________________
તે ભગવાન બને છે
જિંદગીની શરૂઆત આપણે એકલે હાથે કરી. જિંદગીનો અંત આવશે ત્યારે આપણે એકલા નીકળી પડીશું. વચગાળાના બધા જ વર્ષોમાં બીજા લોકોને મળતા રહીએ છીએ. આપણે બીજાને મળીએ છીએ અને બીજા આપણને મળે છે. મળવામાં ને મળવામાં જિંદગીનું પુરાણ ઘડાતું જાય છે. સંબંધની બાદબાકી કરીએ તો જિંદગીમાં બીજું કાંઈ બચતું નથી. જિંદગીના દરેક અનુભવો પર સંબંધની છાપ અંકાયેલી છે. જિંદગીને સારી બનાવવી હોય તો સંબંધની બાબતે જાગૃત બનવું પડે. તમારા સંબંધો કેટલા સારા છે અને સંબંધો કેટલા ખોટા છે તે પરથી જિંદગીનું મૂલ્ય અંકાય છે. ઘણા બધાની ઓળખાણ થઈ હોય તે સંબંધ ન કહેવાય. સંબંધનો મોભો જુદો છે. તમારા તરફથી બીજાને શું મળે છે તે સંબંધથી ઓળખાય. બીજા દ્વારા તમે શું અનુભવો છો તે સંબંધથી ખબર પડે.
સંબંધ બંધાય ત્યારે આપણે એકબીજાને લાગણીનો હિસ્સો આપીએ છીએ. લાગણીની સરહદે પગલાં મંડાય છે. જિંદગીને જો સારી બનાવી રાખવી હોય તો નક્કી કરી લેવું જોઈએ કે આપણા હાથે કોઈને હેરાન કરવા નથી. બીજાને હેરાન કરવામાં આપણને ખાસ મહેનત નથી કરવી પડતી. થોડા ખરાબ શબ્દો, એકાદ અનુચિત વહેવાર બીજાને હેરાન કરવા માટે કાફી છે. આપણા દ્વારા બીજો માણસ તકલીફ પામે તેમાં આપણી શોભા નથી. બીજાનું ખૂન કરવામાં પાપ છે તે જ રીતે બીજાને મુશ્કેલીમાં મૂકવા તેય પાપ છે. બીજાને બદનામ કરવામાં અને અપમાનિત કરવામાં આપણો ફાળો ચારેય ન હોવો જોઈએ. બીજાને બધું જ સારું આપવાનું અઘરું હશે, બીજાને થોડું ખરાબ ન આપવું જરાય અઘરું નથી. શું આપવું તે તમે નક્કી ન કરી શકો. શું ન આપવું તે તમે જરૂર નક્કી કરી શકો. તમારી નજદીકમાં જે હશે તેને જ તમારી તકલીફો પહોંચે છે. દૂરના માણસોને તમે ખાસ હેરાન નથી કરી શકતા. તમારાં ઘરમાં થતી બૂમાબૂમ પાડોશીને નડી શકે, દૂર રહેનારને કદી નહીં. સીધો હિસાબ છે, તમારા હાથે બીજાને તકલીફો પડે છે તે નજીકના માણસોને જ. સાવચેત થઈને નજીકના માણસોને તકલીફ આપવાનું બંધ કરી દો.
બીજાને તકલીફો આપવામાં આપણને મજા આવે છે. કેમ કે આપણે એવું સમજી લીધું છે કે બીજા મને તકલીફો આપે છે. બીજા આપણને તકલીફ આપે છે તે બીજાનાં નામે ચડેલી હોય છે. હકીકતમાં એ તકલીફ આપણા ભૂતકાળમાંથી આવી
• 34
હોય છે. આપણી પાછળ આપણો બહુ મોટો ભૂતકાળ છે. એ અતીતખંડમાં આપણે ઘણાને તકલીફો આપી હતી. આજે એ તકલીફો આપણી સામે આવી રહી છે. બીજાને દોષ દેવા જેવો નથી. આપણી સામે આવતી તકલીફો એમ કહે છે કે તમે ભૂતકાળમાં બીજાને ખૂબ હેરાન કર્યા છે. જેટલી વર્તમાનમાં તકલીફો વધુ તેટલો ભૂતકાળ વધુ ખરાબ. આજે આવતી તકલીફો તમારો બોજો હળવો કરવા આવી છે. ભૂતકાળનો હિસાબ ચૂકવાઈ રહ્યો છે. એ તકલીફોના સમયે આપણે નવી ભૂલો કરીશું, સામા માણસને નવી તકલીફો આપીશું તો આવતીકાલે મોંઘો હિસાબ કરવો પડશે.
સામો માણસ ખરેખર તકલીફ આપતો નથી. આપણું મન એ પરિસ્થિતિ સ્વીકાર નથી કરતું માટે તકલીફ બને છે. આપણું મન એ પરિસ્થિતિને સ્વીકારી લે તો તકલીફ કદી ન પડે. સામા માણસને ખરાબ કહેનારા આપણે કોણ ? બીજા માણસને પરેશાન કરવાનો આપણને શો હક ? જિંદગીનાં થોડાં વર્ષો મળ્યાં છે. બીજાની સાથે બગાડતાં જ રહીશું તો હાથ ખાલી રહી જશે.
ભગવાન કહે છે, બીજાનું બગાડે છે તે પોતાનું બગાડે છે. બીજાનું ઘણું બગાડ્યું છે. એમાં આખરદહાડે તો આપણને જ નુકશાન થયું છે.
હવે ફરક લાવી દેવો છે. આપણા દ્વારા કોઈને તકલીફ ન પહોંચે તેવો વહેવાર જોઈએ. કોઈપણ માણસ આપણને માનસિક રીતે પરેશાન ન કરી જાય તેવું આત્મબળ જોઈએ.
ભગવાનશ્રી મહાવીરદેવનો જીવનપ્રસંગ છે. દીક્ષા લીધા બાદ સંગમ નામના દેવે ભગવાનની ખૂબ પરીક્ષા લીધી. ભયાનક વેદના આપી. ઘણા દિવસો સુધી ભિક્ષા લઈ ન શકાય તેવી પરિસ્થિતિ સર્જીને ભગવાનને લાંબા ઉપવાસ કરાવ્યા. પોતાની તમામ તાકાત નીચોવીને ભગવાનને ધ્યાનભંગ કરવા એ મળ્યો. ભગવાનની પ્રસન્નતા એ ન તોડી શક્યો. જીવલેણ આક્રમણ વચ્ચેય ભગવાન અડીખમ રહ્યા. ધ્યાનમુદ્રા અવિચલ રહી. આખરે થાકીને એ પાછો ચાલ્યો.
ભગવાને એ જોયું. ભગવાનની આંખમાં આંસુ આવી ગયાં. મને ઘણી બધી તકલીફો આપીને આ જાય છે, મને આપેલી તકલીફો હવે એનો પીછો કરશે. મને પીડા આપનારો હવે જાતે પીડા પામશે. એને એ તકલીફોમાંથી હું બચાવી નહીં શકું...ભગવાન વિચારતા હતા.
સંસારનું આ સત્ય છે. જે બીજાને હેરાન કરે છે તેને ભગવાન પણ બચાવી શકતા નથી અને અધ્યાત્મનું સત્ય એ છે કે પોતાને તકલીફ આપનારની ચિંતામાં જે રડે છે તે ભગવાન બને છે.
3૬ •