________________
ગુરુ દીવો ગુરુ દેવતા
ગુરુનો પ્રેમ મળે એ પ્રત્યેક સાધકનું સ્વપ્ન હોય છે. ગુરુ પ્રેમ આપે તો બેડો પાર થઈ જાય એવી દરેક ભક્તની લાગણી હોય છે. ગુરુનો પ્રેમ તો આખા વિશ્વ માટે સદાકાળ વહી રહ્યો છે. એને ઝીલવાની તાકાત કેળવીએ એટલે કામ થઈ જાય. ગુરુનો પ્રેમ મેળવવા માટે ગુરુને પ્રેમ કરવો પડે. ગુરુને પ્રેમ કરવા માટે શું કરવાનું ? ગુરુએ જેની પર પ્રેમ નથી રાખ્યો એનો પ્રેમ આપણેય છોડવાનો. સીધી વાત છે. ગુરુએ જેની સાથે સંબંધ નથી રાખ્યો એની સાથે સંબંધ રાખવાથી ગુરુનું સામીપ્ય કેળવાતું નથી. આજ સુધી આ જ બન્યું છે. ગુરુએ દરેક અપેક્ષાએ છોડી. આપણે દરેક અપેક્ષાને સાચવી અને બિરદાવી. ગુરુએ દુનિયાદારીનો ત્યાગ કર્યો. આપણે દુનિયાદારીના દાસ રહ્યા. ગુરુએ પૈસાને દૂર કર્યા. આપણે પૈસાના ચુસ્ત આરાધક બની રહ્યા. આ ભેદગ્રંથિ ઓળખવી પડશે. ગુરુ પ્રેમ વરસાવે છે તે ઝીલવો હોય છે પણ એ માટે જાતને બદલવાની તૈયારી નથી હોતી. ગુરુકૃપા મળશે અને પછી આપોઆપ બદલાઈશું એવો ભ્રમ રાખવા જેવો નથી. કમસેકમ મારે જાતનું પરિવર્તન કરવું છે એવો દૃઢ સંકલ્પ તો કરવો જ પડશે. જે ગુરુ પાસે શુભ સંકલ્પ લઈને જાય છે તેની પર ગુરુ અનરાધાર વરસે છે. ગુરુ પાસે જઈને શુભ સંકલ્પની સમજણ મેળવીએ તોય કામ થવા માંડે છે. ગુરુ પાસે ભૌતિક અપેક્ષા રાખી તે દિવસે જ આપણાં પતનની તિથિ નક્કી થઈ ગઈ હતી. ગુરુ દ્વારા તો ઉત્થાન સાધવાનું હોય. બધું જ ગુરુનો સોંપી દઈએ તે આદર્શ સારો છે. કમનસીબે આ ગંજાવર કાર્ય આપણા હાથે થવાનું નથી. ગુરુને સમર્પિત થયા ન હોઈએ ત્યાર સુધી આપણું લક્ષ્ય આપણે જ સ્પષ્ટ રાખવાનું છે. ગુરુએ જે છોડ્યું તે છોડવું છે. ગુરુ જેનાથી દૂર રહ્યા છે તેનાથી દૂર ભાગવાનું નક્કી તો કરવું જ છે. ગુરુનાં નામેય પથ્થર તરે છે, તરવાની ભાવના હોવી જોઈએ.
ગુરુએ શું શું છોડ્યું છે તેનો પણ સાચો અંદાજ નથી આપણને. ગુરુનાં જીવનનું આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આપણી અને ગુરુની પ્રામાણિકભાવે સરખામણી કરવી જોઈએ. આપણે કેટલા પાછળ છીએ અને નીચે છીએ તેનો બોધ મેળવવો જોઈએ. ગુરુનાં વચન આ ષ્ટિથી સાંભળવા. ગુરુની પ્રેરણા આ દૃષ્ટિથી સમજવી. ગુરુ દિવસોદિવસ આત્માનાં ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. આપણે દિવસોદિવસ આત્માનાં ક્ષેત્રે અવનતિ પામી રહ્યા છીએ. પ્રગતિ સાધતા પહેલા અવતિ રોકવાની છે. એ માટેની તાકાત ગુરુ જ આપશે. ગુરુ પાસેથી આ
39
તાકાતની અપેક્ષા રાખવી પડે. મજાની વાત તો એ છે કે ગુરુ અપેક્ષા છોડવાની કળા જ શીખવે છે. સંસારની કોઈ પણ વસ્તુ છોડવી સહેલી છે પરંતુ એની અપેક્ષા છોડવી ખૂબ કઠિન છે. ગુરુ આ કિઠન કામ સરળ બનાવે છે. પરમાત્મા કરતા ગુરુનો મહિમા વધુ છે તેનું કારણ પણ આ જ છે. પરમાત્મા અપેક્ષાથી મુક્ત બની ગયા. ગુરુ અપેક્ષાથી મુક્ત બનાવે છે. પરમાત્મા મૌન છે. ગુરુનાં વચન વરસે છે. પરમાત્મા સંસારથી પર છે. ગુરુ સંસારનો સથવારો છે. પરમાત્મા હિમાલયની ટોચ પર છે. ગુરુ આપણી પડખે છે. ગુરુનો હાથ પકડ્યા વગર પરમાત્મા સુધી પહોંચાતું નથી. ગુરુનેય રસ છે : આપણને પરમાત્મા સુધી લઈ જવામાં.
આપણે જ ગુરુના સંબંધમાં સ્થિર નથી. ગુરુ સાથે સંબંધ રાખ્યો નથી. થોડી ઘણી ઓળખાણમાં સંતોષ માનીને બેસી ગયા છીએ અથવા ગુરુ વિનાનાં નધણિયાતાં વ્યક્તિત્વને સાચવીને બેઠા છીએ. ગુરુ મળે તે પછી ગુરુને આપણે મળીએ અને ગુરુને મળીને આપણે ગુરુના માર્ગદર્શનને અનુસરીએ આ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. ગુરુ મળે છે તે પહેલો તબક્કો પુણ્યને આધીન છે. નસીબ જાગતા હોય તો જ ગુરુ મળે છે તેમ દરેક શાસ્ત્રો કહે છે. એ જાગતા નસીબનો સદુપયોગ, અલબત્ બીજા તબક્કે થાય છે. ગુરુને મળીએ એટલે ગુરુને આપણી જિંદગીની રજેરજ જણાવીએ. આપણી ખામી અને નબળાઈ અને ભૂલ સામે થઈને કબૂલીએ. આપણી અધમતાનો એકરાર કરીએ. ગુરુને કહીએ કે મારો ઉદ્ધાર આપે કરવાનો છે. કડક થઈને ઉપદેશ આપો કે વાત્સલ્યથી સમજણ આપો એ આપની મરજી છે. મારી ભાવના સંસારથી
બચવાની છે. આપે મને સંસારથી બચાવવાનો છે. આ રીતે ગુરુને મળીએ. ગુરુના એકનિષ્ઠ અને જવાબદાર ભક્ત બનીએ તે પછી ગુરુ જે ફરમાવે તે ત્રીજો તબક્કો. ગુરુની વાણી ઝીલી લેવાની. ગુરુના શબ્દો સાકાર કરવા મચી પડવાનું. કદાચ, એ ન બને તો કમસેકમ ગુરુના શબ્દો વારંવાર યાદ કરવાના અને વિચારવાના. જાતને ઠપકો આપવાનો. ગુરુના શબ્દોનો અમલ નથી થતો તેની ચિંતા કરવાની. આ મુદ્દે પોતાની જાત ઉપર નારાજ થવાનું. ગુરુને આ આત્મમંથન પણ જણાવી દેવાનું. ફરી ગુરુ કશુંક સમજાવે, તે બરોબર અંતરમાં ઉતારવાનું. ગુરુકૃપા ઝીલવાની આ પ્રક્રિયા છે.
ગુરુનો આપણે ઉપયોગ નથી કરતા. ગુરુની પ્રચંડ તાકાતથી આપણે દૂર રહીએ છીએ. પામવાનું છે તે ચૂકી જવાય છે. ગુરુ સાથે હવે મજબૂત નાતો બાંધી લેવો છે. ગુરુને સમર્પિત થયા પછી આપણી તમામ જવાબદારી ગુરુ લઈ લે છે. અને પછી શ્રીપાળરાજાના રાસમાં આવતા શબ્દો સાકાર થાય છે : સુમતિ હોય સુગુરુ સેવતા, ગુરુ દીવો ગુરુ દેવતા.
3C