________________
માબાપ નિર્દોષ ન હોય અને બાળકની નિર્દોષતા જાળવવામાં તેમને ખૂબ રસ હોય તો ?
બાળદીક્ષા શબ્દ અહીં આવીને મળે છે. બાળકને, નિર્દોષતાનો વારસો આપી શકે તેવા આપ્તજન પાસે મૂકવા તે આપણા ધર્મની મૂળભૂત અપેક્ષા છે. માબાપને રંજ હોવો જોઈએ કે તે પોતે નિર્દોષતા નથી જાળવી શક્યા. નિર્દોષતા ગુમાવી તેને લીધે જે પારાવાર અજંપો અને અશાંતિ વેઠવા પડ્યા છે તે બાળકને વેઠવા ન પડે તેવી માબાપને ઝંખના હોવી જોઈએ. સંસાર તરફથી આવતાં પ્રલોભનો, આકર્ષણો અને સંઘર્ષો કે પ્રત્યાઘાતો આપણને બેચેન બનાવે છે તે સંસારનો વાંક નથી. એ વાંક આપણો છે. આપણે સંબંધોમાં સુખ માન્યું, સંપત્તિમાં સર્વસ્વ માન્યું અને સંસારના રવાડે ચડી બેઠા. જિંદગીના વરસો બધા જ પૂરા થઈ જશે પછી આ સંસારની નવી ગલીમાં ધકેલાવું પડશે. આપણી આતમા તરીકેની નિર્દોષતાને ઠોકર વાગતી જ રહેશે. રાગ અને રોષના જખમ લાગતા જ રહેશે. સંસાર માટેની કૂણી લાગણીને સારી માનવામાં જ આપણે ફસાયા છીએ. સાચું સમજે તેવા માબાપ પોતાના બાળકને પોતાની પાયમાલીનો વારસો ન મળે તે માટે ચોમેર નિરીક્ષણ કરે છે. યોગ્ય સ્થાને તે પોતાના બાળકની સોંપણી કરી દે છે. પરિવારજન તરીકેની પ્રીતિ કરતાં વધુ મહત્ત્વ એ બાળકની આત્મચિંતાને મળે છે. સાચા સદ્ગુરુના ખોળે બાળક બેસે છે. માબાપ પરમ સંતોષ પામે છે. બાળકને નિર્દોષતા ખીલવવાનો અવસર મળે છે. સદ્ગુરુ બાળકના આતમાને સ્પર્શે છે. છોડ ખીલતો હોય ત્યારે માળી જે માવજત કરે તેવી જ માવજત સદ્ગુરુ એના આતમાની લે છે. બહારની દુનિયાના કાળા ડાઘ ન લાગે તે માટે બાળકને એ નિર્લેપ રાખે છે. દુનિયા અને બાળકની વચ્ચે સદ્ગુરુ હોય છે. બાળક ભોળપણ તો જાળવે જ, પરંતુ ચાંય ભોળવાય નહીં તેની ચિંતા ગુરુને રહે છે. ગુરુ બાળકને લાગણી આપીને લાગણીવેડાથી બચવાનું શીખવે છે. ગુરુ બાળકને અભ્યાસ કરાવીને ચોક્કસ વિષયોપર કેન્દ્રિત થવા દે છે. વિચારોનું ચણતર થતું હોય તે ઉંમરે ગુરુ બાળકને અપરંપાર આદર્શો અને સોધ એકદમ સરળતાથી આપી દે છે. ગુરુ પોતાની શક્તિ એ બાળકમાં સિંચે છે. ગુરુ પોતાની સાધનાનું એ બાળકમાં અવતરણ કરાવે છે. ગુરુ બાળકને નિષ્પાપ રહેવાની પ્રચંડ તાકાત આપે છે. ગુરુ બાળકને શિષ્યમાંથી સાધક અને આરાધક તો બનાવે છે. સાથોસાથ એ બાળકને ભગવાનનો વારસદાર બનાવે છે. હજારો વરસોથી વહી આવતી પ્રભુધર્મની પરંપરાનાં અગણિત રહસ્યો એ બાળકનાં હૈયે સ્થિર થતાં જાય છે.
* ૪૫
બાળકની ઉંમર આગળ વધે છે. સમજણ ઉઘડતી જાય છે ત્યારે ગુરુએ આપેલા સંસ્કારો મહોરવા લાગે છે. બિયારણ થાય પછી વરસાદ પડે તો ખેતી સાર્થક થાય તેમ સંસ્કરણ થાય પછી સમજણ આવે તો જનમારો સાર્થક થાય. ઘરસંસારી માબાપના ખોળે ઉછરીને પૈસાનો વેપલો કરવાનું પાંગળું નસીબ એનું નથી હોતું. એનાં ભાગ્યમાં અગમનિગમના સાત સમંદર હોય છે. જનમજનમના ચકરાવામાંથી બહાર નીકળવાની સ્ફૂર્તિ એનાં ખાતે જમા હોય છે. બાળદીક્ષાનો આ મહિમા છે. સાધુતાની સાધના એટલે નિર્દોષતાની આરાધના. કોઈપણ ઉંમરે નિર્દોષતાની ખોજ શરૂ કરી શકાય. જો નિર્દોષતા આતમાનો સ્વભાવ હોય તો જિંદગીના છેલ્લા દિવસ સુધી એ નિર્દોષતા માટે મહેનત કરવી જ જોઈએ. મુશ્કેલી એ છે કે મોટા થઈ ગયા પછી દોષોનું જોર વધી જાય છે ત્યારે નિર્દોષતા માટે ખૂબ લડવું પડે છે. નાની ઉંમરે નિર્દોષતાની તલાશ શરૂ કરી હોય તો સાવ જ ઓછી મહેનતે એ નિર્દોષતા મળે છે.
બહારની દુનિયાના દરેક પ્રસંગો આપણાં મનને સારી કે માઠી અસર કરે છે. નિર્દોષતા સિદ્ધ થાય તો આ અસર પડે જ નહીં. નાનું બાળક આગને જુએ પણ ડરે નહીં તેમ સાધુ હોય તો કોઈપણ ઘટના આવી પડે તો પણ ચલિત ન થાય.
મન નાની નાની વાતોમાં નારાજ થતું હોય છે. અહંને ઠેસ વાગે. ગુસ્સો આવે. તિરસ્કાર જાગે. વિદ્રોહભાવ થઈ આવે. આ બધું નિર્દોષતાની ગેરહાજરીમાં જ સંભવે. સાધુનું મન તો મુક્ત આસમાન જેવું હોય છે. આકાશ કોઈના ટેકે રહેતું નથી અને કોઈનાથી ઢંકાતું નથી તેમ સાધુ કોઈ પામર વિચારોના ટેકે રહેતા નથી અને કોઈ નબળા વિચારોથી ઢંકાતા નથી.
નિર્દોષતાની મોટી મજા એ છે કે અપેક્ષાઓ નડતી નથી હોતી. ‘હા’ અને ‘ના’ આ બંને જવાબમાં મન સરખું રહે છે. ન માંગ હોય, ન પ્રતિકાર હોય. પોતાનો કક્કો જ ખરો ઠેરવવાની વૃત્તિ ગાયબ. બીજાની વાત સાંભળવાની ઉદારતા હોય અને એ વાત સમજવાની સમ્યક્ દૃષ્ટિ હોય.
નિર્દોષતાનું અજવાળું આતમા પાસે છે. જન્મ થયો ત્યારે એ તેજ નીખરી રહ્યું હતું. ઉંમર વધી. એ તેજની, એ સૂરજની પૂજા ન થઈ. આપણો આતમરામ સંસાર પાછળ ઝાંખો પડી ગયો. આપણા બાળકો માટે જાગીએ. પુત્રપ્રેમ કરતા આત્માની ચિંતાનું મૂલ્ય વધુ આંકીએ. એને સદ્ગુરુચરણે સોંપીએ. ઉગતા સૂરજની એ સાચી પૂજા છે.
૪૬.