________________
સૂરિજીની બંધ આંખોનાં પોપચાં ૫૨ દિવ્ય તેજ પથરાયું. પોપચાની ભીતર રહેલી આંખોએ શુભ લાલ રંગ જોયો. સૂરિજીએ હાથીના કાન ફફડવાનો અવાજ સાંભળ્યો. સૂરિજી નિષ્પાપ હતા. તેમણે હળવેથી આંખ ખોલી. ૫૫.
સૂરિજીએ હાથી જોયો અને હાથી ૫૨ બેસેલા યક્ષને જોયો. સફેદ હાથી અને યક્ષરાજને એક સાથે જોઈને પ્રશ્નો જાગ્યા : શું આ વીજળી સાથે રમતા શરદના વાદળ છે ? શું આ સૂરજનો સંગમ પામનાર મેરુપર્વત છે ? શું આ સોનેરી મુગટ ધારણ કરનારા કોઈ રાજાનું મુખ છે ? ૫૬.
સાત સૂંઢ વાળો હાથી હતો. તેની એક સૂંઢમાં સોનાનો કળશ હતો અને છ સૂંઢમાં લાલ કમળ હતાં. સાત સૂંઢ દ્વારા તે હાથી જાણે સાત ભયને ટાળવાની શક્તિ બતાવતો હતો. સાત સૂંઢ દ્વારા તે સાત રાજલોક સાથે જાણે રમત કરતો હતો. ૫૭.
હાથીનો વર્ણ સફેદ હતો. કેવો સફેદ ? અમૃતના દરિયાનાં ફીણ જેવો ઉજજવળ. સંગેમરમ૨ જેવો તેજસ્વી. માખણના પિંડ જેવો ધવલ. પાકેલા કેળાના માવા જેવો ઘટ્ટ ગૌર. આ સફેદીને લીધે હાથી અવર્ણનીય લાગતો હતો. ૫૮.
ચાંદીના થાંભલા ૫૨ પીળા ફૂલો બાંધ્યા હોય તે રીતે તેના પગ પ૨ સોનાના દાગીના લટકતા હતા. એના મોતી જેવા નખને ઘાસ અડતું હતું. પગનાં ગોળાકાર તળિયા દ્વારા તેણે પોતાનાં ભવ્ય શરીરનું વજન ઊંચકી રાખ્યું હતું. ૫૯.
પોતાના ઉત્કૃષ્ટ શક્તિનાં અભિમાનને લીધે તેનાં ગંડ-સ્થળો એકદમ ઉત્તુંગ હતાં. મદજળમાં કેટલાય ભમરાઓ ખેંચાઈ આવ્યા હતા. કોડીની જેમ તેની આંખો સ્નિગ્ધ, ચમકદાર અને ધારવિહોણા ખૂણા ધરાવતી હતી. એના ગળામાં હારો લટકતા હતા. એના હોઠો કમળ જેવા હતા. ૬૦.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૪૯