________________
મારાં ઉદ્યાનમાં અને મારા ઘરમાં આપ પધારો. આપનાં પગલાં થશે એટલે મારા અધમ પાપો દૂર થઈ જશે, આપના સુંદર ચારિત્રનું પવિત્ર સંગીત ચોમેર રેલાશે, મારા ઘરમાં જાગૃતિની પવિત્ર જયોતિ પ્રકટશે. ૩૭.
હું આપની સમક્ષ જે કાંઈ ગેરવ્યાજબી વાતો બોલી ગયો તે આપ ભૂલી જજો. આપે કામદેવતાને સહસા જીતી લીધો છે. આપ મારાં ઘેર પધારો, મારી આ વિનંતી અવધારો. ૩૮.
મારા ઘરે આવીને આપ ધર્મોપદેશ આપશો તો મારા ધર્મમાં નવો જુસ્સો આવશે. વાદળાની ગર્જના સાંભળીને પ્રેમીજનોના પ્રેમમાં ગાઢ ઉમેરો થતો હોય છે તે સૌ જાણે છે. ૩૯.
તમારાં ચારિત્રથી પાવન થયેલાં ચરણકમળ મારા ઘરને સંપૂર્ણ પવિત્ર બતાવી દેશે. અને આપની કૃપા મળશે તેથી હું શ્વાનની જેમ સંસારમાં પરિભ્રમણ કરતો હતો તે બંધ થઈ જશે. ૪૦.
શ્રેષ્ઠીવરની આવી વિનંતી સાંભળીને ગુરુએ તેમના સાચા ભાવને ઓળખ્યો. અને વાજતેગાજતે સકલસંઘ સાથે તેમના ઉદ્યાન સહિત ઘરમાં પધાર્યા. ૪૧.
ગુરુદેવનાં આગમનથી અત્યંત ઉલ્લાસનો અનુભવ કરી રહેલા શ્રેષ્ઠીવર, તેમની માતા અને તેમની પત્નીનાં ચહેરા આનંદની કાંતિથી ચમકી ઉઠ્યા તેથી જાણે ચહેરાઓ ચાંદીના કુંભ જેવા દેખાવા લાગ્યા. ૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬
૧૦૯