________________
સર્ગ ૩
એક વખત તે રાજસભામાં કાર્ય પતાવીને પ્રયાણ કરવા નીકળ્યો. તેનું સૌભાગ્ય રાજા જેવું જણાતું હતું. તેની બુદ્ધિમત્તા મંત્રી જેવી જણાતી હતી અને તેની તાકાત સેનાપતિ જેવી જણાતી હતી. ૧.
રાજસભામાં તે અર્થશાસ્ત્રના નવા અવતાર જેવા દેખાતો હતો. અર્થશાસ્ત્રમાં અનુકૂળ વ્યવસ્થા બતાવી હોય છે. તે નયને અનુકૂળ હતો. અર્થશાસ્ત્રમાં અલગ અલગ કક્ષાની સંપત્તિઓ ગણાવી હોય છે, તેની પાસે કરોડો રૂપિયા હતા. અર્થશાસ્ત્રમાં ક૨ લેવા દ્વારા પૈસા મેળવવાનું માર્ગદર્શન છે, તે પોતાના હાથે પૈસા કમાતો હતો. અર્થશાસ્ત્રની પદ્ધતિથી તુરંત પૈસા મેળવી શકાય છે, તે દાન આપવામાં વિલંબ કરતો નથી. અર્થશાસ્ત્ર નીતિનો માર્ગ બતાવે છે, તે ઉત્તમ રીતે નીતિનું પાલન કરે છે. ૨.
તે સોનેરી સિંહાસન પરથી ઊભો થયો તેને લીધે તે રત્નમટ્યું સિંહાસન ઝાંખુ પડી ગયું. આકાશમાં ભલે અસંખ્ય તારા હોય પણ ચન્દ્ર ન હોય તો અમાસની તિથિ જ ગણાય છે. ૩.
રાજસભાના ભવ્ય સ્તંભો ૫૨ કોતરેલી કન્યાઓમાં પ્રાણ રેડી દે તેવું સ્મિત શ્રેષ્ઠીનાં ચહેરા ૫૨ પથરાયેલું હતું. તે સ્મિત જોઈને ભીંત, શરમ અને ઇર્ષ્યાના ભાવથી સ્તબ્ધ બની ગઈ. ૪.
સભામાં બોલવાના અવસરે તેણે સૌને વાણી દ્વારા એવું અમૃત પાયું હતું કે તેની વિદાયને જોઈને સૌના શ્વાસ થંભી ગયા. (અમૃત પીનારા દેવો શ્વાસ લેતા નથી.) ૫.
ધૈર્યપૂર્વક, પગલે પગલે તે દરવાજાની નજીક પહોંચ્યો પરંતુ તેના યશથી ઉજળા બનેલા પડદાઓ હવાની સાથે અધીર બની ઉછળવા લાગ્યા. ૬.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૩
૪૧