________________
સર્ગ ૮
એ લૂંટારાઓ જંગલના જનાવરો જેવા જડ હતા. તેમને સંપત્તિ જોઈતી હતી અને તેમણે પોતાનાં કલ્યાણરૂપી લક્ષ્મીને જ લૂંટાવી દીધી. શ્રેષ્ઠીવરનું શરીર ત્રણ ટુકડામાં વિભક્ત થઈ ગયું છે તે જોઈને તેઓ મૂઢ થઈ ગયા અને જંગલના ઊંડાણમાં સરકી ગયા. ૧.
શ્રેષ્ઠી પર તીક્ષ્ણ શસ્ત્રના પ્રહાર થયા હતા તેને લીધે, મસ્તક, ધડ અને પિડી આ ત્રણ ભાગોમાં શરીર વિભક્ત થઈ ગયું. એ ક્ષણે પાલી, ઉજજૈન અને સિદ્ધાચલની સ્મૃતિને લીધે તેમનું મન પણ ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું હતું. કેવી અજબની તુલના ? ૨.
અચાનક થયેલાં આક્રમણને લીધે તેમનાં શરીરમાં પીડા થવા લાગી, લોહી નીકળવા લાગ્યું, શ્વાસ રૂંધાવા લાગ્યા, બેશુદ્ધિ જેવું થવા લાગ્યું. પરંતુ તે નિર્ભય હતો, નિષ્પાપ હતો અને નિરભિમાની હતો, તે ફરીવાર હોંશમાં આવ્યો. વિચારવા લાગ્યો. ૩.
મારા સ્વજનોના વસવાટને લીધે સોહામણી બનેલી મારી જન્મભૂમિ ક્યાં છે ? મરુદેશમાં બિરાજમાન, મારા આત્માના ઉદ્ધાર માટે તત્પર એવા ગુરુભગવંત ક્યાં છે ? અને ભયાનક જંગલમાં જમીનદોસ્ત થઈને પડેલો કમનસીબ હું ક્યાં છું ? ૪.
સંપત્તિ ચાલી જાય તો મને ક્યારેય શોક નથી થવાનો. મૃત્યુ આવે તો ડરીને હું ભાગી છૂટવાનો નથી. અત્યારે મારી તાકાત તૂટી રહી છે, હું ગિરિરાજ સમક્ષ પહોંચી શકું તેવું લાગતું નથી. બસ. મને આનું જ દુ:ખ છે. ૫.
રાયણવૃક્ષની પાસેનાં દેરાસરમાં બિરાજમાન શ્રી આદીશ્વર ભગવાન પાસે હું પહોંચી શક્યો નથી. મારા હાથેથી હું ભગવાનનો પ્રક્ષાલ કરી શક્યો નથી. ચંદન અને કેસરથી હું પૂજા રચી શક્યો નથી. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૩૧