________________
જેના વગર ચાલે એમ છે તે વસ્તુઓની ઇચ્છા અલગ પાડી દો. જે વસ્તુ મળવાની જ નથી એની ઇચ્છા અલગ પાડી દો. જે વસ્તુ ઓછી લાગતી હોય તેને વધારવાને બદલે, ઓછામાં તકલીફ નથી તેમ વિચારતા શીખો. ઇચ્છા સુખ નથી આપતી તે નક્કી છે.
ઇચ્છા તો સુખને યાદ કરાવે છે. તમે ઇચ્છાને છોડી દો છો સુખની યાદ ચાલી જાય છે. સુખની યાદ ન હોય તે જ પરમસુખ છે. સુખની યાદ આવ્યા કરે તે પરમ દુઃખ છે. ઇચ્છાના રંગે રંગાવાની વાત જ ખોટી.
ઇચ્છા માટે આ રીતે વિચારીશું તો સુખ મળે કે ન મળે ફરક નથી રહેતો, ઇચ્છા નામનો સંસ્કાર સંસાર સાથે જોડાયો છે તે ધર્મની સાથે જોડાય છે. ધર્મની દિશામાં જેટલી ઇચ્છા કરો તેટલો લાભ છે. ધર્મની યાદમાં જેટલી વેદના અનુભવીએ તે બધી ઉત્તમતાની નિશાની બને છે.
સંસારની ઇચ્છા ધર્મની અનિચ્છા લાવે તે ખરાબી છે. ધર્મની ઇચ્છા સંસારની અનિચ્છા લાવે તે સારપ છે. સંસારથી બચવાની અને ધર્મનો સમાદર કરવાની
ભાવના માટે શાસ્ત્રોમાં એક વિશિષ્ટ શબ્દ છે ઃ ઇચ્છાયોગ. આપણે ઇચ્છારોગને ઇચ્છાયોગ બનાવીશું ?
૨૩
ગેરસમજની ગાંઠ
બને છે એવું. સાથે રહેતા હોઈએ તેમાં મનમેળ ન હોય. કોઈપણ કારણે અરસપરસ નારાજગી બંધાઈ ગઈ હોય. એકબીજાના પૂરક બનવાના દિવસો બદલાઈ ગયા હોય. એક મકાનમાં બે ચોકા મંડાયા હોવાનું અનુભવી શકાતું હોય. કારણ વગર કોઈ નારાજ નથી થતું. અકારણ કોઈ રીસે ચડતું નથી. કાંઈક તો બને જ છે. ન ગમે તેવું અને ન સહી શકાય તેવું. લીસોટા રહી જાય છે, સાપનો પત્તો નથી હોતો.
સતત સંગાથે રહેવાનું. આપણે બોલીએ તેનું ઉપજે નહીં. એ બોલે તે ગમે નહીં. આપણું કશું ચાલે નહીં. એમનું ચલાવી ન લઈએ. ફૂલની પાંખડી ખરી જાય અને કાંટા બચ્યા રહે. વાતો થાય તે વહેવાર પૂરતી. સાથે બેસીને જમીએ તે મહેમાનની જેમ, પારકાભાવે. લાગણીનાં નામે દંભ ચાલે. પ્રેમના નામે છળ ચાલે. બાકી તમે જુદા અને અમે જુદા. આ ગાંઠ મજબૂત થતી જાય. ગેરસમજની ગાંઠ.
ઉકેલી જ ન શકાય તેવા આટાપાટા ખડકાઈ જાય. સામોસામ તખ્તો ગોઠવાયેલો રહે. સંઘર્ષની તલવાર માથે તોળાયેલી જ હોય. નાનીસરખી વાતમાં વિસ્ફોટ થઈ જાય. ઘરમાં આગ લાગે. ધુમાડા ન દેખાય પણ દાઝવું તો પડે જ.
ઝઘડીને છૂટા પડી જનારા જુદા. સાથે રહીને ઝઘડતા રહેનારા જુદા. ચૂપચાપ ઠંડુ યુદ્ધ ચલાવનારા જુદા. ગેરસમજની ગાંઠ ઠંડું યુદ્ધ ચલાવે છે. ભાઈઓ હોય કે ભાગીદારો, એક તબક્કે આ ગાંઠ વચ્ચે આવે જ છે. બાપદીકરો હોય કે સાસુવહુ આ ગાંઠના ઘસરકા વાગે જ છે. ગેરસમજ જેટલી જૂની, ઝેર એટલું જ તીવ્ર. રોજરોજ આ ગાંઠનાં મૂળિયાં ઊંડે સુધી ખુંપતા જાય છે.
ગેરસમજપૂર્વકનો સહવાસ ત્રણ રીતે નડે છે. અવિશ્વાસ, પૂર્વગ્રહ અને
ઉપેક્ષા.
જેની માટે ગેરસમજ હશે તેની પર વિશ્વાસ નહીં હોય. તેના તરફથી આપણને તકલીફ જ મળવાની છે તેવું લાગ્યા કરે છે. તે આપણને હેરાન કરવા માંગે છે તેવું જ લાગ્યા કરે છે. તે આપણને કાયમ નડે છે તેવું માન્યા કરીએ છીએ. તેની વર્તણૂકમાં આપણને જોખમ જોવા મળે છે. તેની વાતચીતોમાં રાજકારણની ગંધ આવ્યા કરે છે. તેનો પ્રેમભાવ આપણને યોજનાબદ્ધ કાવતરું લાગે છે. જેની માટે ગેરસમજ થઈ હોય તે સારો લાગતો જ નથી. અવિશ્વાસની હાજરી ભભૂકતી જ રહે છે.
૨૪ ૨