________________
સાર્થો, ગોધણ, ઊંટધણ દ્વારા માર્ગમાં ભીડ અને કોલાહલ ઘણો જ થઈ રહ્યો હતો. શાંતિથી પ્રવાસ થાય માટે તે જંગલના અવાવરૂ રસ્તે નીકળ્યો. તે મનમાં અરિહંતનું સ્મરણ કરી રહ્યો હતો. ૪૯.
તેણે સફેદ ધોતિયું પહેર્યું હતું. સ્વચ્છ અંગરખું ધારણ કર્યું હતું. માથે પાઘડી હતી. કાને બુટ્ટી હતી. હાથે બાજુબંધ હતા. આંગળીમાં વીંટી હતી. કમ્મરે સોનેરી કંદોરો હતો. વનના માર્ગે એ ચાલી રહ્યો હતો. ૫૦.
તે ઝડપથી ચાલતો હતો. તેનાં મનમાં કોઈ ભ્રમણા નહોતી. તે ખુશ હતો. ઉગ્રતા નહોતી પણ ઉત્કંઠા હતી જ, એ ચૂપચાપ આગળ નજર રાખીને ચાલતો હતો. એના મનમાં આદીશ્વર ભગવાનનું ધ્યાન ચાલી રહ્યું હતું. ઉત્તમ ગતિ હતી. પવિત્ર લાગણી હતી. શુદ્ધ બુદ્ધિ હતી. શ્રેષ્ઠ નમ્રતા હતી. ૫૧.
વિચારોમાં વસેલો ગિરિરાજ, નજીક આવી રહ્યો છે તેમ વિચારીને તે રોમાંચિત બની જતો હતો. એના ચહેરા પર ગિરિરાજને ભેટવાની ઉત્સુકતા હતી. પગલે પગલે કરોડો કર્મોનો તે નાશ કરી રહ્યો હતો. એની અંતર્યાત્રા પણ ચાલુ હતી. પ૨.
શરીરને કષ્ટ આપીને તે આશ્રવને રોકી રહ્યો હતો, સાધુની જેમ. તમામ સંબંધોને તે ભૂલી ગયો હતો, યોગીની જેમ. ઉત્તમ કક્ષાનું ગૌરવ તેણે ધારણ કર્યું હતું, ધર્મની જેમ, તે મંગલ ઉચ્ચારણો દ્વારા પાવન હતો, તીર્થની જેમ, પ૩.
એ શત્રુંજયનાં નામનો જપ કરી રહ્યો હતો. આદીશ્વરજીને તે યાદ કરતો હતો, યાત્રામાં તે એકતાન હતો. તે આત્માની નજીક પહોંચી ગયો હતો. આવી અવસ્થાએ પહોંચેલા શ્રેષ્ઠીને કોઈકે સાદ દીધો. શ્રેષ્ઠી તો ભગવાનમાં ખોવાયેલા હતા. તેમને જવાબ આપવાનું સૂઝયું નહીં. એટલી વારમાં તો ક્રૂર લૂંટારાઓએ આવીને શસ્ત્રો દ્વારા અચાનક જ તેમની પર પ્રહાર કર્યા. ૫૪.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૨૯