________________
એમણે જોયું કે આનન્દવિમલસૂરિજી મ. કાયોત્સર્ગ કરી રહ્યા છે. અંધકાર હોવા છતાં તેમની ભવ્યતા તાદૃશ થતી હતી. એ શબની જેમ સ્થિર હતા પણ શ્વાસ ચાલુ હતા. પથ્થરની જેમ એ નિશ્ચલ હતા પણ એમનો સ્પર્શ કઠોર નહોતો. આ રીતે તેમને એણે ઓળખી લીધા. ૧૩.
આ મહાત્મા સ્મશાનમાં ધ્યાન કરે છે તેની એમને પહેલેથી ખબર જ હતી. તેમની પરીક્ષા કરવા માટે જ તે આક્રોશપૂર્વક આવ્યા હતા. સાધુને જોઈને તેમણે જે વિચાર કર્યા તેને લીધે, તેમની સજજનતા કપૂરની જેમ ઉડી ગઈ. ૧૪.
તે વિચારવા લાગ્યા : અરે, આ સાધુ પણ એમના પંથની મૂર્તિની જેમ જ જડતા ધારણ કરીને ઊભો છે. સ્મશાનમાં એ સંમોહિનીવિદ્યા સાધતો હોય એવું લાગે છે. આ રીતે ઊભો રહીને ચિત્રવિચિત્ર પ્રયોગો દ્વારા તે લોકોનાં મનનું વશીકરણ કરતો લાગે છે. ૧૫.
પોતાની મોટાઈમાં જ આને મજા આવે છે. આ સાધુને સાધના સુખ તો શાનું મળ્યું હોય ? પોતાની ખ્યાતિ વધારવા એ સ્મશાનમાં આવ્યો છે, તેની નિ:સ્પૃહતાનું લિલામ થઈ ગયું છે. ૧૬.
સારા માણસોને આ કહે છે કે સાધના માટે મૂર્તિનું આલંબન લો. અને પોતે મૂર્તિને છોડી ગુપ્ત જગ્યાએ આવી બેઠો છે. દુર્જનોની લીલા કેવી હોય છે ? એમના મનમાં કાંઈ હોય અને એમની વાતોમાં કાંઈ હોય. ૧૭.
સ્મશાનનાં એકાંતમાં રહીને એ કોઈ તંત્રવિદ્યા સિદ્ધ કરી શકે તે પહેલા જ તેને ચલિત કરીને ડરાવી દઉં તો ભોળા લોકોને એ આંજી નહીં શકે. ૧૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫