________________
કોઈ વાર ખરેખર તેના તરફથી સારું વર્તન થાય, વિશ્વાસ મૂકવાનું મન થાય ત્યારે પછી પૂર્વગ્રહ આડે આવે છે. વરસોનો અનુભવ ખરાબ હોવાને લીધે એકાદ સારા અનુભવનું ઉપજતું નથી. આપણે જે વેક્યું છે તે હજી ભૂલાતું નથી. તેમના તરફથી ગઈકાલ સુધી ન સહેવાય તેવું ખમવું પડ્યું છે, આપણને એ પાકે પાયે યાદ છે. એમાંથી બહાર આવી શકાતું નથી. આપણે જોખમ લેવા તૈયાર નથી. વસ્તુતઃ બીજાને મન એવું કશું રહ્યું નથી. એ તમારી માટે સારું વિચારીને આગળ વધે છે. આપણે ગભરાઈને પાછાં પગલાં ભરીએ છીએ. એકવાર હેરાન કરનાર જિંદગીભર હેરાન જ કરે તેવું આપણે માની લીધું છે. અનેકવાર હેરાન કરનાર આપણા માટે સારું વિચારી શકે તે આપણી ધારણામાં બેસતું જ નથી. આપણાં જીવનનું આ કષ્ટ છે. બીજાની પર વિશ્વાસ મૂકવાની હિંમત નથી રહી. એટલી બધી વખત વિશ્વાસ ઘવાયો છે કે નવો વિશ્વાસ આવી જ શકતો નથી. આપણને અન્યાય થયા હશે, ના નથી. મુશ્કેલી એ થઈ છે કે એ અન્યાયની ઘોર યાદમાં આપણે નવેસરથી અન્યાય કરવા માંડીએ છીએ. બીજાના સારા વહેવારને ઠંડે કલેજે જોવો તે અવિશ્વાસ જ છે. આપણાં મનનો થાક આપણી પાસે અવિશ્વાસની નજર બંધાવે છે.
સાથે સાથે ઉપેક્ષાભાવ પણ હોય. એ એમનું જાણે. આપણે આપણું જાણીએ. એમને કશું કહેવું નહીં. એમનું કાંઈ સાંભળવું નહીં. એમની તકલીફ એમની જવાબદારી. આપણો એમાં કશો સહભાગ નહીં. આપણી તકલીફ આપણો મામલો. એમનો એમાં કોઈ હિસ્સો હોય નહીં. બંનેના રસ્તા એક જ છાપરાતળે અલગ હોય. એમની તબિયતની આપણને ચિંતા ન થાય. આપણી તબિયતની એને ચિંતા ન થાય. પોતપોતાનું સંભાળીને જીવ્યા કરો.
ગેરસમજની ગાંઠ સહવાસને ઝેરીલો બનાવી મૂકે છે. દુશ્મની જેવા સંબંધને નીભાવવો પડે છે. છૂટા પડી નથી શકતા. લાચારી છે. સાથે રહેવાનું ગોઠતું નથી. મજબૂરી છે. ફરિયાદો બધી જ બતાવી નથી શકાતી. તકલીફો દરેક વ્યક્ત નથી કરાતી. સમસમીને બેઠા રહીએ. ચૂપચાપ ગમ ખાઈએ. મનોમન ભાર વેંઢારીએ.
ઘણા બધા આ આંધીમાં ફસાયા છે. કાશ્મીર જેવું જીવન થઈ ગયું છે. છૂટા થશો તોય જોખમ. સાથે રહો તોય જોખમ. આ બેહાલ મનોદશાથી બચવાનું છે. ગેરસમજ જેની માટે છે તેની સાથે સંબંધો ખરાબ જ રહેવાના છે તેવું માનીને ચાલવાનો અભિગમ બદલીએ. સારા ભવિષ્યની આશા હર એક સમયે કામની નીવડે છે. આપણા પ્રયત્નોમાં નિષ્ઠા હોય તો સંબંધ સારા વળાંક પર આવી શકે છે. આપણે મહેનત કરવાની છે. આપણાં મનને બદલવાની, સામા માણસના વિચારને બદલવાની, એમ બેવડી મહેનત.
- - ૨૫
પદ્ધતિસર કામે લાગવું પડશે. જેની માટે ગેરસમજ છે તે નજીકની વ્યક્તિ છે. વિચારવાનું એ છે કે આ વ્યક્તિ મને હેરાન કરવાનું એકમાત્ર કામ કરે છે ? જવાબ ના જ હશે. એ આપણું ધ્યાન પણ રાખે છે. આપણે આપણી તકલીફો ન જણાવીએ તો પણ એ એમની રીતે આપણને સહાય કરે છે. ઘણી વખત કટોકટીમાં એ કામ લાગ્યા છે. લાંબો ભૂતકાળ છે. ઘણી તકરારોમાં એમના તરફથી શરૂઆત નહોતી. કેટલીય વાર તે આપણી સમક્ષ ઝૂક્યા છે. આપણે માંગી હોય તે કરતા વધુ સચ્ચાઈથી તેમણે માફી માંગી લીધી છે. કબૂલી કે બોલી ન શકાયું. છતાં આંખો દ્વારા દિલગીરી તેમણે જણાવી જ છે. એકલા બેસીને તે આપણા સંબંધ સુધરે તેવી ઝંખનાથી રડ્યા પણ હશે. આપણને ખબર નથી. એક વાત નક્કી છે. તે આપણને ઘણાં જ કામ લાગ્યા છે. આજે તકલીફ હશે, વાંધો હશે. પરંતુ એક સમયે તો સંબંધ ઘણો સારી રીતે ચાલતો હતો. તે વખતે તેમનો સહારો લીધો છે. તે ઉપકાર યાદ કરવો જ જોઈએ. ઉપકાર કરનારને શત્રુ માને તે માણસ નથી ગણાતો.
આ ઉપરાંત પણ, આ મનભેદ થઈ ગયો છે તેની તંગદિલી હજી વધારવી છે ? ક્યાર સુધી તંગ રહ્યા કરવું છે? આપણાં મનને આ બોજો હેરાન કરે છે. જ્ઞાનતંતુઓ ખેંચાઈને ઢીલા પડી જાય એટલા બધા વિચારોનો ચકરાવો ચાલતો રહ્યો છે, આ ગેરસમજના પાપે. સારા માણસના મોઢે ન શોભે તેવા આક્ષેપો કર્યા છે આપણે ક્યારેય ન સાંભળી શકીએ તેવી ગાળો પરખાવી છે આપણે. આપણને પણ આક્ષેપો સાંભળવા પડ્યા છે, ગાળો ખમવી પડી છે. આમને સામને મોરચો મંડાયેલો રહ્યો છે. આપણી જીત થાય ત્યારે રાજી થઈએ પરંતુ આપણી સામે હારનારા આપણા જ માણસો હોય છે. આપણી હાર થાય ત્યારે રડીએ છીએ પરંતુ હરાવી જનારા પારકા નથી હોતા. આપણી આંખો આંધળી થઈ જાય તેવું વજન આવી જાય છે. વિચારો ઉપર. આવું ક્યાર સુધી થવા દેવું છે. આ માનસિક ખેચ કોઈ સુખની નિશાની નથી. આ મનોડિંખ કોઈ પ્રસન્નતા નથી જઆ છે માત્ર વેદના. જાતે ઊભી કરેલી વેદના.
આપણને બહાર આવવાનું મન થવું જોઈએ. કદાચ, એવું બન્યું છે કે આપણને જ મનમાં દાઝતા રહેવાની આદત પડી ગઈ છે. આપણો સ્વભાવ તપાસી લેવો જોઈએ. આપણે જાણી જોઈને પરેશાન રહેવાનું શીખી લીધું છે. બીજાને દોષિત બનાવીને જાતને હેરાન કરવાની આદત રીતસરની કોઠે પડી ગઈ છે. આપણે કેમ બળતા રહીએ છીએ અને આપણને આ રીતે બળવાનું કેમ ગમે છે તેની ઉલટતપાસ આત્મા પાસે લેવી જોઈએ. બીજી આપણને પરેશાન નથી કરતા. આપણે જ આપણી જાતને પરેશાન કરીએ છીએ. બીજા તો માત્ર માધ્યમ બને છે. ૨૬