________________
સર્ગ ૬
ઉજળી સભા ધર્મકથાનું અમૃત માણી રહી હતી તેમાં શ્રેષ્ઠી બેઠા. ગુણોનું વિવેચન કરનારી ગંભીર ગુરુવાણીમાં તરબોળ બનીને તે સમયનું ભાન ભૂલી ગયા. ૧.
ગુરુ બોલ્યા : રાગ અને દ્વેષને વશ થઈને ભવનું ભ્રમણ વધારી રહેલા જીવોને ગુરુ બચાવી શકતા નથી. મદિરાથી બેહોશ થઈને પડેલા માણસોને સૂરજ પણ જગાડી શકતો નથી. ૨.
પોતાનાં ભવિષ્યને નહીં જાણનારા લોકો, પુણ્યદ્વારા પ્રાપ્ત થયેલી ધન વગેરે સામગ્રીને મમતાને લીધે શાશ્વત માનીને જીવે છે. આ માન્યતા તેમને વિરતિ માટે અયોગ્ય ઠેરવે છે. ૩.
સુખો થોડા હોય છે જે દુર્જનની વાણીની જેમ દુ:ખદાયક બને છે. સુખ અને દુર્જનની વાણી સૌથી પહેલાં મનને લલચાવે છે, પછી સારા ગુણોને ઘટાડવામાં એકદમ સક્રિય બને છે, ત્યાર બાદ અયોગ્ય કાર્યો કરવાનો રસ પેદા કરે છે. ૪.
લોકો ગૃહસ્થધર્મ તરીકે પરિવાર પર પ્રેમ રાખીને સતત પ્રવૃત્તિશીલ રહે છે. મનવચન-કાયા દ્વારા પાપમાં જોડાઈ રહેલા પરિવારને ખુશ રાખીને ધર્મ થાય છે તેવું માનનારો, વસૂકી ગયેલી ગાયને દોહતો હોય છે. પ.
સુખનો ભોગવટો અવશ્ય પુણ્ય ઓછું કરે છે, ભય વધારે છે, શ્રમ આપે છે, અનેક મળથી ભરેલા દેહના સમાગમ દ્વારા સુખ માટેનો પ્રયત્ન, રેતીને ચાખવાની પ્રવૃત્તિ જેવો નિષ્ફળ છે. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬