________________
સર્ગ ૪
શ્રેષ્ઠીએ પોતાના હાથ માતાના પગ પર મૂક્યા, માથું નમાવ્યું. માતાએ તેનાં માથે હાથ મૂક્યો. ક્ષણભર તે ચૂપ રહ્યા. પછી તે આપોઆપ સુંદર વાણીથી બોલવા લાગ્યા. ૧.
શ્રેષ્ઠી જમીન પર બેઠા. જાણે પૃથ્વીની સ્થિરતા તેમને મળી ગોઠવણપૂર્વક રજૂઆત કરતાં કરતાં તે આ પ્રમાણે બોલ્યા. ૨.
મારી આંખોનું જીવંત તેજ તું છે. મારી વાણીની ધારામાં તું છે. તું મારા દેહની અસીમ શક્તિ છે. તું જ મારા જીવનનો એકમાત્ર પ્રાણ છે. ૩.
તારી કૃપાથી મને નિર્દોષ ગુણો અને તે દ્વારા સુખો મળ્યાં છે. તારાં નામનાં ઉચ્ચારણનું મને વ્યસન છે કેમ કે તારું નામ બોલવામાં મને અમૃતપાન જેવો આનંદ હંમેશા મળે છે. ૪.
કોયલના કંઠે ઉઠતા પંચમ સૂર જેવી તારી વાણી સાંભળીને મારી રોમરાજી વિકસ્વર બને છે. તારો અવાજ સાંભળ્યા બાદ બીજું કાંઈ સાંભળવાનું ગમતું નથી. તારો અવાજ મને મારી ભીતરમાં ડૂબાડી દે છે. ૫.
તારા પ્રેમભરેલાં મનમાં વસેલા આનંદને હું ભમરો બનીને પી શકું છું કેમકે હું તારો દીકરો છું. તારી પાસે વારંવાર આવવા દ્વારા મને જે સુખ મળે છે તે આસમાન જેવું અસીમ હોય છે. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪