________________
પૈસાની પારાશીશી
આ દુનિયામાં પૈસાવાળાનું જ જોર ચાલે છે તે સત્ય હકીકત છે અને બીજી સત્ય હકીકત એ છે કે દુનિયામાં શ્રીમંત લોકોની લઘુમતિ છે. મોટાભાગનો જનસમાજ શ્રીમંતાઈથી દૂર છે. પૈસા સાથે જોડાયેલા શબ્દો કેવા વિચિત્ર છે. મધ્યમવર્ગી એટલે જે ગરીબ નથી અને શ્રીમંત નથી. મતલબ કે પૈસા હોવા છતાં તમે શ્રીમંત નથી ગણાતા. ઘણાબધા પૈસા આવે તો જ તમે શ્રીમંત ગણાઈ શકો છો. પોતાનો ઘરખર્ચો પોતે કાઢી શકે તે છતે પૈસે ગરીબ છે. કેમકે તેને શ્રીમંત ગણવામાં આવતો નથી. પોતાના ઘરખર્ચા ઉપરાંત જેની પાસે ખૂબ બધા પૈસા બચે છે તે શ્રીમંત છે. વાપર્યા છતાં ખૂટે નહીં એટલા બધા પૈસા મેળવો છો તો તમે શ્રીમંત હોવાનો દાવો કરી શકો છો. તમારી પાસે આવેલા પૈસા તમે વાપરો છો. તમારી પાસે આવેલા પૈસા તમે નથી વાપરતા. તમારા પૈસા વપરાય છે. તમારા પૈસા વપરાતા નથી. આમા પારાશીશી નથી રહેતી. તમારું ઘર વરસે ચાલીસ હજારનો ખર્ચ માંગી લેતું હોય અને તમે પચાસ હજાર કમાતા હશો તો રૂ. દસ હજાર બચે છે. તમારું ઘર વરસે પાંચ લાખનો ખર્ચ માંગી લે છે અને તમે પચીસ લાખ કમાઓ છો તો તમારા વીસ લાખ રૂપિયા બચે છે. દસ હજાર બચે તે શ્રીમંતાઈ નથી. વીસ લાખ બચે છે તે શ્રીમંતાઈ છે. ચાલીસ હજાર જ ખર્ચાય તે ગરીબી છે. પાંચ લાખ ખર્ચાય તે શ્રીમંતાઈ છે. પૈસાનું અર્થઘટન ક્યારેય સમજાતું નથી. તમારા માથે દેવું હોય કે તમે ભીખ માંગતા હો તમે ગરીબ ગણાઓ છો તે તો સમજયા, હવે. તમે થોડાક પૈસા બચાવી શકો છો છતાં તમને શ્રીમંત ગણવામાં નથી આવતા. આ તો સરાસર માનસિક પંગુતા છે. ભારતીય સંસ્કૃતિ તો જરૂર પૂરતા પૈસા કમાવાની જ વાત કરે છે. જે પૈસાની જરૂર નથી તે પૈસામાં હાથ ન નાંખવો. પેટપૂરતું અનાજ અને ઘરપૂરતી કમાણી એ ભારતીય પરંપરા છે. બાકીની કમાણી એ અનીતિ છે. બીજાના પેટનો ખાડો પૂરવા જે પૈસા જઈ શક્તા હતા તે તમે
બીનજરૂરી કમાણી દ્વારા તમારા ઘરમાં લઈ આવ્યા. બીજા તો ગરીબ જ રહ્યા. તમને પૈસા મળે છે તે અલગ ઘટના છે અને તમે પૈસા પાછળ પાગલની જેમ મચી પડ્યા છો તે બીજી વાત છે. માઇક્રોસોફ્ટમાસ્ટર બિલ ગેટ્સ ભારત આવ્યો. એની જમવાની વ્યવસ્થા મૉટી હોટલમાં રાખવામાં આવી હતી. સવા દસે જમવાનું નક્કી થયું હતું. ભાઈ સાડા દસે પહોંચ્યા. તેમણે ટાઈમ મૅનેજમૅન્ટ તરીકે જમવાનું મોકૂફ રાખ્યું. બધાએ વખાણ કર્યા કે શું સમયની શિસ્ત છે. આ સમાચાર વાંચ્યા ત્યારે મને વિચાર આવ્યો કે “આ માણસ પાસે અબજો રૂપિયા છે, જમવાની પંદર મિનિટ પણ જે મેળવી શકતો નથી તેના પૈસાની કિંમત શું ? પેટ ભરીને ખાવા મળે તે માટે કમાવાનું હોય. આ ભાઈ આટલું કમાયા છે અને હજી પૈસા માટે જ પેટને લાત મારી રહ્યા છે, કમાલ છે.’
પૈસાનું ગણિત સદા અટપટું રહ્યું છે. તમે કાયમ શ્રીમંત રહી શકતા નથી. તમે કાયમ ગરીબ પણ રહી શકવાના નથી. શેરબજાર અને પૈસાબજાર ઉપર નીચે થયા જ કરવાના છે. તમારે જ નક્કી કરવું પડશે. તમારે શ્રીમંત બનવું હશે અથવા શ્રીમંત પૂરવાર થવું હશે તો કેટલા પૈસાની કમાણી કરવી તે નક્કી થઈ શકવાનું નથી. તમે જેટલા કમાશો એટલા ઓછા લાગશે. તમારે ખરેખર ઘર માટે અને પરિવારની જિંદગી માટે કેટલા પૈસા જોઈએ છે તેનો અંદાજ રાખીને કમાણી કરવાની હોય. એમાં પણ પેટ ભરાય તેથી વિશેષ પૈસા ના હોય તો નારાજી રાખવાની નહીં, આ દુનિયામાં શ્રીમંત બનવું કપરું છે. જેટલા પૈસા મળ્યા તેમાં સુખી બની રહેવું સહેલું છે.