવ્યો.
ગાથાઓમાં લેખનદોષ નથી, બરાબર છે; તેનો ભાવાર્થ સમજાવ્યો પછી મુનિ દેવકરણજીએ નીચેની બે સૂયગડાંગજીની ગાથાઓ બતાવી અને કહ્યું કે જ્યાં સફળ છે ત્યાં અફળ હોય અને જ્યાં અફળ છે ત્યાં સફળ હોય તો અર્થ ઠીક બેસે છે. તો આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે?