________________
વીણાના રણકાર જેવા અવાજે દેવીએ પોતાની વાત જણાવી તેના જવાબમાં સૂરિભગવંત મૃદંગ જેવા ગંભીર અવાજે બોલ્યા : મારા સાધુઓ આ રીતે કેમ મૃત્યુમાં હોમાઈ ગયા તે પ્રશ્નને લીધે હું અત્યંત દુ:ખી છું. ૩૭.
આત્માની કાળજી લઈને ચારિત્રાનું પાલન કરનારા શ્રમણોને પોતાનું ચારિત્ર જ સુરક્ષિત રાખે છે. આ શ્રમણોના પ્રાણ કર્મનો નાશ કરે છે, પ્રસન્નતાનું ઘડતર કરે છે અને સાધુને સૌના કલ્યાણને કરનારી પ્રવૃત્તિમાં જોડી રાખે છે. ૩૮.
સાધુઓ ઊંઘમાં પણ જયણા ચૂકતા નથી. પડખું ફરતી વખતે પણ તેઓ પ્રમાર્જના કરતા હોય છે. આત્માની સ્વયંશુદ્ધ શાંતિનો આસ્વાદ તેમણે માણ્યો હોય છે, તેઓ અન્યજનોને પણ સૌમ્ય વચનો દ્વારા શાંતિ આપતા હોય છે. ૩૯.
ધ્યાન દ્વારા ધન્યતાને પ્રાપ્ત કરનારા સાધુભગવંતોને દેવો સદા નમે છે. સાધુનું ધ્યાન, ચન્દ્રમાની જેમ, ફીણની જેમ, ઘીની જેમ, દૂધની જેમ ઉજજવળ હોય છે. સાધુનું ધ્યાન - મોહ-માન અને કામનું નિવારક હોય છે. આ ધ્યાનના પાયામાં સ્વાધ્યાય, સત્ય અને સમતા હોય છે. ૪૦.
મેં જે સાધુજીવન સ્વીકાર્યું છે તેના દશ ધર્મ છે. સંતોષ, શૌચ, યમ, મૃદુતા, શીલ, મુક્તિ, આકિંચન્ય, આર્જવ, તપ, સમતા. મારા દશ શિષ્યો આ દશવિધ યતિધર્મનો અવતાર હતા. તેમની વિદાય થઈ ગઈ તેથી હું ગુરુપદને પાત્ર રહ્યો નથી. ૪૧.
આ સાધુઓનાં ચરિત્રમાં મોટા અતિચાર નહોતા. તેમને ગુરુ માટે અનાદર નહોતો. રાગની આસક્તિ તેમના હૈયામાં હતી નહીં. તેમનામાં કોઈ અભિમાન પણ નહોતું. તેઓ ઉસૂત્રભાષી નહોતા. તેમને કષાયો નડતા નહોતા. તેમ છતાં આ સાધુઓ અકાળમૃત્યુ પામ્યા. શું કામ ? ૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૪૩