________________
શું છે પૈસામાં ?
તિજોરી શબ્દ સાથે દાગીના પછી જોડાય છે, પૈસા પહેલા જોડાય છે. પૈસા માટેની જૂની કહેવત છે, વસુ વિણ નર પશુ. પૈસા માટેની નવી કહેવત છે, વસુ પાછળ નર પશુ. જનાવરો શિકારને જોયા પછી બીજું બધું ભૂલી જાય છે તેમ માણસ પૈસાને જોયા પછી તેની પાછળ એવા દોડે છે કે બીજું બધું ભૂલી જાય છે. પૈસો અને તમારા સંબંધના ત્રણ તબક્કા છે. પૈસા માટે તમે મહેનત કરો છો તે બીજો તબક્કો. પૈસા જોઈએ છે તેવું તમે નક્કી કરો છો તે પહેલો તબક્કો. તમારા હાથમાં પૈસા આવે છે તે ત્રીજો તબક્કો. તમે પહેલા તબક્કામાં હશો અને પૈસા તો જોઈએ છે પણ કેટલા જોઈએ છે એ નક્કી કરવાનું હશે તો તમારી પાસે આખરી આંકડો નહીં હોય. તમારે પૈસા જોઈએ છે, ઘણા પૈસા જોઈએ છે પરંતુ અંતિમ આંકડો તમારી પાસે નથી. માણસને પૂછો કેટલું જીવવું છે ? તો કહેશે ૧૦૦ વરસ જીવવું છે. તેમ કેટલા પૈસા જોઈએ છે એમ પૂછો તો સ્પષ્ટ જવાબ નથી. જવાબ એ જ હોય છે જેટલા મળે એટલા જોઈએ છે. આમાં અંતિમ લક્ષ્ય નક્કી હોતું નથી. માટે તમારાં મનમાં સતત અસંતોષ રહે છે. એ પછી સ્પર્ધા આક્રમણ, અનીતિ અને એવું બધું ઉમેરાયા કરે છે. પૈસાની બાબતમાં અંતિમ સંખ્યા નક્કી કરવી અને તદ્દન પ્રામાણિકતા સાથે એ સંખ્યા નક્કી કરવી તે ખૂબ અઘરું કામ છે. આમ પહેલે તબક્કે જ પૈસા તમને ગૂંચવી દે છે. પછી બીજો તબક્કો આવે છે. તમે પૈસા માટે મહેનત કરી રહ્યા છો. તમને બે પરિણામ જોવા મળશે. ધાર્યા મુજબ પૈસા મળશે. અથવા ધાર્યા કરતા વધારે કે ઓછા પૈસા મળશે. આ બંને પરિણામોમાં કોઈ જગ્યા એવી નથી કે તમને પૂરેપૂરો સંતોષ થઈ જાય. ઓછા પૈસા મળ્યા હશે તો તમને તીવ્ર અસંતોષ થશે. પૂરતા પૈસા મળ્યા હશે તો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધારે મહેનત કરવા તૈયાર થશો. આમાં પણ અતૃપ્તિ તો રહેવાની જ. સરવાળે પૈસા માટેની મહેનતનું અંતિમ કાંઈ નથી. નવા પૈસા અને નવી મહેનત. નવી મહેનત અને
* ૧૧
નવા પૈસા. આ પણ ઍન્ડલૅસ પ્રૉસૅસ છે. તમારા હાથમાં ત્રીજા તબક્કે પૈસા આવે છે. પૈસા આવશે તે વપરાશે. તમને પૈસા વપરાય તેમાં મજા આવશે. તમે પૈસાનો સંગ્રહ કરશો તો પણ અભિમાનને મજા આવશે. તમે પૈસા આપશો તેમાં પણ તમારો અહં જ સંતોષાશે. તમને લાગશે કે આ પૈસા દ્વારા મળી રહેલી મજા છે તો હવે તમે નવી મજા માટે નવા પૈસાનો વિચાર કરશો. અહીં પણ નવી મહેનત ઉપર જ તમારું ધ્યાન રહેશે. આનો અંત ક્યારે આવશે તે સવાલ જ યાદ નથી આવતો. માટે અંતની કશી અવધારણા મનમાં રહેતી નથી. આગળ અને આગળ તમે વધ્યા કરો છો. વધારે અને વધારે મહેનત તમે કરતા રહો છો. પૈસા દ્વારા તમે મેળવી રહ્યા છો તેવું તમને લાગે છે. તમને ખબર નથી હોતી કે તમે પૈસા પાછળ ઘસડાઈ રહ્યા છો. આ જિંદગીનાં વરસો પૈસા મેળવવા માટે અને મળેલા પૈસા વાપરવા માટે વપરાઈ રહ્યાં છે. પૈસાનું મહત્ત્વ ન હોય તેવી જગ્યાઓ જિંદગીમાંથી શોધવાની હતી તે રહી ગઈ છે. પૈસા વિના અને પૈસાને યાદ કર્યા વિના મેળવી શકાય તેવા ઘણા બધા અંતરંગ સુખો તમે ચૂકી ગયા છો.
બોટાદના કવિ પ્રવીણ દેસાઈ કહે છે :
શું છે પૈસામાં ? પાછળ દોડો મા પૈસા જેવું દુઃખ દેનારું કોઈ નથી દુનિયામાં પૈસા લલચાવે કે પાછળ દોડાવે ધરમને વિસરાવે, શરીરને કરમાવે
પાણી થાયે લોહી તણું જે પૈસો મેળવતા એ પૈસાની પછવાડે કોઈ પાગલ થાશો મા
શું છે પૈસામાં ? પાછળ દોડો મા.
૧૨ ૨